મમ્મીને હેરાન કરવાનું તોફન ભારે પડયું! - Sandesh
  • Home
  • Kids Corner
  • મમ્મીને હેરાન કરવાનું તોફન ભારે પડયું!

મમ્મીને હેરાન કરવાનું તોફન ભારે પડયું!

 | 2:12 am IST

રસિકપુર ગામમાં ગણેશભાઈ નામના ખેડૂત રહેતા હતા. એમણે ગાય-ભેંસ ઉપરાંત બકરાં-બકરી પણ પાળ્યાં હતાં. ગણેશભાઈનો દીકરો ગણપત રોજ સવારે બકરાં ચરાવવા લઈ જતો. ગામબહાર વગડામાં બકરાં ચરવા મૂકી દેતો અને બપોર થતાં પાછાં લઈ આવતો હતો.

ગગીબહેન બકરીનું ચંગુ નામનું બચ્ચું ખૂબ જ હોશિયાર અને એટલું જ તોફની હતું. ગગીબહેન ચંગુને ખૂબ સમજાવતી કે તોફન ન કર. કોઈક દિવસ આફ્તમાં મુકાઈ જઈશ !

પણ ચંગુને તોફન કરવાની અને એની મમ્મીને હેરાન કરવાની ખૂબ મઝા આવતી હતી.

એક દિવસ ગણપત બધાં બકરા-બકરી અને બચ્ચાંને લઈ વગડામાં આવ્યો. બકરાં ચરવા મૂકી એ વાંસળી વગાડવા લાગ્યો.

ગગીબહેને પોતાના બચ્ચા ચંગુને કહ્યું. મારી આસપાસ જ રહેજે.

ચંગુએ કહ્યું, સારું મમ્મી.

પણ ચરતાં ચરતાં એને વિચાર આવ્યો, હું મમ્મીને ન મળું તો એ શું કરે?

વિચાર આવતાં જ એ તો ચરતું ચરતું દૂર જતું રહ્યું. એક નાની ઝાડી પાછળ સંતાઈ ગયું. થોડીવારે ચંગુ ન દેખાયું તો ગગીબહેન બકરીએ એને શોધવા આમતેમ આંટા માર્યા.

મમ્મી જોઈ ન જાય એટલે ચંગુ વધારે દૂર ઝાડીમાં સંતાઈ ગયું.

બપોર થતાં ગણપતે બધાં બકરાંને ઘર બાજુ હાંકવા માંડયાં.

ચંગુને તો આ વાતની ખબર જ ન રહી. એ તો સંતાઈ રહ્યું.

ગગીબહેને તેને શોધવા માટે બધાં બકરા-બકરી વચ્ચે આંટાફેરા કર્યા.

ચંગુ ન જ મળ્યું તો ગગીબહેનને થયું કે એ આગળ આગળ ઘર બાજુ જતું રહ્યું હશે. આમેય મને પજવવામાં એને મઝા આવે છે.

ચંગુને થયું આટલી બધી વાર થઈ ગઈ, મમ્મી મને શોધવા કેમ ન આવી?

એ ઝાડીમાંથી બહાર નીકળ્યું કે તરત સામે વરૂ દેખાયું.

ચંગુના પગ ધ્રૂજવા લાગ્યા. મરી ગયો! મનમાં ચંગુ બોલ્યું, આજે મરી ગયો. મમ્મીની વાત સાંભળી હોત તો સારું થાત!

એણે જોરજોરથી બેં બેં…કરીને ચીસો પાડવા માંડી જેથી એની મા સાંભળીને બચાવવા આવી જાય !

વરૂએ કહ્યું, બધા જતા રહ્યા છે. કોઈ તને બચાવનાર નથી. આજે તો મને મઝા આવી ગઈ. તારા જેવો કુમળો શિકાર કોઈ કોઈ દિવસે જ મળે!

ચંગુ મનમાં ને મનમાં ખૂબ પસ્તાવો કરવા લાગ્યું. એને રડવું આવી ગયું. મમ્મીનું કહેવું માન્યું હોત તો આજે મરવું ન પડત! હે ભગવાન આજે બચાવી લે! હવે હું કોઈ દિવસ તોફન નહીં કરું !

અચાનક એને મમ્મી ગગીબહેનની વાત યાદ આવી. બેટા, મુશ્કેલીમાં ફ્સાઈ જઈએ અને કોઈ મદદ કરનાર ન હોય તો બુદ્ધિ ચલાવજે.

હવે ચંગુ વિચારવા લાગ્યું, શું કરું ! શું કરું ?

પછી એને આઈડિયા આવ્યો, એણે રડતાં રડતાં કહ્યું. વરૂ અન્કલ, તમારી વાત સાચી છે. આજે મને કોઈ બચાવવાનું નથી.

તમે મારો શિકાર કરતાં પહેલાં મારી અંતિમ ઇચ્છા પૂરી કરશો? મરનારની આખરી ઇચ્છા તો બધા પૂરી કરે છે.

વરૂ કહે, જા, તારી વિનંતિ માની લીધી. બોલ! શું છે આખરી ઇચ્છા ?

ચંગુ કહે, મારે મનભરીને ડાન્સ કરવો છે. તમે સરસ ગીત લલકારશો? તો હું ડાન્સ કરી શકું.

વરૂએ વિચાર કર્યો, એનો શિકાર કરતાં પહેલાં ચાલો, થોડું મનોરંજન કરી લઉં.

વરૂએ ગીત લલકારવા માંડયું. ચંગુએ ડાન્સ કરવા માંડયો. વચ્ચે વચ્ચે એ બોલતું જતું હતું, વાહ! અન્કલ મઝા આવી ગઈ!

વરૂ વધારે જોરથી ગીત ગાવા લાગ્યું.

વરૂએ ખૂબ મોટા અવાજે ગાવા માંડયું તો એનો અવાજ ગામમાં ગણેશભાઈને સંભળાયો.

એમણે ડાઘિયા કૂતરાઓને કહ્યું, અલ્યા, જોઈ આવો તો વરૂ કેમ આટલું બધું બરાડે છે!

અવાજની દિશામાં દોડતા દોડતા ડાઘિયા કૂતરાઓનું ટોળું ચંગુ ડાન્સ કરતું હતું ત્યાં આવી ગયું.

તરત ચંગુ દોડીને કૂતરાઓ પાસે દોડી ગયું. પછી કહે, આ વરૂ મને મારી નાંખવા માગે છે !

કૂતરાઓએ વરૂને દૂર ભગાડી દીધું અને ચંગુને પોતાની સાથે લઈ આવ્યા. ઘેર આવતાં જ ચંગુ દોડીને ગગીબહેન પાસે લપાઈ ગયું. પછી રડતાં રડતાં બોલ્યું, આજ પછી તારી બધી વાત માનીશ! તોફન બિલકુલ નહીં કરું !

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ સંદેશ ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો Sandeshની નવી મોબાઇલ એપ્લિકેશન