મોદી-ટ્રમ્પે ભેગા થઈને પાકિસ્તાનને આતંકવાદ મુદ્દે આપી 'મોટી' ચેતવણી - Sandesh
1.6M
1M
1.7M
APPS
  • Home
  • Main News
  • મોદી-ટ્રમ્પે ભેગા થઈને પાકિસ્તાનને આતંકવાદ મુદ્દે આપી ‘મોટી’ ચેતવણી

મોદી-ટ્રમ્પે ભેગા થઈને પાકિસ્તાનને આતંકવાદ મુદ્દે આપી ‘મોટી’ ચેતવણી

 | 9:07 am IST
  • Share

વડાપ્રધાન નરેન્દ્ર મોદીના અમેરિકાના પ્રવાસથી ભારત અને અમેરિકાના આપસી સંબંધો વધુ મજબુત બનતા જોવા મળી રહ્યાં છે. સોમવારે પીએમ મોદીએ અમેરિકી રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પ સાથે જે મુલાકાત કરી તેમાં સૌથી વધુ આતંકવાદનો મુદ્દો છવાયેલો રહ્યો. બંને દેશોએ આતંકવાદ વિરુદ્ધ મળીને લડવાની પ્રતિબદ્ધતા જતાવતા પાકિસ્તાન દ્વારા પ્રાયોજિત આતંકવાદ પર કડણ વલણ બતાવ્યું છે. ભારત અને અમેરિકાએ પાકિસ્તાનને કડક સંકેત આપતા આતંકવાદ પર ગંભીરતાથી કાર્યવાહી કરવા જણાવ્યું છે. પોતાના સયુંક્ત નિવેદનમાં બંને દેશોએ પાકિસ્તાનને કહ્યું કે તેઓ પોતાની ધરતીનો ઉપયોગ આતંકવાદ પ્રાયોજિત કરવામાં ન થવા દે. બંને દેશોએ પાકિસ્તાનને પોતાની જમીન પર સક્રિય આતંકી સંગઠનો વિરુદ્ધ કાર્યવાહી સુનિશ્ચિત કરવા પણ જણાવ્યું છે. આ સાથે જ ભારત પર થયેલા 26/11ના આતંકી હુમલા અને પઠાણકોટ એરબેઝ પર થયેલા આતંકી હુમલામાં સામેલ આતંકીઓ વિરુદ્ધ કાર્યવાહીમાં ઝડપ લાવવા પણ પાકિસ્તાનને જણાવાયું છે. આતંકવાદ ઉપરાંત ટ્રમ્પ અને મોદી વચ્ચે વ્યાપાર, સુરક્ષા, દ્વિપક્ષીય સહયોગ અને અફઘાનિસ્તાનમાં સ્થિરતા કાયમ કરવાના પ્રયત્નો ઉપર પણ વાતચીત થઈ.

પીએમ મોદી અને રાષ્ટ્રપતિ ટ્રમ્પે સાથે મળીને આતંકવાદ વિરુદ્ધ જારી લડાઈને વધુ મજબુત કરવા અને આતંકવાદઓને મળી રહેલા સેફ હેવનને ખતમ કરવાનો પણ સંકલ્પ લીધો. મોદીએ ટ્રમ્પ સાથે થયેલી પોતાની પહેલી મુલાકાતને ભારત અને અમેરિકાના સંબંધોનું એક મહત્વનું પાનું ગણાવ્યું. ટ્રમ્પ સાથે વ્હાઈટ હાઉસમાં આયોજિત પોતાના જોઈન્ટ સ્ટેટમેન્ટમાં પીએમ મોદીએ પત્રકારોને જણાવ્યું કે આતંકવાદને ખતમ કરવો એ અમારી સૌથી મોટી પ્રાથમિકતાઓમાથી એક છે. ટ્રમ્પ અને મોદીની મુલાકાત બાદ જારી કરાયેલા જોઈન્ટ સ્ટેટમેન્ટમાં જણાવાયું કે ભારત અને અમેરિકા બંને પાકિસ્તાનને એ અપીલ કરે છે કે તે પોતાની જમીનનો ઉપયોગ સરહદપાર આતંકવાદ પ્રાયોજિત કરવામાં ન થવા દે. નિવેદનમાં એ પણ જણાવાયું કે પાકિસ્તાન પોતાના ત્યાં સક્રિય આતંકી સંગઠનો દ્વારા અંજામ અપાયેલા 26/11, પઠાણકોટ હુમલા અને અન્ય આતંકી હુમલાઓ વિરુદ્ધ કાર્યવાહીમાં ઝડપ લાવીને દોષિતોને જલદી સજા આપે.

ટ્રમ્પ સાથે થયેલી વાતચીતનો ઉલ્લેખ કરતા પીએમ મોદીએ કહ્યું કે અમે આતંકવાદ, કટ્ટરવાદ અંગે વાત કરી અને આ તમામ મુદ્દાઓ પર આપસી સહયોગ વધારવા પર સહમત થયાં. આતંકવાદ વિરુદ્ધ જારી લડાઈમાં એકબીજાનો સાથ આપવો પણ અમારા સહયોગનો એક મહત્વનો ભાગ છે. આ ઉપરાંત આતંકીઓને જ્યાં શરણ મળી રહી છે તેને પણ ખતમ કરવું એ અમારી પ્રાથમિકતા છે. ટ્રમ્પે પોતાના સંબોધનમાં કહ્યું કે ભારત અને અમેરિકા, બંને દેશો આતંકવાદી સંગઠનોને ખતમ કરવા માટે પ્રતિબદ્ધ છે. આ સાથે જ બંને દેશો તે કટ્ટરપંથી વિચારધારાને પણ ખતમ કરવા માંગે છે જે લોકોને આતંકવાદ તરફ વળવાની પ્રેરણા આપે છે.

આ બાજુ ટ્રમ્પે પણ કહ્યું કે ભારત અને અમેરિકા વચ્ચે સુરક્ષા ક્ષેત્રમાં સહયોગ ખુબ જરૂરી છે. બંને દેશો આતંવાદથી પીડિત છે અને બંને દેશો આતંકવાદ તથા તેની સાથે સંલગ્ન કટ્ટરપંથી વિચારધારાને ખતમ કરવા માંગે છે. ટ્રમ્પે કહ્યું કે અમે કટ્ટરપંથી ઈસ્લામિક આતંકવાદને ખતમ કરી દઈશું. ભારત અને અમેરિકા વચ્ચે સૈન્ય સહયોગ વધારવાની વાત પર ભાર મુકતા ટ્રમ્પે કહ્યું કે અમારી સેનાઓ મળીને દરરોજ બંને દેશો વચ્ચે સૈન્ય સહયોગ વધારવાની કોશિશ કરી રહી છે. આગામી મહીને ભારત અને અમેરિકાની સેનાઓ જાપાન સાથે મળીને હિન્દ મહાસાગરમાં સૈન્ય અભ્યાસ કરશે. હિન્દ મહાસાગરમાં થનારો આ અત્યાર સુધીનો સૌથી મોટો નૌસેનિક અભ્યાસ હશે.

નીચે આપેલી લિંક્સ પર ક્લિક કરીને સંદેશ ન્યૂઝ સાથે જોડાઓ.

તમે અમને પર ફોલો કરીને સમાચાર મેળવી શકો છો.

તમારા ફોન પર લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ સૌથી પહેલા મેળવવા માટે હમણાં જ Sandesh ની મોબાઇલ એપ્લિકેશન ડાઉનલોડ કરો