Modi government aims to make India $ 10 trillion economy
  • Home
  • Business
  • ભારતને 10 ટ્રિલિયન ડોલરની ઇકોનોમી બનાવવા મોદી સરકારનું છે આ લક્ષ્ય

ભારતને 10 ટ્રિલિયન ડોલરની ઇકોનોમી બનાવવા મોદી સરકારનું છે આ લક્ષ્ય

 | 10:36 am IST

સરકાર હાલની આર્થિક કટોકટીને નિવારવા, ૨૦૨૪-૨૫ સુધીમાં ભારતને પાંચ ટ્રિલિયન ડોલર અને ૨૦૩૨ સુધીમાં ૧૦ ટ્રિલિયન ડોલરનું અર્થતંત્ર બનાવવા મધ્યમ અને લાંબાગાળાની યોજના તૈયાર કરી રહી છે. નામ નહીં આપવાની શરતે બે આર્થિક મંત્રાલયો સાથે કામ કરી રહેલા બે અધિકારીઓએ જણાવ્યું હતું કે, અત્યારે નાણામંત્રાલય વિવિધ મંત્રાલયો પાસેથી માહિતી એકઠી કરી રહ્યું છે. તેની પાછળનો મુખ્ય ઉદ્દેશ્ય અર્થતંત્રને વેગ અને રોજગાર સર્જનનો છે. નાણામંત્રાલયના અહેવાલ પર વડા પ્રધાનનાં નેતૃત્વ હેઠળની ઉચ્ચ સ્તરીય સમિતિઓ દ્વારા અભ્યાસ કરાશે.

૬ જૂનના રોજ સરકારે વડા પ્રધાન મોદીની અધ્યક્ષતામાં મૂડીરોકાણ અને વિકાસ તથા રોજગાર અને કૌશલ્ય વિકાસ પર કેબિનેટ કક્ષાની બે સમિતિની રચના કરી હતી. ૨૦૧૮-૧૯ના પહેલાં ત્રિમાસિકથી જ અર્થતંત્રમાં મંદી પ્રવર્તવા લાગી હતી. તાજેતરમાં જ રિઝર્વ બેન્કે આર્થિક વિકાસ દરનો અંદાજ ૭ ટકાથી ઘટાડીને ૬.૯ ટકા કર્યો છે. રિયલ એસ્ટેટ અને કન્સ્ટ્રક્શન સેક્ટરોમાં વ્યાપક મંદી જોવા મળી રહી છે. છેલ્લા ૯ મહિનામાં મોટરકારના વેચાણમાં સતત ઘટાડો થઈ રહ્યો છે. જુલાઈ મહિનામાં છેલ્લા એક વર્ષની સરખામણીમાં કારના વેચાણમાં ૩૦ ટકાનો ઘટાડો થયો છે.

અધિકારીએ જણાવ્યું હતું કે, સરકારની તાત્કાલિક પ્રાથમિકતા માગ સર્જીને વિકાસને વેગ આપવાની છે. બેન્કિંગ સિસ્ટમમાં પૂરતી લિક્વિડિટી છે. બેન્કોએ ઘટાડેલા વ્યાજદરના લાભ ગ્રાહકો સુધી પહોંચાડવાની જરૂર છે જેથી તેઓ વાહનો અને મકાનની ખરીદી કરે. આગામી તહેવારની સિઝન પહેલાં સરકાર તરફથી પણ ગ્રાહકોને પ્રોત્સાહન મળે તેવા પગલાંની જાહેરાત કરાય તેવી સંભાવના છે.

સરકારનો હાલનો લક્ષ્યાંક તો માગમાં વધારો કરી ભારતને ૨૦૨૪-૨૫ સુધીમાં પાંચ ટ્રિલિયન ડોલરની ઇકોનોમી બનાવવાનો છે. વડા પ્રધાન મોદીએ સ્વતંત્રતા દિવસના સંબોધનમાં પણ આ લક્ષ્યાંક અંગે જાહેરાત કરી હતી. સરકાર ૨૦૩૨ સુધીમાં ભારતને ૧૦ ટ્રિલિયન ડોલરની ઇકોનોમી બનાવવાની તૈયારી કરી રહી છે.

પ્રસ્તાવ-૧: ઓટોમોબાઇલ પરનો જીએસટી ઘટાડવો
સરકાર હાલની સ્થિતિમાં ઓટોમોાઇલ પરનો જીએસટી ૨૮ ટકાથી ઘટાડીને નીચો કરે તેવો પ્રસ્તાવ મૂકવામાં આવ્યો છે. તે ઉપરાંત સરકાર નવા વાહનોના વેચાણને પ્રોત્સાહન માટે જૂના વાહનો રદ કરવા માટે આકર્ષક પેકેજ આપવા પર કામ કરી રહી છે.

પ્રસ્તાવ-૨: મકાન ખરીદનારાઓને કરમાં રાહત આપવી
સરકાર રિયલ એસ્ટેટના વિલંબમાં પડેલા પ્રોજેક્ટો પૂરા કરવા માટે ભંડોળની વ્યવસ્થા કરવા અને ઘર ખરીદનારાઓને કરમાં રાહત આપવા પર પણ વિચારણા કરી રહી છે. ટેક્સ્ટાઇલ્સ જેવા સેક્ટરોમાં સ્ટિમ્યુલસ પેેકેજ લાવવામાં આવે તેવી સંભાવના છે.

આ પણ જુઓ: ભારતની અર્થ વ્યવસ્થા પર રિલાયન્સનો મેગા પ્લાન

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ સંદેશ ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો Sandeshની નવી મોબાઇલ એપ્લિકેશન