ચોમાસું આફત બન્યું : છ રાજ્યોમાં પૂર, ૨૭૦નાં મોત, ૧૦ લાખ બેઘર - Sandesh
  • Home
  • India
  • ચોમાસું આફત બન્યું : છ રાજ્યોમાં પૂર, ૨૭૦નાં મોત, ૧૦ લાખ બેઘર

ચોમાસું આફત બન્યું : છ રાજ્યોમાં પૂર, ૨૭૦નાં મોત, ૧૦ લાખ બેઘર

 | 2:44 am IST

। નવી દિલ્હી ।

દેશભરમાં ચોમાસું સારી પેઠે જામ્યું છે. કેરળ, કર્ણાટક સહિત દેશના ૬ રાજ્યોમાં હજુ પણ પૂરપ્રકોપ યથાવત્ રહ્યો છે. ૬ રાજ્યોમાં વરસાદ, પૂર અને ભૂસ્ખલન સંબંધિત બનાવોમાં ૨૭૦ કરતાં પણ વધારે લોકોનાં મોત થયાં છે તો ૧૦ લાખ કરતાં પણ વધારે લોકો વિસ્થાપિત થયા છે. કેરળ અને કર્ણાટકમાં પૂરની સ્થિતિની વચ્ચે હવે મધ્યપ્રદેશ સહિત ૨૩ રાજ્યોમાં હવામાન વિભાગની ભારે વરસાદની આગાહી છે. ગત ૨૪ કલાકમાં ભારે વરસાદને કારણે ઓડિશામાં ૬, યુપીમાં ૪, હિમાચલમાં ૨ લોકોનાં મોત થયાં છે તો કેરળમાં ૯૫ તથા કર્ણાટકમાં ૫૦ લોકોએ જીવ ગુમાવવો પડયો છે.

કેરળમાં ભૂસ્ખલનને કારણે ૪૩ લોકોનાં મોત :

કેરળના વાયનાડ જિલ્લામાં ભૂસ્ખલન થતાં ૧૨ લોકોનાં મોતની ખબર છે જ્યારે ૭ લોકો લાપતા બન્યા છે. મુખ્યપ્રધાન પિનરઈ વિજયને કહ્યું કે મલપ્પુરમ અને વાયનાડમાં ભારે વરસાદને કારણે અત્યાર સુધી ૪૩ લોકોનાં મોત થયાં છે. મુખ્યપ્રધાન વિજયને પૂરમાં મરનાર લોકોના પરિવારજનો માટે ૪-૪ લાખની સહાયની જાહેરાત કરી છે. કેરળમાં આઠ જિલ્લાઓમાં ભારે વરસાદની આગાહી છે અત્યાર સુધી વરસાદ સંબંધિત દુર્ઘટનાઓમાં ૯૫ લોકોનાં મોત થયાં છે. મલાપ્પુરમ અને કોઝીકોડમાં રેડ એલર્ટ તો ત્રિશૂર, પલક્કડ, વાયનાડ કન્નૂર અને કાસરગોડમાં ઓરેન્જ એલર્ટ જારી કરાયું છે.

તામિલનાડુમાં ૧૪૦ ઠેકાણે ભૂસ્ખલન

તામિલનાડુના નીલગિરિ જિલ્લામાં ૧૪૦ ઠેકાણે ભૂસ્ખલન થયું હતું. સદનસીબે કોઈ જાનહાનિ થઈ નથી. પરંતુ તંત્ર એલર્ટ છે અને અગમચેતીનાં પગલાં ભરવામાં આવી રહ્યાં છે. હવામાન વિભાગે કેરળ, કર્ણાટક, તામિલનાડુ, મહારાષ્ટ્ર સહિતના દરિયાકિનારાનાં રાજ્યો માટે એલર્ટ જારી કર્યું છે.

આંધ્રમાં કૃષ્ણા નદી ગાંડીતૂર : ચંદ્રાબાબુ નાયડુનું ઘર ડૂબ્યું

આંધ્રમાં ભારે વરસાદ પડતાં રાજ્ય સરકાર એલર્ટ બની છે. કૃષ્ણા નદીમાં ઘોડાપૂર આવતાં રાજ્યમાં કેટલેક ઠેકાણે પૂરનો ખતરો સર્જાયો છે. કૃષ્ણા નદીના કિનારે આવેલું પૂર્વ મુખ્યપ્રધાન ચંદ્રાબાબુ નાયડુનું ઘર ડૂબી ગયું છે. ઘરના ગ્રાઉન્ડ ફ્લોરમાંથી સામાન ખસેડી લેવામાં આવ્યો હતો.

હિમાચલની સૈન્જ ખીણમાં પાગલનાલામાં પૂર

હિમાચલની સૈન્જ ખીણમાં પાગલનાલામાં પૂર આવતાં વાહન વ્યવહાર ઠપ્પ થયો હતો. રાજ્યમાં વરસાદને પગલે ૫૩ રસ્તાઓ પરનો વાહનવ્યવહાર અટકાવી દેવામાં આવ્યો હતો. મંડીમાં ભારે વરસાદ બાદ ચંડીગઢ-મનાલી નેશનલ હાઇવે પર ૩ જગ્યાએ ભૂસ્ખલન થતાં વાહનવ્યવહાર અટકાવાયો હતો.

મહારાષ્ટ્રમાં ૪૮નાં મોત : મહારાષ્ટ્રના પૂણેમાં ભારે વરસાદ અને પૂરમાં અત્યાર સુધી ૪૮ લોકોનાં મોત થયાં છે. પૂણે, સાંગલી, કોલ્હાપુર, સતારા અને સોલાપુર જિલ્લામાં સાડા ચાર લાખ લોકોને સલામત સ્થળે ખસેડાયા છે. સાંગલી, કોલ્હાપુર, સતારા અને સોલાપુરમાં ભારે વરસાદની આગાહી છે.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ સંદેશ ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો Sandeshની નવી મોબાઇલ એપ્લિકેશન