મોદી સરકાર હવે પીઓકેમાં એક્શન લેશે : ઇમરાનખાન - Sandesh
  • Home
  • World
  • મોદી સરકાર હવે પીઓકેમાં એક્શન લેશે : ઇમરાનખાન

મોદી સરકાર હવે પીઓકેમાં એક્શન લેશે : ઇમરાનખાન

 | 3:00 am IST

। ઇસ્લામાબાદ ।

પાકિસ્તાનના સ્વાતંત્ર્ય દિવસે વડા પ્રધાન ઇમરાનખાન પાક.ના કબજા હેઠળના કાશ્મીરની વિધાનસભામાં પહોંચ્યા હતા. ગૃહને સંબોધતાંઇમરાનખાને કહ્યું હતું કે, ‘કાશ્મીરને મુદ્દે વડા પ્રધાન મોદી અને ભાજપની હકીકતને મેં વિશ્વ સમક્ષ મૂકી છે. તેઓ માત્ર કાશ્મીર સુધી અટકવાના નથી. મને અહેવાલ મળ્યા છે કે તેઓ પીઓકેમાં પણ આવી શકે છે. તેઓ પીઓકેમાં સૈન્ય પગલાં લેવાની તૈયારી કરી રહ્યાં છે. આપણી સેના તૈયાર છે અને કાંઈ પણ ઘટશે તો જવાબ આપવામાં આવશે. ઇંટનો જવાબ પથ્થરથી આપવામાં આવશે. ભારત અને પાકિસ્તાન વચ્ચે યુદ્ધ છેડાશે તો વિશ્વ તેને માટે જવાબદાર રહેશે, સંયુક્ત રાષ્ટ્ર જવાબદાર રહેશે.’

પીઓકેના મુઝફ્ફરાબાદ ખાતે આપેલા પ્રવચનનું ટીવી પર લાઇવ પ્રસારણ પણ કરવામાં આવ્યું હતું.ઇમરાને એમ પણ કહ્યું હતું કે કાશ્મીરમાં સંચારબંધીની આડમાં તેઓ જે કરી રહ્યા છે તેના તરફથી વિશ્વનું ધ્યાન બીજે દોરવા પીઓકેમાં સૈન્ય કાર્યવાહી કરવા માંગે છે. તેમણે કહ્યું હતું કે કાશ્મીર મુદ્દે વડા પ્રધાન મોદીએ વ્યૂહાત્મક ભૂલ કરી છે. જમ્મુ-કાશ્મીરને આપવામાં આવેલો વિશેષ દરજ્જો નાબૂદ કરીને બે કેન્દ્ર શાસિત પ્રદેશનું પુનર્ગઠન થતાં પાકિસ્તાન ભારતની આ આંતરિક બાબતને લઈને વિશ્વભરમાં ગાણા ગાઈ રહ્યો છે. પોતાની પેંતરાબાજી નિષ્ફળ જતી જોતાં હવે યુદ્ધનો હાઉ ઊભો કરી રહ્યો છે. ઇમરાનખાને કહ્યું કે પાકિસ્તાન કાશ્મીર મુદ્દાને વિશ્વભરના ફોરમ સુધી લઈ જશે. જરૂર પડશે તો આંતરરાષ્ટ્રીય કોર્ટમાં જશે. આવનારા દિવસોમાં લંડન ખાતે વિરોધ રેલી પણ નીકળશે. સંયુક્ત રાષ્ટ્ર મહાસભામાં પણ વિરોધ નોંધાવવામાં આવશે.

સ્પષ્ટ છે કે પાકિસ્તાનને ભય સતાવી રહ્યો છે કે ભારત હવે પીઓકેમાં બાલાકોટ ખાતે કરેલી સર્જિકલ સ્ટ્રાઇક કરતાં પણ મોટી કાર્યવાહી કરી શકે છે.

વિશ્વમાં બનીશ કાશ્મીરનો અવાજ : ઇમરાન

પીઓકેની વિધાનસભાને સંબોધતાં ઇમરાનખાને કહ્યું કે, ‘હું વિશ્વમાં કાશ્મીરનો અવાજ બનીશ અને તમામને આરએસએસની વિચારધારા વિષે જાણ કરીશ..ભાજપ અને સંઘની વિચારધારા મુસ્લિમોની વિરુદ્ધ છે, અને તેઓ જ હિંદુસ્તાનમાં રાજ કરી રહ્યા છે. ઉલ્લેખનીય છે કે ભારતે જ્યારથી જમ્મુ-કાશ્મીર મુદ્દે નિર્ણય લીધો છે ત્યારથી પાકિસ્તાન બેબાબકળું બની ચૂક્યું છે.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ સંદેશ ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો Sandeshની નવી મોબાઇલ એપ્લિકેશન