આકાશમાં મોજડી! - Sandesh

આકાશમાં મોજડી!

 | 4:49 am IST
  • Share

(ગતાંકથી ચાલુ)

ત્યારે એમણે પોતાનું મસ્તક ફકત ઉપર-નીચે-ડાબે-જમણે હલાવીને કહ્યું: “આ એક ગહન બાબત છે. વિશેષજ્ઞાોનાં અભિપ્રાયની આપણે રાહ જોવી જોઈએ.” પછી ઘણાં વિદ્વાનો પિૃમ તરફ તો ઘણાં પૂર્વ તરફ,  કોઈ  અમેરિકા તરફ તો કોઈ રશિયા તરફ તાકી રહ્યા.   વિશેષજ્ઞાો તરફથી રિપોર્ટ પ્રગટ થઈ ચૂક્યો…રિપોર્ટ પ્રગટ કરતાં પહેલાં વિદ્વાનોએ અંદરોઅંદર સારી પેઠે ઝઘડી લીધું, પરંતુ આકાશી મોજડી એટલી ઝડપથી પૃથ્વીની નજીક આવી રહી હતી, કે વધુ ઝઘડવું પોસાય તેમ નહોતું. રિપોર્ટનો સાર એવો હતો કેઃ

સૂર્યમાળામાં સૂર્યથી નિકટનો ગ્રહ બુધ છે. શુક્ર પછી પૃથ્વી પછી મંગળ અને ઘણે દૂર છે ગુરુ. બીજા ગ્રહો તો એથી પણ દૂર છે. મંગળ અને ગુરુ વચ્ચે કેટલાંક નાનાં-નાનાં ગ્રહો છે, જે સૂર્યની પરિક્રમા કરે છે. આ ગ્રહમાંથી એક ગ્રહ પદભ્રષ્ટ થઈને પૃથ્વીની નજીક આવી પહોંચ્યો છે. સૌ પ્રથમ એને જોવાનું માન ભારતને ફાળે જાય છે, એટલે ભારતીય વિદ્વાનોએ એનું નામ ‘આકાશી મોજડી’ રાખ્યું છે. એને વિશ્વભરનાં વિદ્વાનો મંજૂર રાખે છે. અંગ્રેજીમાં આ ગ્રહને ‘હેવનલી સ્લીપર’ તરીકે ઓળખવામાં આવે છે. પૃથ્વીથી એનું અંતર અત્યારે પોણાં-બે કરોડ માઈલ છે. એનો આકાર અને વજન ચંદ્રથી પાંચગણા છે. આ રીતે નજીક આવી જવાથી ચંદ્ર અને મંગળ બંનેની કક્ષામાં કાંઈક ફરક પડી ગયો છે. પૃથ્વી ઉપર ભરતી-ઓટના સમયમાં પણ ફેરફાર થઈ ગયો છે, પરંતુ ખરેખરી ચિંતાની વાત તો એ છે કે એ નિયમિત રીતે પૃથ્વીની નજીક આવી રહ્યું છે. જો વધુ નજીક આવશે તો…પરિણામ ભયંકર આવશે…

ભયંકર!

માણસો આંખો ફાડીને જોઈ રહેવા લાગ્યા-ભયંકર!

કેટલાંક સ્થૂળકાય ગૃહસ્થોનાં તો હૃદય જ બંધ પડી ગયાં-ભયંકર!!

જ્યોતિષ અને ખગોળશાસ્ત્રને લગતાં પુસ્તકો વધુ ને વધુ છપાવા લાગ્યાં અને ખગોળશાસ્ત્રનું એકાદ પુસ્તક સાથે રાખીને ફરવાની એક ફેશન થઈ ગઈ છે. એક દિવસ વિશ્વભરનાં છાપાંઓમાં મોટા મથાળા નીચે સમાચાર છપાઈ ગયાઃ ‘આકાશી મોજડી પાંચ મહિના દરમિયાન ચંદ્ર સાથે ટકરાશે અને બંને પૃથ્વી પર આવી પડશે.’ રેડિયા ઉપર ખબરો આવવા લાગીઃ ‘ચંદ્ર અને આકાશી મોજડી પૃથ્વી પર તૂટી પડશે ત્યારે લાખો હાઈડ્રોજન બોમ્બથી પણ વધુ વિનાશકારી સાબિત થશે. આ સ્થિતિમાંથી મુક્તિ મેળવવાનો કોઈ ઇલાજ નથી…’

કોઈ ઇલાજ નથી?

ફકત પાંચ જ મહિનામાં?….

ઈસાઈ લોકોનાં ધર્મગુરુઓએ સાથે મળીને એક પત્રિકા પ્રગટ કરી કે આ સામૂહિક મૃત્યુની યોજના ઈશ્વરે આપણાં પાપો ધોવા માટે જ કરી છે એમાં શક નથી. માટે દરેક સાચા ઈસાઈની ફરજ છે કે પોતાનાં પાપનો સ્વીકાર કરીને પ્રથમ શુદ્ધ બની રહે.કન્ફેશન્સ!

