અમદાવાદ બન્યું રોગીઓનું શહેર, આ રોગોમાં થયો વધારો - Sandesh
  • Home
  • Ahmedabad
  • અમદાવાદ બન્યું રોગીઓનું શહેર, આ રોગોમાં થયો વધારો

અમદાવાદ બન્યું રોગીઓનું શહેર, આ રોગોમાં થયો વધારો

 | 10:55 pm IST

અમદાવાદ મ્યુનિ.કોર્પોરેશનના ઇજનેર અને હેલ્થ વિભાગની ઘોર બેદરકારીને લીધે શહેરમાં પ્રદૂષિત પાણીની સમસ્યા અટકી રહી નથી. બીજી તરફ ચોમાસાને લીધે મચ્છરજન્ય રોગચાળો પણ વધ્યો છે. ૧થી ૩૦ જુલાઇ દરમિયાન ઝાડા-ઊલ્ટીના ૧,૦૧૬ કેસ, કમળાના ૨૧૭ કેસ અને ટાઇફોઇડના ૨૪૯ કેસ નોંધાયા છે. પીવાના પાણીમાં ગટરના પાણી ભળવાથી થતાં ૨૮ કોલેરાના કેસ પણ નોંધાયા છે. બીજી તરફ ચોમાસાને લીધે મેલેરિયાના ૬૪૦ કેસો અને ડેન્ગ્યૂના ૪૭ કેસો નોંધાયા છે. આમ નિરંતર પાણીજન્ય અને મચ્છરજન્ય રોગચાળો વધ્યો છે.

અમદાવાદ મ્યુનિ.કોર્પોરેશનના શાસકો દ્વારા પ્રદૂષિત પાણીની ફરિયાદોના નિકાલ બાબતે ગંભીરતા દાખવવામાં આવતી નથી. અધિકારીઓ પણ પ્રદૂષિત પાણીની સમસ્યાઓ અંગે આંખ આડા કાન કરે છે. જેથી દર વર્ષે ઉનાળામાં પાણીજન્ય રોગચાળામાં વકરે છે પણ આ વર્ષે તો ચોમાસું બેસી ગયું છે છતાં પણ પાણીજન્ય રોગચાળો અટકી રહ્યો નથી. સામાન્ય રીતે ઉનાળામાં પીવાના પાણીનો વપરાશ વધે છે જેથી જે વિસ્તારમાં પૂરતા પ્રેશરથી પાણી આવતું નથી તેવા વિસ્તારોમાં મોટરથી પાણી ખેંચાય છે. જ્યારે વધારાના ગેરકાયદે જોડાણો લેવાય છે જેથી પીવાના પાણીમાં પ્રદૂષણ વધી જાય છે પણ મ્યુનિ.ના હેલ્થ અને ઇજનેર ખાતા વચ્ચે સંકલન નથી. જેથી આ પીવાના પાણીમાં પ્રદૂષણની ફરિયાદોનો નિકાલ ઉતાવળે થતો નથી જેથી રોગચાળો વકરે છે. શહેરમાં છેલ્લા ત્રણ મહિનાથી ગત વર્ષની સરખામણીએ પાણીજન્ય રોગચાળો વધ્યો છે. બીજી તરફ ચોમાસાને લીધે મચ્છરોની ડેનસીટી વધી છે જેથી મચ્છરજન્ય રોગચાળો પણ વધ્યો છે.

રોગ- સંખ્યા (૧થી ૩૦ જુલાઇ)
ઝાડા-ઊલટી – ૧,૦૧૬ કેસ
કમળો – ૨૧૭ કેસ
ટાઇફોઇડ – ૨૪૯ કેસ
કોલેરા – ૨૮
મેલેરિયા – ૬૪૦
ઝેરી મેલેરિયા – ૧૮
ડેન્ગ્યૂ – ૪૭

કોલેરાએ દેખા દીધી છતાં તંત્ર નિદ્રાધીન
શહેરમાં એકલા જુલાઇ મહિનામાં જ કોલેરાના ૨૮ કેસો નોંધાયા છે જેમાં ખાડિયા, જમાલપુર અને અસારવાના ૫ કેસ નોંધાયા હતા. જ્યારે શાહીબાગ, સ્ટેડિયમમાં બે કેસો નોંધાયા છે. જ્યારે મક્તમપુરા, કુબેરનગર, સૈજપુર-બોઘામાં ૩ કેસ નોંધાયા હતા. ઇન્ડિયા કોલોની, વિરાટનગર, નિકોલ અને રામોલ હાથીજણમાં બે કેસ નોંધાયા હતા. દાણીલીમડા, બહેરામપુરા અને મણિનગરમાં ચાર કેસ નોંધાયા હતા જ્યારે લાંભામાં પણ કોલેરાએ દેખા દીધી હતી.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ સંદેશ ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો Sandeshની નવી મોબાઇલ એપ્લિકેશન