નાણાં ખેંચને કારણે નિકાસકર્તાને ફટકાર - Sandesh
1.6M
1M
1.7M
APPS

નાણાં ખેંચને કારણે નિકાસકર્તાને ફટકાર

 | 9:17 am IST
  • Share

એક્સ્પોર્ટ માટે સરકારના પગલાં

જ્યારે કોઈ વ્યાપારી માલની નિકાસ કરે ત્યારે દેશને લાભ થાય છે, કારણ કે આંતરરાષ્ટ્રીય બજારમાં દેશનો ફાળો વધે છે અને દેશમાં વિદેશી હૂંડિયામણ આવે છે. આ કારણથી ભારત સરકારનું હંમેશનું વલણ નિકાસકર્તાઓને પ્રોત્સાહન આપવાનું રહેલ છે. અનેક પ્રકારના લાભ નિકાસકર્તાઓને આપવામાં આવે છે, જેથી તેમનો માલ આંતરરાષ્ટ્રીય બજારમાં ઓછા ભાવે વેચી શકાય અને ભારતના વ્યાપારીઓનો ફાળો આ બજારમાં વધે છે. પરંતુ નાણાં ખેંચને કારણે સરકાર આવા પ્રોત્સાહનો પાછા ખેંચી લે તે વાજબી ગણાય કે નહીં એ પ્રશ્ન ઊભો થયો છે.

એમ.ઈ.આઈ.એસ.નાં લાભો :

તા. ૧-૪-૨૦૧૫થી સરકારે ઇમ્પોર્ટ-એક્સ્પોર્ટ પોલિસીમાં મર્કન્ડાઇસ એક્સ્પોર્ટ ફ્રોમ ઇન્ડિયા સ્કીમ (એમ.ઈ.આઈ.એસ.) દાખલ કરેલી, અને જાહેર કરેલું કે એક્સ્પોર્ટ કરનાર વ્યાપારીઓને માથે પડેલ ઇન્ફ્રાસ્ટ્રક્ચરના ખર્ચાઓ સામે રાહત આપી અમુક પ્રકારનાં માલનું ઉત્પાદન અને નિકાસ વધારવાના હેતુથી આ પ્રોત્સાહન આપવામાં આવશે. એક્સિમ પોલિસી હેઠળ ઘણાં પ્રકારનાં માલ માટે આ પ્રોત્સાહન આપી સરકારે આવાં માલ અને તેની નિકાસ પર કેટલા પ્રમાણમાં એમ.ઈ.આઈ.એસ.નો લાભ મળશે તેની જાહેરાત કરેલી. સામાન્ય રીતે આવા માલની નિકાસની કિંમતના અમુક ટકા (જેમકે માલની કિંમતના ૨% અથવા ૩%) પ્રમાણે લાભ અથવા રિવોર્ડ આપવાની આ સ્કીમ એપ્રિલ ૨૦૧૫થી લાગું પાડવામાં આવેલી. નિકાસકર્તાઓને આ પ્રકારે લાભ મળવાથી આ સ્કીમ હેઠળ આવરી લેવાયેલાં માલની નિકાસ વર્ષો વર્ષ ઘણી વધેલી. સરકારના આંકડા અનુસાર ૨૦૧૫-૧૬નાં વર્ષમાં આ યોજના હેઠળ લગભગ ૨૦,૨૩૨ કરોડ રૂપિયા ચૂકવાયેલાં, જે રકમ ૨૦૧૯-૨૦માં લગભગ ૪૩,૫૦૦ કરોડ સુધી પહોંચેલી. આ આંકડા દર્શાવે છે કે આ યોજના હેઠળ આવરી લેવાયેલાં માલની નિકાસમાં કેટલો વધારો થયેલ છે.

