આધુનિક વિશ્વની એક મોટી સમસ્યાઃ અનિદ્રા - Sandesh
1.6M
1M
1.7M
APPS
  • Home
  • Health & Fitness
  • આધુનિક વિશ્વની એક મોટી સમસ્યાઃ અનિદ્રા

આધુનિક વિશ્વની એક મોટી સમસ્યાઃ અનિદ્રા

 | 4:30 pm IST

આધુનિક વિશ્વની સૌથી મોટી સમસ્યાઓમાં અનિદ્રાનો પણ સમાવેશ કરી શકાય છે. નિદ્રાનાશ કરવામાં નાનાં કારણો તથા મોટાં કારણો સમાન રૂપે ઉત્તરદાયી બને છે. ચિંતા, ભય, ક્રોધ, શોક, પસ્તાવો, ઈર્ષા, વિશાદ, હતાશા વગેરે માનસિક ઉદ્વેગોની અવસ્થા નિદ્રાનાશ કરે છે.

વિચિત્ર આદતો 

અનેક વ્યક્તિઓની વિચિત્ર આદતોને લીધે પણ ઊંઘ ઊડી જતી જોવા મળે છે. કેટલીક વ્યક્તિઓ પ્રકાશ વગર ઊંઘી શકતી નથી. જ્યારે કેટલીક વ્યક્તિઓને લાઈટ ચાલુ હોય તો વારંવાર ઊંઘમાં ખલેલ પડે છે. તો કેટલીક વ્યક્તિઓને ડીમલાઈટની ટેવ હોય છે.

સુખકર પથારી, શાંત વાતાવરણ, ભૂખ, તરસ, બેચેની, દાહ-બળતરા, ચિંતા, ક્રોધ, શોક વગેરેનો અભાવ તથા શરીરમાં વાયુ, પિત્ત અને કફ આ ત્રણે દોષોની સમતા હોય તો શાંતિથી ઘસઘસાટ ઊંઘ આવે છે. આમ અનિદ્રાનો ઉપચાર કરતી વખતે ઉપર નિર્દિષ્ટ શારીરિક અને માનસિક અનુકૂળતા પર ધ્યાન આપવું પડે. વિષમયતા, ગેસ, દાહ-બળતરા, બેચેની, કોઈપણ પ્રકારની પીડા ખંજવાળ ઈત્યાદિ નિદ્રાપ્રતિઘાતકર વિકારોની વિશિષ્ટ ચિકિત્સા કરવા ઉપરાંત આવશ્યક્તા જણાય ત્યારે ઊંઘ લાવનાર ઔષધોનો ઉપયોગ પણ કરવો પડે. પગે ગાયના ઘીનું માલીશ, માથા પર શીતળ વાતશામક તેલના અભ્યંગ-મસાજ તથા પગચંપીથી પણ ઊંઘ આવે છે. ગ્રીષ્મમાં રાત્રિસ્નાન પણ ઊંઘ લાવે છે.

ઔષધો 

ઊંઘ લાવનારાં આયુર્વેદીય ઔષધો પણ બે પ્રકારનાં છે. એક ‘દોષ શામક’ અને બીજા ‘માદક’. ઊંઘ લાવનારાં નિર્દોષ ઔષધોમાં ભેંસનું દૂધ અને અશ્વગંધા ઉત્તમ છે. એક ગ્લાસ દૂધમાં એક ચમચી અશ્વગંધાનું ચૂર્ણ અને ચપટી ગંઠોડા પાઉડર નાંખી, ઉકાળી, ઠંડું પાડી પીવાથી ઊંઘ સારી આવે છે. ઊંઘ ન આવવામાં વાયુ, પિત્તાદિ દોષ પણ કારણભૂત હોય છે. મોટાભાગે તો વાયુનો પ્રકોપ જ કારણભૂત હોય છે. આ ઉપચારમાં વપરાતું ઔષધ અશ્વગંધા વાતનાશક અને તાણ (સ્ટ્રેસ)ને દૂર કરનાર હોવાથી ઊંઘ લાવવાનો તેમાં ગુણ છે. ગંઠોડાનો વાયુનાશક ગુણ પણ તેમાં સહાયક બને છે. બંગસેને આ ઉપચાર બીજી રીતે આપ્યો છે. તે મુજબ અશ્વગંધા, સાકર અને ઘી ચાટવાથી સારી ઊંઘ આવે છે. અશ્વગંધારિષ્ટ પણ સારી ઊંઘ લાવે છે. ઊંઘ લાવવાની જેમ અશ્વગંધામાં એક બીજો પણ વિશેષ ગુણ છે ‘બૃંહણ’. બૃંહણ એટલે વજન વધારનાર. આમ વાયુ પ્રકૃતિની, પાતળા શરીરવાળી વ્યક્તિઓને ઊંઘ ન આવતી હોય તો અશ્વગંધાનો ઉપયોગ કરવાથી ઊંઘ પણ આવશે અને વજન પણ વધશે.

જ્યારે કોઈ રોગને લીધે ઊંઘ ન આવતી હોય ત્યારે રોગશામકની સાથે નિદ્રાપ્રદ આયુર્વેદિક ઔષધ આપવાથી ઊંઘ સારી આવે છે. દ્રાક્ષાસવ, શતાવરી, અશ્વગંધા, સર્પગંધા, બ્રાહ્મી, શંખપુષ્પી, સૂંઠ, ગંઠોડાં, ખુરાસાની અજમો વગેરેમાંથી કોઈ એક કે બે ઔષધ ખૂબ જ નાની માત્રામાં લેવાં જોઈએ. ચણાના દાણા જેટલું ખુરાસાની અજમાનું ચૂર્ણ, એક ચમચી જેટલા ઘી સાથે રાત્રે ચાટી જવાથી ઘણી સારી ઊંઘ આવે છે. હાઈ બ્લડપ્રેશરના દર્દીએ આ ઉપચાર કરવો નહીં. તેઓએ ખુરાસાની અજમાના સ્થાને સર્પગંધા ઔષધનું ચૂર્ણ પાથી અડધી ચમચીની માત્રામાં દૂધ સાથે લેવું.

આરોગ્ય ચિંતન : વૈદ્ય પ્રશાંત ગૌદાની

[email protected]

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ સંદેશ ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ટેલીગ્રામ, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો Sandeshની નવી મોબાઇલ એપ્લિકેશન