આધુનિક યુગમાં પુરુષોને માત આપતી દિવ્યાંગ નારી - Sandesh
  • Home
  • Supplements
  • Nari
  • આધુનિક યુગમાં પુરુષોને માત આપતી દિવ્યાંગ નારી

આધુનિક યુગમાં પુરુષોને માત આપતી દિવ્યાંગ નારી

 | 1:29 am IST

મિનિતા દવે

ચાંદ નથી તો શું થયું, એમ અમો ઓછા હારી જઇશું,  

આગીયાના અજવાળે અમો, અંધારું વટાવી જાઈશું

ઉપરોક્ત પંક્તિ મહિલાઓ માટે ઘણું કહી જાય છે. પહેલાંના સમયમાં ઘરમાં રહીને રોટલા ટીપી આપે તેને મહિલા કહેવાતી. ૨૧મી સદીમાં હવે મહિલાઓનું અસ્તિત્વ બદલાઇ ગયું છે. પુરુષોના ખભે ખભા મીલાવી દરેક ક્ષેત્રમાં આગળ આવી રહી છે. દરેક ક્ષેત્રમાં મહિલા આજે હરણફળ પ્રગતિ કરી રહી છે. પોલિટિક્સ, કોર્પોરેટ, શૈક્ષણિક તથા અન્ય કોઇ ક્ષેત્ર હોય આજના યુગમાં મહિલાઓનું વર્ચસ્વ સતત વધી રહ્યું છે. કોર્પોરેટ સેક્ટરમાં તો બોર્ડમાં મહિલાઓનો સમાવેશ ફ્રજિયાત કરવાના સરકારના નિર્ણયને કારણે આજે અનેક મહિલાઓ મોટી-મોટી કોર્પોરેટ કંપનીઓમાં સ્થાન પામી છે. આ ઉપરાંત મહિલાઓને ઉદ્યોગ માટે સરકારે અનેક પ્રોત્સાહક જાહેરાતો કરી છે જેના ભાગરૂપે આજે ગુજરાતમાં જ કુલ ઔદ્યોગિક સેક્ટરમાં ૧૦ ટકા ઉદ્યોગો મહિલાઓના નામે છે…

મહિલા દિવસે આપણે એક દિવ્યાંગ મહિલાની વાત કરીશું. મહિલા ધારે તો શું ન કરી શકે તે અમિતાબેન પટેલે પોતાની જીવનગાથા પરથી વ્યથિત કરે છે. અમિતાબેન આમ તો નાનપણથી જ પોલિયોના શિકાર બની ગયાં હતાં, પરંતુ તેઓએ હિંમત ન હારી. જે સમયે લોકોને લાગતું કે દિવ્યાંગ હોવું કોઈ અભિશાપથી કમ નથી તે સમયે  તેમણે બી.એ, એમ.એ તથા એલ.એલ.બી સુધીનો અભ્યાસ તો કર્યો. તે જાણતા હતા કે શિક્ષણ જ તેમની વ્હારે આવશે અને તેમની સોચ સાચી સાબિત થઈ. તેમને જીએમડીસીમાં સરકારી નોકરી મળી ગઈ, પરંતુ નોકરી કરીને પોતાનું ગુજરાન ચલાવવા નહોતા ઇચ્છતા. તેમનું મન તેમને હંમેશા સેવા તરફ ખેંચતું હતું. તેમને સતત એવું લાગ્યા કરતું કે જેવી રીતે મેં મારી જાતને સંભાળી છે તેવી રીતે મારે પણ અન્ય લોકો માટે કંઈક કરવું જોઈએ અને કુદરતનું ઋણ ચૂકાવવું જોઈએ. આ વિચારે તેઓએ સરકારી નોકરી ઠુકરાવી. તેમને મનમાં એવું થયું કે  મેં તો મારી જાતને મદદ કરી પરંતુ એવા કેટલાય લોકો હશે જે પોતાની જાતને મદદ કરવા જેટલા સજાગ નહીં હોય. આવું વિચારીને તેમને કંઈક એવું કરવાનું મન થયું કે જેમાં પોતાનો અને સાથે સાથે અન્યનો પણ વિકાસ થઈ શકે. આર્થિક રીતે સદ્ધર હોવાના કારણે તેઓ તેમના વિચાર પર આગળ વધી શક્યા. આ વિચાર સાથેે તેઓએ કમ્પ્યૂટર ક્લાસ શરૂ કર્યા જેમાં સામાન્ય લોકોને તો તાલીમ મળતી, પરંતુ વિકલાંગ બાળકો, સિનિયર સિટીઝન, ડિસેબલ બાળકો તેમજ આર્થિક પછાત એવા લોકોને ફ્રીમાં શિક્ષણ સેવા આપી રહ્યા છે.