યહૂદી, બૌદ્ધ અને મુસલમાનનાં ધર્મગુરુઓ પણ આવો જ બોધ આપવા લાગ્યા. મહાતપસ્વી શ્રી શ્રી ૧૦૦૮ વ્યોમશંકર મહારાજે એક હિન્દી પુસ્તિકા છપાવીને આ ધર્મકાર્યની પહેલ કરી. એમણે પુસ્તિકાની પચાસ લાખ પ્રત છપાવીને મફત વહેંચી. તેમાં તેમણે જણાવ્યું કે”હે બાળકો! મૃત્યુથી ડરવાનું કશું કારણ નથી. મારી ઉંમર નેવું વર્ષની છે, પરંતુ આઘાત તો મને પણ એટલો જ લાગ્યો છે; છતાં આપણે ધૈર્યપૂર્વક મૃત્યુને ભેટવાની તૈયારી કરવી જોઈએ. કોઈપણ મોટા ઓપરેશન પહેલાં દર્દીને એનિમા વગેરે આપીને અને ઉપવાસ કરાવીને એનો કોઠો સાફ કરાવવામાં આવે છે. એ જ રીતે આવા મહાન પ્રસંગે આપણે સર્વ રીતે શુદ્ધ થઈને મૃત્યુને ભેટવું જોઈએ. એ માટે શ્રેષ્ઠ ઉપાય એ છે કે મારી જેમ સૌએ પોતપોતાનાં પાપોની યાદી તૈયાર કરીને એને જાહેરમાં મૂકવાં જોઈએ. મારી જેમ પુસ્તિકાઓ છપાવીને વહેંચવી જોઈએ અને શુદ્ધિ પ્રાપ્ત કરવી જોઈએ. મારાં મુખ્ય પાપોની યાદી પાછળ આપેલી છે.”

તરત જ બીજા લોકોએ એનું અનુસરણ કર્યું. પત્રિકાઓ છાપવાવાળાનાં પ્રેસમાં એટલો ભરાવો થઈ ગયો કે તાત્કાલિક એ પ્રગટ કરી શકાય એવી શક્યતા ન રહી. એનો રસ્તો શોધીને કોઈકે પોતાના નામે મોટી જાહેરાતો છપાવી.

પૈસાનો પ્રશ્ર નહોતો. પવિત્રતા પ્રાપ્ત કરી પ્રભુ શરણ થવાનું હતું. મહાવિનાશ પછી પૈસા કોને કામમાં આવવાના છે? પરંતુ જાહેરાતો છાપવાની પણ જગ્યાનો અભાવ વર્તાવા લાગ્યો.

પરંતુ રસ્તો શોધનારને તે મળી ગયા વિના રહેતો નથી. એક વ્યક્તિએ પોતાનાં પાપોની યાદી લખી દીવાલ ઉપર ચોંટાડી દીધી. તરત જ એનું અનુસરણ થયું. યાદીઓથી જાહેરસ્થળો અને ખાનગી મકાનોની દીવાલો ભરાઈ જવા લાગી. અમુક વ્યક્તિઓએ તો મોટા અક્ષરોથી દીવાલો પર જ યાદી લખવા માંડી.

પરંતુ એ વાંચવાની કોને નવરાશ હતી? એટલે લોકો જે કોઈ મળે એની પાસે પોતાનાં પાપો કબૂલ કરવા લાગ્યા. બહુ જબરી હલચલ મચી ગઈ.

અને એકાએક…

એક દિવસ, એકાએક ત્રણ-ત્રણ ઈંચ મોટા અક્ષરોમાં છાપાંઓમાં જાહેરાત થઈઃ ‘દુષ્ટ ગ્રહ હવે પાછો ફરે છે.’ લોકો ચોંકી ગયા. રેડિયો અને છાપા હવે જણાવતાં હતાં કે ગુરુ, શનિ, યુરેનસ અને નેપ્ચ્યુન એ બધાં મોટા ગ્રહો એક રેખામાં આવી જવાને કારણે ‘આકાશી મોજડી’ ધીમે ધીમે પાછી ખેંચાઈ રહી છે. થોડા સમયમાં એ પોતાની મૂળ કક્ષામાં પહોંચી જશે.

લોકો પહેલાં તો ખૂબ આનંદ પામ્યા. કેટલાંક તો આનંદનાં માર્યા જ મરી ગયા! કેટલાકના જીવમાં  જીવ આવ્યો, ‘સાચું? કયામત હટી ગઈ?’ અને જીવ આવતાં જ માછલીની જેમ લોકો છટપટી ઊઠયા.

ભેળસેળ કરવાવાળા વેપારીઓ અને આવકવેરો નહીં ભરનાર મોટી મોટી પેઢીઓ તો ભારે મુશ્કેલીમાં આવી પડી હતી! હવે કરવું શું?

પરંતુ આ દુઃખનો ઉપાય તો તરત જ કરવામાં આવ્યો. દરેક દેશની સર્વોચ્ચ અદાલતોનાં મુખ્ય ન્યાયધીશોએ એક યાદી પ્રગટ કરી કે જે રીતે પોલીસના દબાણને વશ થઈને આપેલ બયાનને અદાલત સ્વીકારતી નથી, એ જ રીતે આ દુષ્ટ ગ્રહનાં દબાણને વશ થઈને લોકોએ કરેલાં બયાનોને કાયદો સ્વીકારશે નહીં. એ બધાં બયાનો ગેરકાયદેસર ગણાશે.

લોકો ધીમે-ધીમે ફરીથી ‘નોર્મલ જિંદગી’ જીવવા લાગ્યા.

નીચે આપેલી લિંક્સ પર ક્લિક કરીને સંદેશ ન્યૂઝ સાથે જોડાઓ.

તમે અમને પર ફોલો કરીને સમાચાર મેળવી શકો છો.

તમારા ફોન પર લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ સૌથી પહેલા મેળવવા માટે હમણાં જ Sandesh ની મોબાઇલ એપ્લિકેશન ડાઉનલોડ કરો