મોના લિસાની વિશાળ પ્રતિકૃતિએ સર્જ્યો નવો રેકોર્ડ - Sandesh
  • Home
  • Kids Corner
  • મોના લિસાની વિશાળ પ્રતિકૃતિએ સર્જ્યો નવો રેકોર્ડ

મોના લિસાની વિશાળ પ્રતિકૃતિએ સર્જ્યો નવો રેકોર્ડ

 | 12:11 am IST

ગિનેસ રેકોર્ડ :- દિશા ઉમરેઠવાલા

અવારનવાર કોઈ ને કોઈ અવનવા રેકોર્ડ બનતા રહેતા હોય છે અને ગિનેસ બુક ઓફ વર્લ્ડ રેકોર્ડમાં નામ નોંધાતું રહેતું હોય છે. ઘણાં રેકોર્ડ તો એવા હોય છે કે જેની આપણે કલ્પના પણ ન કરી હોય. આવો જ એક રેકોર્ડ સ્થાપ્યો છે જાપાનના ટોક્યોના સોકા શહેરના એક ગ્રૂપે. તેમણે ચોખાના રંગબેરંગી બિસ્કિટમાંથી લિયોનાર્ડો દા વિન્સીએ બનાવેલી અને વિશ્વમાં જાણીતી બનેલી મોના લિસાની વિશાળકાય કલાકૃતિ બનાવી હતી.

મોનાલિસા વિશ્વના સૌથી વધુ જાણીતા ચિત્રોમાંનું એક છે. પરંતુ તમે ક્યારે પણ ચોખાના રંગબેરંગી બિસ્કિટમાંથી બનેલી મોના લિસાની વિશાળ કલાકૃતિ જોઈ છે? આપણે વિચારી પણ ના હોય તેવી વસ્તુથી જાપાનના ટોક્યોના ઉત્તરમાં આવેલા શહેર સોકામાં આશરે ૨૦૦ લોકોએ ભેગા થઈને લિયોનાર્ડો દા વિન્સીની શ્રેષ્ઠ પ્રતિકૃતિ મોના લિસાનું ચિત્ર બનાવ્યું હતું. સોકા- સેનબી પ્રમોશન કોન્ફરન્સને મદદ કરવા માટે ૧૧૬.૦૨ ચોરસ મીટરની કુલ ૨૩,૩૬૦ જેટલા ચોખાના ગળપણ વગરના રંગબેરંગી બિસ્કિટનો ઉપયોગ કરીને મોટી કલાકૃતિ બનાવીને રેકોર્ડ સર્જ્યો હતો, અને ગિનેસ બુક ઓફ વર્લ્ડ રેકોર્ડમાં પોતાનું નામ નાંધાવ્યું હતું. ચોખાના બિસ્કિટ સોકા શહેરની સ્થાનિક વિશેષતા છે અને તે થોડા કડક અને ક્રન્ચી હોય છે. સોકાસેનબી પ્રમોશન કાઉન્સિલે તેમના ચોખાના બિસ્કિટને પ્રમોટ કરવા તેમજ તેને બનાવનાર સર્જકોને પ્રોત્સાહન આપવા માટે આ રેકોર્ડ બનાવવાનો નિર્ણય કર્યો હતો. ચોખાના આ બિસ્કિટ બનાવવા માટે ૧૨ સ્થાનિક વસ્તુઓનો ઉપયોગ થાય છે, જેમાં વાઇટ સોયા સોસ, કાળા તલ, લીલા મકા તેમજ અન્ય વિવિધ સ્વાદ અને રંગની સામગ્રીનો ઉપયોગ કરીને મોના લિસાની વિશાળ કૃતિ બનાવવામાં આવી હતી. આ રેકોર્ડ સ્થાપિત થયા પછી તે ચોખાના બિસ્કિટ તેમાં ભાગ લીધેલ લોકોમાં અને સોકાના બાળકોમાં વિતરિત કરવામાં આવ્યા હતા. આમ તેઓએ પોતાનો રેકોર્ડ બનાવવાની સાથે સાથે બિસ્કિટનું વિતરણ કરી લોકસેવા પણ કરી હતી. તેમનો આ રેકોર્ડ બનાવવાનો ઉદ્દેશ ફક્ત સોકાની વિશિષ્ટતા ગણાતી જાણીતી બિસ્કિટ વિશે લોકો સુધી જાણકારી આપવાનો હતો અને તેને પ્રમોટ કરવાનો હતો. આમ તેઓએ એક સારા ઉદ્દેશની સાથે ગિનેસ બુક ઓફ વર્લ્ડ રેકોર્ડમાં સ્થાન પણ બનાવ્યું અને પોતાની સ્થાનિક અને જાણીતી વસ્તુનો પ્રચાર પણ કર્યો.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ સંદેશ ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો Sandeshની નવી મોબાઇલ એપ્લિકેશન