Modi Government Sent Feelers For Talks Mentioned Five Conditions For Talks : Pakistan Claim
  • Home
  • Featured
  • મોદી સરકાર મોં ફેરવી લેતા પાકિસ્તાનની હેઠાગત, ખુદ ઈમરાન ખાનના ખાસે જ કર્યો ખુલાસો

મોદી સરકાર મોં ફેરવી લેતા પાકિસ્તાનની હેઠાગત, ખુદ ઈમરાન ખાનના ખાસે જ કર્યો ખુલાસો

 | 4:35 pm IST

ભારત અને પાકિસ્તાન (Pakistan) વચ્ચે ચાલી રહેલા તણાવપૂર્ણ વચ્ચે ઈમરાન ખાન (Imran Khan)સરકારે દાવો કર્યો છે કે, ગત વર્ષે મોદી સરકારે તેને વાતચીતનું આમંત્રણ આપ્યું હતું. પાકિસ્તાનના વડાપ્રધાન ઈમરાન ખાનના રાષ્ટ્રીય સુરક્ષા સલાહકાર મોઈદ યુસૂફે આ આરોપ લગાવ્યા હતાં. પાકિસ્તાને ઉલ્ટા ચોર કોટવાલ કો ડાંટેની માફક ભારતની ગુપ્તચર એજન્સી રૉ (RAW) પર પણ આતંકવાદ ફેલાવવાના ગંભીર આરોપ લગાવ્યા હતાં.

પાકિસ્તાનના રાષ્ટ્રીય સુરક્ષા સલાહકાર (NSA) મોઈદ યુસૂફે કહ્યું હતું કે, પાકિસ્તાને કાશ્મીર સહિત તમામ પડતર મુદ્દે ભારત સાથે સાર્થક વાતચીત શરૂ કરતા પહેલા 5 શરતો મુકી હતી. પાકિસ્તાને આ દાવો એવા સમયે કર્યો છે કે જ્યારે ભારત સાથે તેના સંબંધો ઐતિહાસિક રીતે તળીયે પહોંચી ગયા છે.

ભારતની એક સમાચાર વેબસાઈટ સાથેની વાતચીતમાં મોઈદે કહ્યું હતું કે, પાકિસ્તાન ભારત સાથે શાંતિપૂર્ણ સંબંધોને લઈને ઈચ્છુક છે અને તમામ મુદ્દાઓ વાતચીત દ્વારા ઉકેલવા માંગે છે. પરંતુ ભારત સાથે વાતચીત શરૂ કરતા પહેલા પાકિસ્તાને 5 શરતો મુકી હતી.

પાંચ શરતો વિષે મોઈદે કહ્યું હતું કે, ભારતને કાશ્મીરના તમામ રાજનૈતિક કેદીઓને છોડવા પડશે. બંદીઓ અને રોકને પણ હટાવવી પડશે. બિન કાશ્મીરીઓને કાશ્મીરમાં વસાવવાનો અધિકાર આપતા કાયદાને પણ રદ્દ કરવો પડશે. માનવાધિકારોનું ઉલ્લંઘ બંધ કરવા પડશે. સાથે જ પાકિસ્તાનમાં પણ કથિત આતંકવાદ ફેલાવવાનું બંધ કરવું પડશે. તેમણે શેખી મારતા એવો પણ દાવો કર્યો હતો કે, તાજેતરમાં જ ભારત તરફથી પાકિસ્તાનને વાતચીત માટેની ઓફર કરવામાં આવી હતી.

રૉ પર પાકિસ્તાનમાં આતંકવાદ ફેલાવવાનો પણ આરોપ

પાકિસ્તાનના રાષ્ટ્રીય સુરક્ષા સલાહકાર ઉમેર્યું હતું કે, પાકિસ્તાન નથી ઈચ્છતું કે ભારત દુનિયાને કહે કે બધુ ઓલ વેલ થઈ ગયું છે અને દરેક બાબતે સહમતિ સધાઈ ગઈ છે. વાતચીત માટે વાતાવરણ ઉભુ કરવું પડશે. ભારતની ગુપ્તચર એજન્સી રૉ પર ગંભીર આરોપ લગાવતા મોઈદે કહ્યું હતું કે, પાકિસ્તાન પાસે એ વાતના પાક્કા પુરાવા છે કે, ડિસેમ્બર 2014માં પેશાવરમાં થયેલા એપીએસ આતંકી હુમલાનું ષડયંત્ર રૉએ ઘડ્યું હતું.

મોઈદે વધુ એક બેકાર આરોપ લગાવતા ઉમેર્યું હતું કે, ભારતે પાકિસ્તાનના પાડોશી દેશોના દૂતાવાસોનો ઉપયોગ ગ્વાદર, ચીની વાણિજ્ય દૂતાવાસ કરાંચી અને પાકિસ્તાની સ્ટોક એક્ચેંજ પર હુમલા કરવા માટે કર્યો છે. ભારતે 10 લાખ ડૉલરનો ખર્ચ કર્યો જેથી કરીને તહરીકે તાલિબાન પાકિસ્તાન (TTP)ના અફઘાનિસ્તાનમાં જુદા જુદા જુથો એક થઈ જાય.

ઉલ્લેખનીય છે કે, જમ્મુ-કાશ્મીરમાં અનુચ્છેદ 370ને ખતમ કર્યા બાદ પહેલીવાર એવુ બની રહ્યું છે કે, કોઈ પાકિસ્તાની અધિકારીએ ભારત સાથે વાતચીતને લઈને ભારતીય મીડિયા સાથે વાતચીત કરી હોય.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ સંદેશ ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ટેલીગ્રામ, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો Sandeshની નવી મોબાઇલ એપ્લિકેશન