તા. ૧ સપ્ટેમ્બર, ૨૦૨૦નું નોટિફિકેશન :

સરકારે, કોઈપણ પ્રકારે નિકાસકર્તાઓને અગાઉથી જાણ કર્યા વગર, તા. ૧ સપ્ટેમ્બરથી નોટિફિકેશન નં. ૩૦/૨૦૧૫-૨૦ બહાર પાડી આ યોજનામાં ફેરફાર કર્યો છે, અને નિર્ણય કર્યો છે કે સપ્ટેમ્બરથી ડિસેમ્બર, ૨૦૨૦ દરમિયાન થતાં એક્સ્પોર્ટ ઉપર નિકાસકર્તાને વધુમાં વધુ રૂ. બે કરોડનો લાભ આ યોજના હેઠળ આપવામાં આવશે, તેનાથી વધારે નહીં. આ નોટિફિકેશનની અસર એ થાય કે જે માલ ઉપર ૫%નો લાભ મળતો હોય તે માલની નિકાસ કરનારને રૂ. ૪૦ કરોડ સુધીના એક્સ્પોર્ટ પર બે કરોડનો એમ.ઈ.આઈ.એસ.નો લાભ મળે, પણ આ જ વ્યક્તિ જો આ ચાર મહિનામાં રૂ. ૧૦૦ કે ૨૦૦ કરોડની કિંમતના માલની નિકાસ કરે તો પણ એને બે કરોડના લાભની કેપ અથવા સીલિંગને કારણે ૫%ના હિસાબે ખરેખર કરેલાં એક્સ્પોર્ટ સામે રૂ. પાંચ કે દશ કરોડના બદલે ફક્ત બે કરોડ રૂપિયા જ આ યોજના હેઠળ મળશે. પરિણામે મોટાપાયે એક્સ્પોર્ટ કરનાર એટલે કે લાર્જ વિકાસકર્તાને મોટું નુકસાન થાય. આ પ્રકારના નિકાસકર્તાઓએ તેમના આંતરરાષ્ટ્રીય ગ્રાહકો સાથે ભાવના સોદા અગાઉથી કર્યા હોય અને એમ.ઈ.આઈ.એસ.નાં લાભની રકમની ગણતરી પણ ભાવ નક્કી કરતી વખતે ધ્યાનમાં લીધી હોય તે સ્વાભાવિક છે. પણ ખરેખર એક્સ્પોર્ટ કરતી વખતે ૫%ના હિસાબે લાભ મળે નહીં, અને તેથી આવા સોદામાં મોટું નુકસાન થાય.

બે કરોડની કેપ શા માટે :

કોન્ફેડરેશન ઓફ ઇન્ડિયન ઇન્ડસ્ટ્રીનાં સંમેલનમાં કોમર્સ મિનિસ્ટરે જાહેરમાં પ્રવચન આપતી વખતે કહ્યું છે કે કોવિડના કારણે સરકારની નાણાકીય પરિસ્થિતિ પર અસર પડી છે, અને એમ.ઈ.આઈ.એસ.એ એક ‘કેશ ફ્લો ઇશ્યૂ’ બની ગયેલ છે. એવી પણ જાહેરાત તેમણે કરી છે કે આ યોજના હેઠળનું સરકારનું ચુકવણું રૂ. ૯ હજાર કરોડ સુધી લઈ આવવાનો નિર્ણય ફાઇનાન્સ મિનિસ્ટ્રી સાથે ચર્ચા કરીને લેવામાં આવ્યો છે, કારણ કે, સરકાર પાસે અત્યારના સમયે વધારે નાણાકીય વ્યવસ્થા નથી. આમ નાણાંના અભાવનું કારણ સરકારે રૂ. ૨ કરોડની કેપ માટે આપ્યું છે. પણ પ્રશ્ન એ થાય છે કે જે વ્યાપારીઓ માલની નિકાસ કરી સરકાર માટે વિદેશથી નાણાં આપણાં દેશમાં લાવે છે, તેમનાં માટે સરકાર પાસે રિવોર્ડ આપવાના નાણાંનો અભાવ છે ? જો આ વ્યાપારીઓ કરોડો રૂપિયાના માલની નિકાસ કરીને આ નાણાં દેશમાં લાવતાં હોય તો તેમાંથી ૨% કે ૩% કે ૫%ની રકમ આ વ્યાપારીઓને પ્રોત્સાહન આપવા માટે સરકાર પાસે નથી ? નાણાંનો અભાવ એ કારણ જ મહિના દરમિયાન થયેલાં એક્સ્પોર્ટ માટે કેપ મૂકવાના નિર્ણય માટે વાજબી લાગતું નથી.

