મોનેકો દુનિયાનો બીજો સૌથી નાનો દેશ, રહેઠાણો માટે જગ્યા ખતમ, હવે સમુદ્રમાં નવો પ્રોજેક્ટ - Sandesh
  • Home
  • Ahmedabad
  • મોનેકો દુનિયાનો બીજો સૌથી નાનો દેશ, રહેઠાણો માટે જગ્યા ખતમ, હવે સમુદ્રમાં નવો પ્રોજેક્ટ

મોનેકો દુનિયાનો બીજો સૌથી નાનો દેશ, રહેઠાણો માટે જગ્યા ખતમ, હવે સમુદ્રમાં નવો પ્રોજેક્ટ

 | 2:45 am IST

વેટિકન સિટી પછી દુનિયામાં સૌથી ઓછી વસતી ધરાવતા બીજા નંબરના દેશ મોનેકોમાં નવા ઘર માટે જગ્યા ખતમ થઈ ગઈ છે. પરિસ્થિતિ એવી છે કે દુનિયાના સુપર રિચ લોકોને પણ હવે અહીં ઘર બનાવવા માટે જગ્યા નથી મળી રહી.

મોનેકો એક ટેક્સ હેવન દેશ છે. આ જગ્યાને સુંદર બનાવે છે અહીંના સમુદ્રકિનારા અને બહેતર આબોહવાને કારણે દુનિયાભરના અબજપતિઓએ અહીં પોતાનું એક આશિયાનું બનાવી રાખ્યું છે. કેટલાંક વધુ અમીર લોકો અહીં ઘર વસાવવા માગે છે, કારણ કે મોનેકોને પૈસાદારોનું પ્લેગ્રાઉન્ડ પણ કહેવામાં આવે છે.  મોનેકો ફક્ત ૩૮,૦૦૦ની વસતી ધરાવતો દેશ છે.

નવા પ્રોજેક્ટની જાહેરાત  

ફક્ત ૨.૦૨ સ્ક્વેર કિલોમીટરમાં વસેલા આ શહેરના ૧૫ એકર સમુદ્રી વિસ્તારના ભૂતળને વિકસિત કરી ત્યાં રેસિડન્ટ મકાનો બનાવવામાં આવશે. દેશના શાસક પ્રિન્સ એલબર્ટ બીજાએ આર્ટિફિશિયલ ટાપુ બનાવવાની મંજૂરી આપી દીધી છે. આ એક નવો પ્રોજેક્ટ હશે એના હેઠળ સમુદ્રકિનારે આવનારાં આઠ વર્ષમાં ૧૨૦ નવાં ઘર બનાવવામાં આવશે. એટલું જ નહીં, અહીં ૩૦ જહાજ ઊભા કરવાની પણ જગ્યા હશે, એટલે કે એક હાર્બરની જેમ એને વિકસિત કરવામાં આવશે.

અબજપતિઓનો ગઢ

મોનેકો ફક્ત ૩૮,૦૦૦ની વસતી ધરાવતો દેશ છે. વિલિયમ્સ રિસર્ચ પ્રમાણે અહીંની દર ત્રીજી વ્યક્તિ અબજપતિ છે. અહીં હાલ લગભગ ૧૧,૪૦૦ સુપર રિચ લોકો રહે છે. આંકડાની રીતે જોઈએ તો અહીંની ૩૦ ટકા વસતી અબજપતિઓની છે. નાઇટ ફ્રેન્ક પ્રોપર્ટી એજન્સી પ્રમાણે અહીં વર્ષ ૨૦૨૬ સુધી ૧૬,૧૦૦ અબજપતિ હશે. સૂર્યપ્રકાશની વચ્ચે સમુદ્રી મોજાંના ચેનચાળા, શાંત રસ્તા અને ઇન્કમટેક્સની કોઈ ઝંઝટ નહીં. આ વિશેષતાને કારણે અબજપતિઓ અહીં પોતાના ઘર બનાવે છે. અહીં સમય વિતાવવા માટે લોકો મોટર રેસિંગ અને લક્ઝરી યાટમાં ફરવાનો આનંદ લે છે અને આવવા-જવા માટે ટેક્સી કે કાર નહીં, પણ હેલિકોપ્ટરનો ઉપયોગ કરે છે.

જમીનની કિંમત દુનિયામાં સૌથી વધુ  

મોનેકોમાં ક્ષેત્રફળની દૃષ્ટિએ વસતી સૌથી વધારે હોવાની સાથે માથાદીઠ અબજપતિ પણ સૌથી વધુ છે. અબજપતિઓનું હબ ગણાતા આ દેશમાં જમીનની કિંમત પણ દુનિયામાં સૌથી વધારે છે. અહી એક સ્ક્વેર મીટર જમીનની કિંમત ૬૭,૦૦૦ ડોલર (લગભગ ૪૧ લાખ રૂપિયા)થી ૧,૪૨,૦૦૦ (લગભગ ૯૧ લાખ રૂપિયા)ની વચ્ચે છે. અહીં ઊંચાં ઊંચાં સ્કાય સ્ક્રેપર્સ છે તો સમુદ્રી સુરંગોની સાથે પર્વતોની સુંદરતા પણ લોકોને પોતાની તરફ ખેંચે છે. નવા રહેવાસી પ્રોજેક્ટ પર લગભગ ૨.૧ અબજ ડોલર ખર્ચ કરવામાં આવશે. મનાય છે કે નવો પ્રોજેક્ટ વિકાસશીલ દેશો માટે મિસાલ સાબિત થશે.

બાયોડાયવર્સિટીને થશે નુકસાન

ભૂમિની સુધારણા મોનેકો માટે નવું નથી. વર્ષ ૧૮૬૧ પછી મોનેકોનો ૨૦ ટકા સુધી વિસ્તાર થઈ ચૂક્યો છે. જોકે નવા પ્રોજેક્ટથી બાયોડાયવર્સિટીને બહુ નુકસાન થશે. પર્યાવરણ વિશેષજ્ઞા પહેલેથી જ સરકારને જણાવી ચૂક્યા છે કે તેમની પાસે બીજો કોઈ રસ્તો નથી. જોકે પ્રિન્સ પોતે ઇલેક્ટ્રિક કાર ચલાવે છે અને પર્યાવરણ માટે મોટી રકમ ખર્ચ કરે છે. આવનારા સમયમાં મોનેકોના હેરિટેજને બચાવવા સામે પડકાર ઊભા થશે.