મોદી સરકારનો માસ્ટરસ્ટ્રોક? આગામી બજેટમાં કરી શકે છે મોટી જાહેરાત - Sandesh
  • Home
  • India
  • મોદી સરકારનો માસ્ટરસ્ટ્રોક? આગામી બજેટમાં કરી શકે છે મોટી જાહેરાત

મોદી સરકારનો માસ્ટરસ્ટ્રોક? આગામી બજેટમાં કરી શકે છે મોટી જાહેરાત

 | 7:40 pm IST

નવી નોકરીઓનું સર્જન નરેન્દ્ર મોદી સરકાર માટે સૌથી મોટો પડકાર છે. વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ 2014માં લોકસભાની ચૂંટણીના પ્રચાર દરમિયાન દર વર્ષે 1 કરોડ નવી નોકરીઓ ઉભી કરવાનું વચન આપ્યું હતું. બીજી બાજુ દર વર્ષે એક કરોડ યુવાનો દેશમાં નોકરીઓ માટે તૈયાર થઈ રહ્યાં છે. ત્યારે મોદી સરકાર મિશન 2019ને ધ્યાનમાં રાખી નવી નોકરીઓ મુદ્દે આવનાર બજેટમાં કોઈ મોટી જાહેરાત કરી શકે છે.

મોદી સરકાર દ્વારા આગામી બજેટમાં ખેડુતોના મુદ્દા પર ધ્યાન કેન્દ્રીય કરવામાં આવી શકે છે. તેવી જ રીતે અસંગઠીત રોજગારના ક્ષેત્રમાં પણ મોટા પાયે ફેરફાર કરવામાં આવી શકે છે. સૂત્રોના જણાવ્યા પ્રમાણે સરકાર મધ્યમ વર્ગને ધ્યાનમાં રાખીને ઈન્કમ ટેક્ષમાં પણ રાહત આપવા જઈ રહી છે.

વર્ષ 2018-2019નું બજેટ મોદી સરકાર માટે એક સુવર્ણ તક સમાન છે, જેને મારફતે તેઓ નવી નોકરીઓની અછત દૂર કરી પોતાના જનાધારને વધારે મજબુત બનાવી શકે છે. લેબર મિનિસ્ટ્રીના લેબર બ્યૂરોના આંકડા પર નજર કરવામાં આવે તો 2015માં 135,000, 2014માં 421,000 અને 2013માં 419,000 નવી નોકરીઓ ઉભી થઈ હતી. લેબર બ્યૂરોનો વધુ એક સર્વે દર્શાવે છે કે, બેરોજગારીનો દર છેલ્લા 5 વર્ષમાં ટોચ પર છે. 2016માં 5%, 2015માં 4.9% અને 2014માં 4.7 ટકા બેરોજગારી દર હતો.

ગુજરાત વિધાનસભાની ચૂંટણીમાં ભારતીય જનતા પાર્ટીને ગ્રામીણ વિસ્તારમાં ધારી સફળતા હાંસલ થઈ ન હતી. જેને લઈને પાર્ટીમાં થોડે અંશે ચિંતાનો માહોલ છે. આમ આવનારી લોકસભાની ચૂંટણી પહેલા મોદી સરકારનું આ અંતિમ બજેટ હશે. મોદી સરકાર આવનાર બજેટમાં એવા મુદ્દાઓ પર વધારે ધ્યાન આપશે, જેનો ચૂંટણીમાં પણ પ્રભાવ પડે. આશા વ્યક્ત કરવામાં આવી રહી છે કે, સરકાર આ બજેટમાં ખેડુતોના મુદ્દાઓ પર વધારે ધ્યાન કેન્દ્રિત કરી શકે છે. તેવી જ રીતે બજેટમાં ખેડુત બાદ નોકરીઓનો મુદ્દો બીજા ક્રમ પર રહેશે.

સરકારના આગામી બજેટમાં નોકરીઓને લઈને કોઈ મોટી જાહેરાત કરે તે બાબતેના સંકેત પણ મળી રહ્યાં છે. સરકાર આ બજેટમાં રાષ્ટ્રિય રોજગાર નીતિની જાહેરાત કરી શકે છે. આ નીતિમાં જુદા જુદા સેક્ટરોમાં નવી અને સારી નોકરીઓ ઉભી કરવાનો રોડ મેપ તૈયાર કરવામાં આવશે.

મોટા ભાગે નોકરીઓ અસંગઠીત ક્ષેત્રોમાં વધે છે, પરંતુ આ નીતિ બાદ કદાચ આ ટ્રેંડમાં પરિવર્તન આવી શકે છે. લગભગ 90 ટકા કર્મચારી અસંગઠીત ક્ષેત્ર સાથે સંકળાયેલી નોકરીઓ સાથે જોડાયેલા છે, જે કોઈ સોશિયલ સિક્યોરિટી લૉ હેઠળ નથી આવતા. તેથી તેમને ન્યૂનતમ વેતન પણ નથી મળતુ તેવા અહેવાલ છે.

ઈન્કમ ટેક્ષમાં છુટછાટ

સરકાર મધ્ય વર્ગને પણ રાહત આપી શકે છે. સૂત્રોના જણાવ્યાનુંસાર વર્ષ 2018-19ના આગામી બજેટમાં સરકાર ટેક્ષની મર્યાદા વધારવાની સાથો સાથે ટેક્ષ સ્લેબમાં પણ ફેરફાર કરી શકે છે. નાણાં મંત્રાલય સમક્ષ વ્યક્તિગત આવકની મર્યાદા અઢી લાખથી વધારીને 3 લાખ કરવાનો પ્રસ્તાવ છે. જોકે આ મર્યાદા 5 લાખ સુધી કરી દેવાની માંગણી તો સમયાંતરે ઉઠતી જ રહે છે.