મોદી સરકાર એર ઈન્ડિયાનું આ રીતે કરશે ખાનગીકરણ !!! - Sandesh
  • Home
  • Business
  • મોદી સરકાર એર ઈન્ડિયાનું આ રીતે કરશે ખાનગીકરણ !!!

મોદી સરકાર એર ઈન્ડિયાનું આ રીતે કરશે ખાનગીકરણ !!!

 | 8:18 pm IST

કેન્દ્ર સરકાર હવે એર ઈન્ડિયાનો સો ટકા હિસ્સો વેચવા માટે વિચારણા કરી રહી છે. ગયા મહિને સરકારનો એર ઈન્ડિયાનો 74 ટકા હિસ્સો વેચવાનો પ્રયાસ સૂચિત કડક નિયમોને કારણે નિષ્ફળ નીવડતા હવે સરકાર નુકસાન કરતી આ એરલાઇન્સના ખાનગીકરણની પ્રક્રિયાને ફરી તપાસવા માટે તૈયાર થઈ છે. આર્થિક બાબતોના સેક્રેટરી સુભાષ ચન્દ્ર ગર્ગે જણાવ્યું હતું કે વડાપ્રધાન નરેન્દ્ર મોદીનું વહીવટીતંત્ર ખાનગીકરણની પ્રક્રિયાને ફરી તપાસવા માટે તૈયાર છે. એર ઈન્ડિયામાં લઘુમતી હિસ્સો ધરાવવાની જોગવાઈ બાબતે પણ સરકાર વિચાર કરવા માટે તૈયાર છે. હાલ સરકાર વિવિધ વિક્લ્પો ચકાસી રહી છે. હવે તે કંપનીમાં 24 ટકા હિસ્સો ધરાવવાનો આગ્રહ જતો કરવા પણ તૈયાર છે.

ગર્ગે જણાવ્યું હતું કે એક ચોક્કસ પ્રકારનો વ્યૂહ ઓફર કરવામાં આવ્યો હતો, પણ તેને કોઈએ ન સ્વીકારતા હવે કશુંક અલગ કરવાની જરૂર પડી છે. સરકારે આ એરલાઇન્સમાં 24 ટકા હિસ્સો જાળવવો જ જોઈએ તેવો કોઈ હેતુ હવે રહ્યો નથી. સરકાર આ બાબતે ફેરતપાસ કરવા માટે તૈયાર છે. વડાપ્રધાન મોદીએ એર ઈન્ડિયાનું ખાનગીકરણ કરવા માટે જોરશોરથી શરીઆત કરી હતી, પરંતુ 31 મેએ તેમની યોજનાની સમયમર્યાદા પૂરી થઈ ત્યાં સુધીમાં એક પણ દાવેદાર આગળ ન આવતાં આ યોજના નિષ્ફળ નીવડી હતી. હાલ આ એરલાઇન્સ રૂ. 50,000 કરોડના દેવામાં ડૂબેલી છે.

ખરીદદારોએ કેમ પીછેહઠ કરી?
ઈન્ડિગો નામની એરલાઇન્સે શરૃઆતમાં એર ઈન્ડિયાના ઇન્ટરનેશનલ ઓપરેશન્સમાં રસ બતાવ્યો હતો, પરંતુ સરકારે ઇન્ટરનેશનલ ઓપરેશન્સ અલગ વેચવામાં નહીં આવે તેવી સ્પષ્ટતા કરતાં ઈન્ડિગોએ પીછેહઠ કરી હતી. એ પછી અન્ય દાવેદારોએ પણ સરકારની આકરી શરતોને કારણે રસ લેવાનું પસંદ ન કરતાં એર ઈન્ડિયાની હાલત સતત ખોટને કારણે ઓર કફોડી થઈ હોવાનું મનાય છે.

પગાર કરવાના નાણાં ઊભાં કરવામાં અડચણ?
એર ઈન્ડિયા ખોટમાં ચાલી રહી હોવાથી તેના કર્મચારીઓનો સમયસર પગાર કરવામાં પણ અડચણ પડી રહી હોવાનું જાણવા મળ્યું છે. એર ઈન્ડિયાએ તાજેતરમાં ર્વિંકગ કેપિટલ મેળવવા માટે તજવીજ કરી હતી. બેન્કરો પાસેથી ૧,૦૦૦ કરોડ રૃપિયાની લોન મેળવવા માટે તજવીજ કરવામાં આવી હતી, પરંતુ આ લોનની વ્યવસ્થા થઈ શકી છે કે કેમ તે જાણવા મળ્યું નથી. મે મહિનાનો પગાર જૂનમાં ચૂકવવા માટે તૈયારી કરવામાં આવી રહી હતી.