કાયદાકીય પરિસ્થિતિ :

તા. ૧ સપ્ટેમ્બર, ૨૦૨૦નું નોટિફિકેશન કાયદેસર પડકારી શકાય તેવું લાગે છે. બંધારણના આર્ટિકલ ૧૪ મુજબ ‘ઇક્વલ્સ કેન નોટ બી ટ્રીટેડ અનઇક્વલી’ અને ‘અનઇક્વલ્સ કેન નોટ બી ટ્રીટેડ ઇક્વલી.’ રૂ. બે કરોડની કેપને કારણે ૫% એમ.ઈ.આઈ.એસ. મળતાં માલ બાબતે રૂ. ૪૦ કરોડનું એક્સ્પોર્ટ કરનાર અને રૂ. ૨૦૦ કરોડની નિકાસ કરનાર વ્યાપારીઓને ‘ઇક્વલ’ ગણવામાં આવ્યા છે, કારણ કે બંનેને રૂ. બે કરોડનું જ પ્રોત્સાહન આપવામાં આવશે. નાનો નિકાસકર્તા અને મોટો વ્યાપારી ‘ઇક્વલ’ નથી, અને બંનેના ઇન્વેસ્ટમેન્ટ, ખર્ચા, રોજગારી (એમ્પ્લોઇમેન્ટ) વગેરે ‘અનઇક્વલ’ છે, પણ છતાં તેમને ઇક્વલ ગણીને રૂ. ૨ કરોડનો રિવોર્ડ આ યોજના હેઠળ આપવામાં આવશે. આ આર્ટિકલ ૧૪નો ભંગ ગણાય. વ્યાપારીઓ ભલે નિકાસ ૨૦૨૦નાં સપ્ટેમ્બરથી ડિસેમ્બર દરમિયાન કરે, પણ ભાવતાલ સપ્ટેમ્બર અગાઉ નક્કી થયેલાં હોય છે, અને તે સમયે ભારતીય વ્યાપારીએ આ યોજના હેઠળ મળતાં લાભને ગણતરીમાં રાખીને ઓછા ભાવે માલ વેચવાના સોદા કર્યા હોય તે સ્વાભાવિક છે.

જો એમ.ઈ.આઈ.એસ. હેઠળ પૂરેપૂરો લાભ ન મળે તો આ વ્યાપારી નુકસાન કરશે. નોટિફિકેશન નં. ૩૦/૨૦૧૫-૨૦૨૦ તા. ૧ સપ્ટેમ્બર, ૨૦૨૦ના દિવસે બહાર પાડવામાં આવ્યું છે, અને રૂ. ૨ કરોડની સીલિંગ તાત્કાલિક અસરથી લાગુ પાડવામાં આવેલ છે, અને તેથી વ્યાપારીઓને ભાવતાલ માટે વિદેશી ગ્રાહકો સાથે ચર્ચા કરવાનો અને ભાવ માટે ફરીવાર નેગોસિયેશન કરવાનો સમય પણ અપાયો નથી. આ ‘પ્રોમિસરી એસ્ટોપલ’ અને ‘લેજિટીમેટ એક્સ્પેકટેશન’ના સિદ્ધાંતોની વિરુદ્ધનું પગલું છે. આ પ્રકારનાં કાયદેસરના મુદ્દા ઉઠાવીને આ યોજના હેઠળના નિકાસ થયેલાં માલના લાભ અને પ્રોત્સાહન પર સરકારે મૂકેલી રૂ. બે કરોડની સીલિંગ અદાલતમાં પડકારવા માટે આ યોગ્ય કેસ છે.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ સંદેશ ન્યૂઝ સાથે.

તમે અમને પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો Sandesh ની નવી મોબાઇલ એપ્લિકેશન