ગુજરાત પોલીસ દળને ટેક્નોલોજી અને આધુનિકતાથી વધુ સજ્જ બનાવવાના હેતુથી આજે ગાંધીનગર સ્થિત નેશનલ ફોરેન્સિક સાયન્સીસ યુનિવર્સિટી ખાતે એક ભવ્ય કાર્યક્રમ યોજાયો હતો. આ સમારોહમાં મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ અને ડે.સીએમ હર્ષ સંઘવીના હસ્તે 449 નવનિયુક્ત પોલીસ સબ ઇન્સ્પેક્ટરને સત્તાવાર નિમણૂંક પત્રો એનાયત કરવામાં આવ્યા હતા. આ પ્રસંગે બંને મહાનુભાવોએ નવા પોલીસ અધિકારીઓને પ્રજાની સેવા અને સુરક્ષા માટે નિષ્ઠાપૂર્વક કામ કરવાની પ્રેરણા આપી હતી. ફરજમાં કડકાઈ અત્યંત અનિવાર્ય મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે નવનિયુક્ત પીએસઆઈને સંબોધતા જણાવ્યું હતું કે, શાંતિ અને સલામતી વગર રાજ્ય કે દેશના વિકાસની કલ્પના અશક્ય છે. તેમણે 'નાગરિક દેવો ભવ' અને 'વસુધૈવ કુટુમ્બકમ'ની ભાવના સાથે લોકોને ન્યાય અપાવવા અપીલ કરી હતી. મુખ્યમંત્રીએ ઉમેર્યું કે, પ્રેમમાં શક્તિશાળીને પણ પીગળાવવાની તાકાત છે, છતાં કાયદો અને વ્યવસ્થા જાળવવા માટે ફરજમાં કડકાઈ અત્યંત અનિવાર્ય છે. તેમણે 2008ના સિરિયલ બ્લાસ્ટ કેસના ઐતિહાસિક ચુકાદાને યાદ કરીને ગુજરાત પોલીસની નિષ્ઠાવાન કામગીરીની પ્રશંસા કરી હતી અને કહ્યું કે આતંકીઓ ગમે તેટલા સમય પછી પણ કાયદાથી બચી શકશે નહીં. છેલ્લા 5 વર્ષમાં 15653 મહિલા પોલીસની ભરતી કરાઇ કાર્યક્રમ દરમિયાન નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવીએ પણ મહત્વનું સંબોધન કર્યું હતું. તેમણે નવનિયુક્ત અધિકારીઓને સલાહ આપી હતી કે, હંમેશા ‘જમીનથી નીચે રહેવાના વિચાર સાથે નોકરી કરજો’ અને ટેક્નોલોજીની સાથે માનવ ઇન્ટેલિજન્સ ડેવલપ કરવાની આવડત શીખજો. હર્ષ સંઘવીએ સરકારના ભરતીના આંકડા જાહેર કરતા જણાવ્યું કે, છેલ્લા 10 વર્ષમાં 54 હજાર કરતા વધુ જગ્યા પર સંપૂર્ણ પારદર્શિતાથી ભરતી કરવામાં આવી છે, જેમાં છેલ્લા 5 વર્ષમાં 15653 મહિલા પોલીસની ભરતી સામેલ છે. 2033 સુધીમાં વધુ 50 હજાર પોલીસકર્મીઓની ભરતી કરાશે હર્ષ સંઘવીએ એક મોટી જાહેરાત કરતા જણાવ્યું કે, વર્ષ 2008થી અત્યાર સુધીમાં 1 લાખ લોકો પોલીસમાં જોડાયા છે અને સરકારનું આગામી આયોજન વર્ષ 2033 સુધીમાં વધુ 50 હજાર પોલીસકર્મીઓની ભરતી કરવાનું છે. આ પારદર્શક ભરતી પ્રક્રિયા બદલ તેમણે ભરતી બોર્ડને અભિનંદન પાઠવ્યા હતા. આ પણ વાંચો--- Gujarat Latest News Live: રાજ્યમાં સાર્વત્રિક વરસાદની આગાહી, દક્ષિણ ગુજરાતમાં અતિભારે વરસાદનું એલર્ટ