પૈસાના જોરે મેઘાલયમાં ભાજપે સરકારની રચના કરી : રાહુલ - Sandesh
  • Home
  • India
  • પૈસાના જોરે મેઘાલયમાં ભાજપે સરકારની રચના કરી : રાહુલ

પૈસાના જોરે મેઘાલયમાં ભાજપે સરકારની રચના કરી : રાહુલ

 | 4:23 am IST

 

નવી દિલ્હી : કોંગ્રેસ અધ્યક્ષ રાહુલ ગાંધીએ મેઘાલયમાં ભાજપની સરકાર રચાવવા મુદ્દે આકરી પ્રતિક્રિયા આપી હતી. ચૂંટણી પરિણામોના ૪૮ કલાક બાદ જણાવ્યું હતું કે, ભાજપે માત્ર સત્તા લાલચુ થઈને પોતાની સરકાર બનાવી છે. માત્ર બે બેઠકો મેળવનારો પક્ષ સરકાર કેવી રીતે બનાવી શકે. ભાજપે ષડયંત્ર કરીને કોંગ્રેસ પાસેથી સત્તા છીનવી લીધી છે. મણીપુર, ગોવાની જેમ મેઘાલયમાં પણ ભાજપે પૈસાના જોરે સરકાર બનાવી દીધી છે.

ઉલ્લેખનીય છે કે, મેઘાલયમાં એનડીએની સરકારને રાજ્યપાલ દ્વારા પરવાનગી આપવામાં આવી હતી. ૬૦ સભ્યો ધરાવતી મેઘાલય વિધાનસભામાં નેશનલ પીપલ્સ પાર્ટી ૧૯, ભાજપ ૨, યૂનાઈટેડ ડેમોક્રેટિક પાર્ટી ઔ૬, તથા  એચએસપીડીપી ૨, પીડીએફ ૪ અને ૧ અપક્ષના જોડાણ દ્વારા એનડીએની સરકાર રચાવાનો તખ્તો તૈયાર થઈ ગયો છે.

બીજી તરફ ત્રિપુરા વિધાનસભાની ચૂંટણીનાં પરિણામ બાદ ભાજપની અધ્યક્ષતામાં નવી સરકાર રચવાની કવાયતનો પ્રારંભ થયો છે. આશરે અઢી દાયકા બાદ ડાબેરીઓના કિલ્લામાં કમળ ખીલ્યું છે. આ અંગે પ્રદેશઅધ્યક્ષ વિપ્લવકુમાર દેવે કહ્યું કે, બીજેપી સંસદીય બોર્ડે શનિવારે કેન્દ્રીય મંત્રી નીતિન ગડકરી અને જુઅલ ઓરાવની કેન્દ્રીય સુપરવાઇઝર તરીકે નિમણૂક કરી છે. જેઓ નવા મુખ્યમંત્રીનાં નામ માટે વિચારણા કરશે, જ્યારે મેઘાલયમાં એનપીપી, યુડીપી અને ભાજપના ઉમેદવારો તા. ૬ માર્ચના રોજ શપથ ગ્રહણ કરશે. રામ માધવે આ અંગે ટ્વિટ કરીને જણાવ્યું હતું.  આ અઠવાડિયામાં નવી સરકારનું એલાન થશે. વડા પ્રધાન નરેન્દ્ર મોદી તેમજ પક્ષના અધ્યક્ષ અમિત શાહ વિશેષ ઉપસ્થિત રહેશે. મુખ્યમંત્રીપદના સંભવિત ઉમેદવારનું નામ હજુ સત્તાવાર જાહેર કરવામાં આવ્યું નથી. વિપ્લવકુમારે ઉમેર્યું હતું કે, તમામ નિર્ણય પક્ષ નક્કી કરશે. ભાજપ અને સાથી પક્ષ ઇન્ડિજિનસ પીપલ્સ ફ્રંટ ઓફ ત્રિપુરા(આઈપીએફટી)ની સંયુક્ત બેઠક યોજાશે. ભાજપનાં વર્તુળોમાંથી જાણવા મળ્યું છે કે, ત્રિપુરા પ્રદેશ ભાજપ અધ્યક્ષ વિપ્લવકુમાર દેવ મુખ્યમંત્રીપદ માટે સૌથી વધુ યોગ્ય ચહેરો છે. ભાજપ અને આઈપીએફટીએ વિધાનસભાની ચૂંટણીનાં પરિણામમાં ૫૯માંથી ૪૩ બેઠક પર વિજય મેળવ્યો હતો. હાલમાં વિપ્લવકુમાર દેવને નવા મુખ્યમંત્રીપદના દાવેદાર માનવામાં આવી રહ્યા છે. મંગળવારે નવા ધારાસભ્યો સાથે બેઠક યોજાશે સાથોસાથ નવી સરકાર મામલે તેમના વિચારો જાણવામાં આવશે. નાગાલેન્ડ અને ત્રિપુરામાં ખાતું ન ખોલાવી શકેલો કોંગ્રેસ પક્ષ મેઘાલયમાં પણ સત્તાથી વંચિત રહ્યો છે.