અમિતાબેન પટેલે તો માત્ર શૈક્ષણિક જ્ઞાન પીરસવાનું કામ નથી કર્યું, પરંતુ શિક્ષણ ઉપરાંત દિવ્યાંગ મહિલાઓને રોજગારી કેવી રીતે મેળવવી તે માટે ક્રાફ્ટ, મહેંદી તથા વેસ્ટમાંથી બેસ્ટ, સુશોભન જેવી ઘરવખરી વસ્તુઓ બનાવીને તેને વેચવા માટે પણ બજારમાં મૂકી રહ્યાં છે, જેનાથી દિવ્યાંગ મહિલાઓને સીધી અને આડકતરી રીતે પગભર પણ કરી રહ્યાં છે. અમિતા બહેન પાસે જેટલા હુનર અને જેટલી આવડત હતી તે બધી જ તેઓ અન્યને પણ આપવા ઈચ્છતા હતા. અમિતાબેન પટેલને સંનિષ્ઠ કામગીરી બદલ તાજેતરમાં ઓલ ઇન્ડિયા દિવ્યાંગ એસોસિએશન તરફ્થી એવોર્ડથી નવાજવામાં આવ્યા હતા. જોકે તેઓ આ એવોર્ડ એવી દિવ્યાંગ મહિલાઓને સર્મપિત કરી રહ્યાં છે કે દરેક મહિલાઓ હિંમત ન હારે અને કંઇક કરી છુટવાની ભાવના બતાવે.

અમિતાબહેનનું માનવું છે કે વ્યક્તિ ધારે તો કોઈપણ જાતની વિકટ પરિસ્થિતિમાં પણ રસ્તો શોધી શકે અને જીવનમાં આગળ વધી શકે, બસ જરૂર છે તો માત્ર સેલ્ફ મોટિવેશનની. સૌથી પહેલાં તો દરેક માણસે ખુદની મદદ કરવી જોઈએ. પછી જો તે પગભર થઈ જાય તો કુદરતનું ઋણ ચુકવવાના હેતુસર તેણે ચોક્કસ એવા લોકોને મદદે આવું જોઈએ જેને કુદરતે એટલા સક્ષમ નથી બનાવ્યા કે તેઓ ખુદની મદદ કરી શકે. મદદ હંમેશાં પૈસાથી જ થાય એવું નથી. મદદ કોઈને હુનર આપીને પણ કરી શકાય. તેમણે પોતે પણ એ જ રસ્તો અપનાવ્યો છે. તેઓ માને છે કે હું કોઈ એક વ્યક્તિને પૈસા આપી મદદ કરીશ તો તે એક વખત જ કામમાં આવશે, પરંતુ જો હું તેને કોઈ હુનર શીખવીને રોજગારી પૂરી પાડીશ તો તેની મદદથી તે વ્યક્તિનું આખું કુટુંબ તરી શકશે. આ રીતે પોતાની અંદર રહેલી શક્તિનો ઉપયોગ કરી હજારો લોકોને ખુદની મદદ કરતાં શીખવાડનાર અમિતાબહેનને નારીના સલામ.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ સંદેશ ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો Sandeshની નવી મોબાઇલ એપ્લિકેશન