સુરતમાં મોબાઈલ ATM આવતા લોકોને થોડી રાહત થઈ,જાણો કઈ રીતે ઉપાડાયા પૈસા

1223

દેશમાં ૫૦૦ અને ૧૦૦૦ની નોટબંધી બાદ દિલ્હી ખાતે શરૃ કરાયેલા મોબાઈલ એટીએમની એન્ટ્રી સુરતમાં પણ થઈ છે. શુક્રવારે સાંજે સુરત નવી સિવિલ હોસ્પિટલ કેમ્પસમાં મોબાઈલ એટીએમ આવી પહોંચતા દર્દી અને સગા સંબંધીઓને મોટી રાહત થઈ હતી. જ્યારે કેટલાક લોકોના એટીએમ કાર્ડમાં એરર આવતા પૈસા નહીં મળવાને લીધે નિરાશ થયા હતા.

૫૦૦ અને ૧૦૦૦ની નોટ રદ થયા બાદ લોકોને પારાવાર મુશ્કેલીઓનો સામનો કરવો પડી રહ્યો છે. ઘણા લોકોે રાત-દિવસ બેંકોની બહાર લાઈનમાં ઊભા રહ્યાં બાદ પણ પૈસા મેળવવામાં સફળ થઈ રહ્યાં નથી, ત્યારે શુક્રવારે સાંજે સિવિલ હોસ્પિટલ કેમ્પસમાં આવી પહોંચેલી મોબાઈલ એટીએમ (કાર) ને લીધે લોકોને મોટી રાહત થઈ હતી. પૈસા માટે શહેરની બેંકોમાં અટવાઈ રહેલા લોકો સામે પૈસાનું મશીન (એટીએમ) આવી પહોંચતા કુતૂહલ ફેલાયું હતું.

સિવિલ કેમ્પસમાં ટ્રોમાસેન્ટર પાસે મોબાઈલ એટીએમ આવ્યું હોવાની જાણ થતા દાખલ દર્દીઓના ઘણા સગા સંબંધીઓ તાત્કાલિક દોડી આવ્યાં હતા અને લાઈનમાં ઊભા રહી પૈસા ઉપાડયાં હતા. ખૂબજ સરળતાથી પૈસા મળી રહેતા લોકોમાં આનંદ છવાયો હતો. જ્યારે કેટલાક લોકોના એટીએમ કાર્ડમાં એરર આવતા પૈસા નહીં મળવાને લીધે નિરાશ થયા હતા. સિવિલમાં આવેલા એસબીઆઈના મોબાઈલ એટીએમના કસ્ટમર આસિસ્ટન્ટ નવાઝ ધંધાલાએ જણાવ્યું હતું કે, આ મોબાઈલ એટીએમમાં કોઈપણ બેંકનો એટીએેમ કાર્ડ ચાલે છે. જોકે, નાણાં કાઢવાની મર્યાદા ફકત રૃ. ૨૦૦૦ સુધીની છે. જે શહેરભરમાં ફરતા મોબાઈલ એટીએમમાં બે લાખ સુધીની રકમ હોય છે.