મોદી- ઇમરાન હશે એક મંચ પર પણ વાત નહીં કરે - Sandesh
  • Home
  • Columnist
  • મોદી- ઇમરાન હશે એક મંચ પર પણ વાત નહીં કરે

મોદી- ઇમરાન હશે એક મંચ પર પણ વાત નહીં કરે

 | 2:43 am IST

કરન્ટ અફેર : આર. કે. સિંહા

લોકસભા ચૂંટણીના પરિણામોમાં એનડીએને અભૂતપૂર્વ સફળતા મળ્યા પછી પાકિસ્તાનના વડા પ્રધાન ઇમરાન ખાને વડા પ્રધાન નરેન્દ્ર મોદીને વિજયનો સંદેશો મોકલ્યો હતો. તેમણે આશા વ્યક્ત કરી હતી કે બંને દેશોના સંબંધો હવે સુધરશે. તેમની આ સદઇચ્છાનો ભારત આદર કરે છે. હંમેશાં કરતો આવ્યો છે. પરંતુ ઇમરાન ખાન કે પાકિસ્તાનના કોઇ પૂર્વ શાસકે ક્યારેય પાડોશી દેશના વડા પ્રધાનનો ધર્મ નથી નિભાવ્યો.તેથી ભારત પાડોશી દેશ સાથે વાતચીતના મુદ્દે હાલમાં કોઇ ઉત્સાહ નથી દાખવી રહ્યું. તેથી જ ભારતના વડા પ્રધાન નરેન્દ્ર મોદી ચીનના પ્રવાસ વખતે પાકિસ્તાનના વડા પ્રધાન ઇમરાન ખાનને મળવાના હોય તેવો કોઇ કાર્યક્રમ નથી.ઇમરાન ખાનની શખ્સિયતને સમજવી મુશ્કેલ છે. ભારતે તેમને એક સફળ ક્રિકેટરના રૂપમાં ખૂબ પ્રેમ આપ્યો છે. તેમણે પોતાની માતાને નામે એક કેન્સર હોસ્પિટલ ખોલી તો ભારતના અનેક ઉદ્યોગપતિઓ અને ફિલ્મી કલાકારોએ પણ હૃદય ખોલીને તેમને ધન આપ્યું હતું. ક્રિકેટ છોડીને ઇમરાને રાજકારણના વિશ્વમાં પગ મૂકતાં ભારતમાંથી તેમને કેટલાક ખાસ સેમિનારમાં આમંત્રણ મળવા લાગ્યા. એ સેમિનારોમાં પણ ઇમરાન પોતાના દેશનો પક્ષ જ મૂકતા રહ્યા. આટલે સુધી તો બધું તો ઠીક છે. જે ભારતે તેમને એક ક્રિકેટ નાયકના રૂપમાં અભૂતપૂર્વ સન્માન આપ્યું તેની સાથે તેઓ હંમેશાં  દગો કરતા રહ્યા. પહેલા પુલવામા હુમલાની વાત જ કરીએ. જમ્મુ કાશ્મીરના પુલવામા ખાતે ફેબ્રુઆરીમાં થયેલા ત્રાસવાદી હુમલામાં સીઆરપીએફના ૪૦ થી વધુ જવાન શહીદ થઈ ગયા. તે કાયરતાપૂર્ણ કાર્યવાહીથી ભારતને ભારે આંચકો લાગ્યો. સમગ્ર દેશ તે વખતે શોકમગ્ન અને સ્તબ્ધ હતો. સમગ્ર વિશ્વે તે હુમલાની આલોચના કરી. પરંતુ ઇમરાન ખાને તે હુમલામાં શહીદ થયેલા જવાનોના પરિવારો પ્રતિ કોઈ સંવેદના વ્યક્ત નહોતી કરી. જરા વિચારી લો કે તે કેવા પથ્થરદિલ માનવી છે. જે ભારતે તેમને માન્યા અને સન્માન આપ્યું, તે ભારત શોકમાં હતું ત્યારે પણ તેઓ ભારત સાથે ના ઊભા રહ્યા. તેઓ ખરેખર ખૂબ જ દયાહીન અને બેશરમ વ્યક્તિ છે. તેમનામાં સામાન્ય શિષ્ટાચાર પણ નથી. તેઓ અકારણ દંભી છે. ઘમંડ માતો નથી. કેટલી મહિલાઓ સાથે ગેરકાયદે સંબંધ બાંધીને વિશ્વના કેટલા દેશોમાં તેમણે અનૌરસ બાળકો પેદા કર્યા તેને ગણવામાં તેમને શરમ નથી આવતી પણ ગર્વ અનુભવે છે.

