Monsoon Progressing Towards MP Via Goa and Karnataka : BJP Leader
  • Home
  • Featured
  • ગોવા, કર્ણાટક બાદ હવે વધુ એક કોંગ્રેસ શાસિત રાજ્યમાં નવાજુની થવાની શક્યતા!

ગોવા, કર્ણાટક બાદ હવે વધુ એક કોંગ્રેસ શાસિત રાજ્યમાં નવાજુની થવાની શક્યતા!

 | 10:38 pm IST

ગોવા અને કર્ણાટકમાં રાજ્ય સરકારો પર ચાલી રહેલી રામાયણનો હજી અંત પણ નથી આવ્યો ત્યાં કોંગ્રેસ શાસિત વધુ એક રાજ્યમાં ભણકારા સંભળાઈ રહ્યાં છે. હવે મધ્ય પ્રદેશમાં સત્તાને લઈને સળવળાટ શરૂ થઈ ગયો છે. અહીં પણ કોંગ્રેસના ધારાસભ્યોની ગતિવિધિઓ પર નજર રાખવામાં આવી રહી છે. કોંગ્રેસ ધારાસભ્યો શું કરી રહ્યાં છે ક્યાં જઈ રહ્યાં છે?  તે જાણવા કોંગ્રેસ જ નહીં ભાજપ પણ ભારે રસ દાખવી રહી છે. 

તાજેતરમાં જ કોંગ્રેસના એક નેતાએ અચાનક જ ડિનર પાર્ટી આપી છે. જેમાં એ ધારાસભ્યો આવે છે જે કોંગ્રેસી છે અથવા તો સરકારને સમર્થન આપનારા અપક્ષ, સપા, બસપા જેવી પાર્ટીઓના. જેને લઈને અહીં પણ કંઈક નવાજુની થવાની શક્યતા સેવાઈ રહી છે. 

ભાજપના ધારાસભ્ય અને મધ્ય પ્રદેશમાં શિવરાજ સરકારમાં કેબિનેટ મંત્રી રહી ચુકેલા નરોત્તમ મિશ્રાએ આ વાતને લઈને મમરો મુક્યો કે ગોવા અને કર્ણાટકના માર્ગે ચોમાસુ હવે મધ્ય પ્રદેશમાં પણ પધારી રહ્યું છે અને ઝરમરઝરમર વરસાદ થવાની શકયતા છે જેને લઈને ધારાસભ્યોમાં ચર્ચા છેડાઈ છે. મધ્ય પ્રદેશમાં એ વાતને લઈને ગરમાવો શરૂ થઈ ગયો છે કે, આ ડિનર પાર્ટી ધારાસભ્યોની ઈમરજન્સી પરેડ કરાવીને એ સાબિત કરવાની તો નથી ને કે 121 ધારાસભ્યો એક સાથે છે અને મધ્ય પ્રદેશમાં કમલનાથ સરકાર મજબુત સ્થિતિમાં છે.

મુખ્યમંત્રી કમલનાથે ડિનર મામલે કહ્યું હતું કે, મધ્ય પ્રદેશમાં ગોવા અને કર્ણાટક જેવી સ્થિતિ નથી. ડિનરને લઈને કોઈ જ ડિપ્લોમેસી નથી. અમે ડિનર પર દિલ્હીને લઈને ચર્ચા કરી હતી. ડિનર પાર્ટી આપનારા કમલનાથ કેબિનેટના હેલ્થ મિનિસ્ટર તુલસી સિલાવટ સ્પષ્ટ કહે છે કે, અમારા નેતા જ્યોતિરાદિત્ય સિંધિયા ભોપાલમાં હતા, તેમણે ભોપાલમાં જ રાતવારસો કર્યો હોવાથી અમે તેમની સાથે તમામ સાથીઓએ ડિનર પાર્ટી કરી હતી.

જોકે આ પાર્ટીમાં કોંગ્રેસને સમર્થન આપી રહેલા અન્ય ધારાસભ્યોએ પણ હાજર રહીને એકતાનો સંદેશ પાઠવ્યો હતો. તેવી જ રીતે સિંધિયા અને કમલનાથની હાજરીનું ચિત્ર દિલ્હીમાં બેઠેલા કોંગ્રેસના મોવડીમંડળને રાહતનો શ્વાસ આપાવનાર હતું.

મધ્ય પ્રદેશ વિધાનસભાનું ગણિત

કુલ બેઠકો – 230

કોંગ્રેસ – 114

ભાજપ – 108 (એક ધારાસભ્ય સાંસદ તરીકે ચૂંટાયા બાદ ખાલી પડેલી બેઠકની સ્થિતિ બાદ)

અપક્ષ – 4 (તમામને કોંગ્રેસનું સમર્થન, એક અપક્ષના ધારાસભ્ય સરકારમાં મંત્રી)

સપા – એ ધારાસભ્ય (સરકારને બહારથી સમર્થન)

બસપા – 2 ધારાસભ્ય (સરકારને બહારથી સમર્થન)

બહુમતનો આંકડો -116

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ સંદેશ ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો Sandeshની નવી મોબાઇલ એપ્લિકેશન