Modi Government Decided To Withdraw Spg Protection From Gandhi Family
  • Home
  • Assembly Election
  • મોદી સરકારે સોનિયા, રાહુલ, પ્રિયંકા ગાંધીની SPG સુરક્ષા હટાવી, હવે અપાશે આ શ્રેણીની સુરક્ષા

મોદી સરકારે સોનિયા, રાહુલ, પ્રિયંકા ગાંધીની SPG સુરક્ષા હટાવી, હવે અપાશે આ શ્રેણીની સુરક્ષા

 | 4:19 pm IST

કેન્દ્ર સરકારે સોનિયા ગાંધી, રાહુલ ગાંધી અને પ્રિયંકા ગાંધીની એસપીજી સુરક્ષા હટાવવાનો નિર્ણય લીધો છે. જોકે ગાંધી પરિવારની સુરક્ષા સાથે કોઈ પણ પ્રકારની સમજુતિ નહીં કરવામાં આવે. ગાંધી પરિવારને હવે ઝેડ પ્લસ સુરક્ષા આપવામાં આવશે. હવેથી ગાંધી પરિવારના આ સભ્યોની સુરક્ષામાં સીઆરપીએફના કમાંડો હાજર રહેશે.

સરકારી સૂત્રોના જણાવ્યા પ્રમાણે કેન્દ્ર સરકારે તમામ એજન્સીઓ તરફથી મળેલા થ્રેટ ઈનપુટનો સર્વે કર્યા બાદ આ નિર્ણય લેવામાં આવ્યો છે. ઉલ્લેખનીય છે કે, વડાપ્રધાન નરેન્દ્ર મોદી ઉપરાંત કોંગ્રેસના કાર્યકારી અધ્યક્ષ સોનિયા ગાંધી, પૂર્વ અધ્યક્ષ રાહુલ ગાંધી અને મહાસચિવ પ્રિયંકા ગાંધીને એસપીજી સુરક્ષા આપવામાં આવે છે.

ખતરાનો સર્વે કર્યા બાદ એસપીજી સુરક્ષા હટાવવાનો નિર્ણય

કેન્દ્ર સરકારે ખતરાનું આકલન કર્યા બાદ ધ્યાને આવ્યું હતું કે ગાંધી પરિવારને કોઈ પણ પ્રકારનો સીધો ખતરો નથી. રાજીવ ગાંધીની 1991માં હત્યા બાદ નિર્ણય લેવામાં આવ્યો હ અતો કે પૂર્વ વડાપ્રધાનને પણ એસપીજી સુરક્ષા આપવામાં આવશે. જોકે પૂર્વ વડાપ્રધાનને આપવામાં આવેલી સુરક્ષા વ્યવસ્થાની સમયાંતરે સમીક્ષા કરવામાં આવી છે અની જરૂર પ્રમાણે તેને ઘટાડા કે વધારવામાં આવે છે. આ અગાઉ ઓગષ્ટ મહિનામાં જ પૂર્વ વડાપ્રધાન મનમોહન સિંહની એસપીજી સુરક્ષા પણ હટાવી લેવામાં આવી હતી. એસપીજી સુરક્ષા હટતાની સાથે જ પ્રિયંકા ગાંધીને નોટિસ પાઠવીને તેમના બંગલાને લઈને પણ સવાલ કરવામાં આવ્યો હતો. પ્રિયંકા ગાંધીએ કહ્યું હતું કે, તેમને ઘર ખાલી કરવામાં કોઈ જ વાંધો નથી.

એસપીજી સુરક્ષા અને ઝેડ પ્લસ સુરક્ષામાં શું અંતર

ભારતમાં વડાપ્રધાન અને ગાંધી પરિવારને એસપીજી સુરક્ષા પુરી પાડવામાં આવે છે. આ સુરક્ષાનું સ્તર ખુબ જ ઉંચુ માનવામાં આવે છે. તેમાં તૈનાત કમાંડો પાસે અત્યાધુનિક હથિયારો અને સંચાર ઉપકરણ હોય છે. સ્પેશિયલ પ્રોટેક્શન ગ્રુપની સુરક્ષા બાદ ઝેડ પ્લસ ભારતની સર્વોચ્ચ સુરક્ષા શ્રેણી છે. આ શ્રેણીમાં વિશિષ્ઠ વ્યક્તિની સુરક્ષામાં 36 જવાનો તૈનાત હોય છે. તેમાં 10થી વધારે એનએસજી કમાંડો સાથે દિલ્હી પોલીસ, આઈટીબીપી કે સીઆરપીએફના કમાંડો અને રાજ્ય પોલીસના પોલીસકર્મીઓ પણ શામેલ હોય છે. સુરક્ષા કરી રહેલા એનએસજી કમાંડો પાસે એમપી 5 મશીનગનની સાથે અત્યાધુનિક કોમ્યુનિકેશન સિસ્ટમ પણ હોય છે.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ સંદેશ ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો Sandeshની નવી મોબાઇલ એપ્લિકેશન