ઇમારન ખાનના આ પ્રકારના આચરણના પરિપ્રેક્ષ્યમાં ભારતે સ્પષ્ટ કરી દીધું છે કે આવનારા દિવસોમાં શાંઘાઇ સહયોગ સંગઠન (એસસીઓ)ની મળનારી બેઠક વખતે વડા પ્રધાન નરેન્દ્ર મોદીનો પાકિસ્તાનના તેમના સમકક્ષ ઇમરાન ખાનને મળવાનો કોઈ કાર્યક્રમ નથી. ત્યાં વધુમાં વધુ મોદી ઇમરાન સાથે હાથ મિલાવી લેશે. કે પછી મોદીજી તેમના અભિવાદનનો જવાબ પોતાની ચિરપરિચિત નમસ્કાર મુદ્રામાં આપશે.    ઇમરાન ખાને માત્ર ભારતની જ નહીં પણ પાકિસ્તાનની જનતાને પણ હતાશ કરી છે. ઇમરાનના નેતૃત્વમાં પાકિસ્તાન રોજ ગર્તમાં જઇ રહ્યું છે. મોંઘવારીએ પાકિસ્તાનની કમર તોડી નાખી છે. ડોલરના મુકાબલે પાકિસ્તાનનો રૂપિયો ધૂળમાં મળી ગયો છે. મોંઘવારીથી ત્રસ્ત પાકિસ્તાનવાસીઓની ઈદ પણ આ વખતે ફીકી રહી. ત્યાંની જનતા તોઇમરાનને દિવસ રાત કોસી રહી છે.

ઇમરાન ખાનથી હવે પૂરું પાકિસ્તાન નિરાશ થઇ ચૂક્યું છે. તેમણે પોતાના દેશને ભરોંસો અપાવ્યો હતો કે અરબી સાગરમાંથી પાકિસ્તાનને કાચા તેલના ભંડારો મળવાના છે. પરંતુ હવે સમાચાર આવ્યા છે કે પાકિસ્તાન તટે તેલના કોઇ ભંડાર નથી. હવે પાકિસ્તાનની સરકારે પણ કહી દીધું છે કે તેલ શોધવાનું કામ હવે બંધ કરી દીધું છે. જોકે ઇમરાન ખાન દાવો કરી રહ્યા હતા કે તેલના ભંડાર મળવાથી પાકિસ્તતાનની કિસ્મત ખૂલી જશે. પાકિસ્તાન પોતાના અધિકાર ક્ષેત્રવાળા અરબી સાગરમાં કરાચી પાસે ૫,૫૦૦ મીટરની ઊંડાઇ સુધી તેલ શોધવાનું કાર્ય કરી રહ્યું હતું. પહેલેથી જ કંગાળ પાકિસ્તાન સરકારને આ કહેવાથી તેલ શોધ પાછળ અંદાજે ૧૦ કરોડ ડોલર ખર્ચવા પડયા.

ઇમરાન ખાનને એટલી પણ ખબર નથી કે તેલ શોધવા પ્રયાસ થાય તેનો અર્થ એ નથી કે તમામ સંજોગોમાં સફળતા મળે જ. અર્થાત જે વ્યક્તિ પોતાના દેશવાસીઓ સાથે જ જુઠ્ઠું બોલી રહી હોય તેનાથી ભારતે સાવધ રહેવાની જરૂર છે. ઇમરાન બેવડું ચરિત્ર ધરાવે છે. ઇમરાન અને તેમની સરકાર કાશ્મીરી મુસ્લિમોને મુદ્દે મગરના આંસુ સારી રહ્યા છે. પરંતુ ચીનમાં મુસ્લિમો પર થઇ રહેલા જુલમો વિષે બોલવાથી બચે છે. કેટલાક સમય પહેલાં એક વિદેશી પત્રકારે ચીનના મુસ્લિમોની સ્થિતિ વિશે પૂછયું તો તેમણે ખૂબ માસૂમપણે કહ્યું કે તેમને આ વિશે કોઈ જાણકારી નથી. ચીની સરકારે શિન્જિયાંગ પ્રાંતમાં રહેતા મુસ્લિમોના જીવનને નરક બનાવી રાખ્યું છે. તેમને ઈદ પર રોજા રાખવાની મંજૂરી પણ નથી. તેમના પર સતત અત્યાચાર થઇ રહ્યા છે. તે મુદ્દે ઇમરાન કે તેમની સરકારની જીભ ક્યારેય ના ખૂલી. પાકિસ્તાન અનેઓર્ગેનાઇઝેશન ઓફ ઇસ્લામિક કોર્પોરેશન (ઓઆઇસી) ચીન વિરુદ્ધ નિંદા પ્રસ્તાવ લાવવાની હિંમત કેમ નથી કરતા. ચીનના શિનજિયાંગ પ્રાંતમાં મુસ્લિમોને સામ્યવાદી વિચારધારાનો પરિચય અપાઈ રહ્યો છે. ત્યાં લાખો મુસ્લિમોને જબરજસ્તી છાવણીઓમાં રાખવામાં આવી રહ્યા છે. તેમને રોજ ડરાવવા અને ધમકાવવામાં આવે છે. જરૂર પડે તો ભૂખ્યા પણ રાખવામાં આવે છે. ચીની મુસ્લિમ સામ્યવાદી વિચારધારાને અપનાવી લે તે હેતુસર આમ થઇ રહ્યું છે. ખેર, ચીની મુસ્લિમ ઇસ્લામની મુખ્ય શિક્ષણથી દૂર જઈ રહ્યા છે. ખેર, ઇમરાન ખાન ચીની મુસ્લિમોના પક્ષમાં બોલે કે ના બોલે તે આપણી ચિંતાનો વિષય તો નથી.ઇમરાનના વ્યક્તિત્વને ઓળખવા આ તો ઉદાહરણ આપવામાં આવ્યું છે. કારણ એ છે કે ભારતના મુદ્દે ઇમરાનનું વલણ હમેશા શત્રુવત રહ્યું છે. તેમણે મુંબઈ હુમલા માટે જવાબદારો પર કદી ચાબુક નથી ચલાવી. તેઓ બોલતા જરૂર રહે છે કે તેમની સરકાર દેશમાં ત્રાસવાદી સંગઠનોને પનાહ નહીં આપે. પરંતુ તે ત્રાસવાદીઓને તબાહ કરવા કદી પ્રયાસ કર્યો? શું ઇમરાન આ વાતનો જવાબ આપશે? પહેલી નજરે તેઓ આધુનિક વિચારની વ્યક્તિ લાગે છે પરંતુ હકીકતે ખૂબ ખતરનાક માનવી છે. ભારતે હવે પાકિસ્તાન સાથે સંવાદ કરતાં પહેલાં ખૂબ વિચારવું પડશે. ભારત જાણે પણ છે કે પાકિસ્તાનમાં હાલમાં એક ભારત વિરોધી વડા પ્રધાન સત્તા પર છે.

(લેખક રાજ્યસભાના સભ્ય છે)

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ સંદેશ ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો Sandeshની નવી મોબાઇલ એપ્લિકેશન