Monsoon withdrawal delayed again, might begin after mid Sep: IMD
  • Home
  • Featured
  • હવામાન વિભાગે ચોમાસાને લઈને કરી આગાહી, ગુજરાતને લઈ આપ્યું મહત્વનું નિવેદન

હવામાન વિભાગે ચોમાસાને લઈને કરી આગાહી, ગુજરાતને લઈ આપ્યું મહત્વનું નિવેદન

 | 8:30 pm IST

દેશમાં આ વર્ષે પણ નૈઋત્યનાં ચોમાસાની વિદાય વિલંબમાં મુકાય તેવી સંભાવનાછે. ચોમાસું આ વખતે સપ્ટેમ્બરનાં મધ્ય પછી કે અંતમાં વિદાય લેશે તેવી હવામાન ખાતાએ આગાહી કરી છે. સપ્ટેમ્બરનાં પહેલા અઠવાડીયા સુધી 2014 પછી દેશનાં અનેક વિસ્તારોમાં મેઘરાજાની મહેર થઈ હતી. દેશભરમાં સારો વરસાદ પડતા કેટલાક રાજ્યોમાં દુષ્કાળની શક્યતા ઘટી હતી અને ખેડૂતોએ રાહતનો શ્વાસ લીધો હતો. સપ્ટેમ્બરનાં મધ્યમાં પશ્ચિમ રાજસ્થાનનાં અનેક વિસ્તારોમાંથી ચોમાસાની વિદાય શરૃ થશે. સામાન્ય રીતે 1 સપ્ટેમ્બરથી અહીં ચોમાસું વિદાય લેતું હોય છે. ચોમાસાની મોડી વિદાય રવી પાક માટે લાભદાયી પૂરવાર થશે કારણ કે જમીનમાં રવી વાવેતર વખતે ભેજનું પ્રમાણ વધુ હશે.

આ વર્ષે અત્યાર સુધીમાં સામાન્ય કરતા 3 ટકા વધુ વરસાદ

નૈઋત્યનું ચોમાસું આ વર્ષે દેશમાં વિલંબથી શરૃ થયું હતું અને જૂનમાં સામાન્ય કરતા 33 ટકા ઓછો વરસાદ પડયો હતો. જો કે પછીથી મોટાભાગનાં રાજ્યોમાં તોફાની વરસાદને કારણે તેની ઘટ પૂરી શકાઈ હતી. આ વર્ષે ૯ સપ્ટેમ્બર 2019 સુધીમાં દેશમાં સરેરાશ 792 મી.મી વરસાદ પડયો છે જે સામાન્ય કરતા 3 ટકા વધુ છે. 3૬માંથી 28 સબ ડીવીઝનમાં સામાન્યથી વધુ વરસાદ પડયો છે. પરિણામે ખરીફ પાકનું વાવેતર 7 લાખ હેક્ટર વધ્યું છે અને 102.94મિલિયન હેક્ટર જમીનમાં વાવેતર કરાયું છે.

13 સપ્ટેમ્બર સુધી ગુજરાત અને મધ્યપ્રદેશમાં વરસાદની આગાહી

હવામાન ખાતાએ આગાહી કરી છે કે 13 સપ્ટેમ્બર સુધી ગુજરાત અને મધ્યપ્રદેશમાં ભારેથી અતિ ભારે વરસાદ પડી શકે છે. પશ્ચિમ અને મધ્ય ભારતનાં કેટલાક રાજ્યોમાં હળવાથી ભારે વરસાદ પડશે.

મધ્ય પ્રદેશમાં પૂર પ્રકોપ : ભોપાલથી હરદા સુધી અડધુ એમપી પાણીમાં ડૂબ્યું

મૂશળધાર વરસાદ અને પૂર પ્રકોપને કારણે મધ્ય પ્રદેશમાં લોકોનું જનજીવન ઠપ થઈ ગયું છે. રાજ્યમાં નર્મદા તેમજ અન્ય નદીઓમાં આવેલા પૂરે વિનાશ વેર્યો છે. ભોપાલથી હરદા સુધી અડધુ મધ્ય પ્રદેશ પાણીમાં ડૂબી ગયું છે. ભોપાલનાં નીચાણવાળા વિસ્તારોમાં ઠેરઠેર પાણી ભરાયા છે. 2015 પછી પહેલીવાર કોલાર ડેમનાં ગેટ ખોલવા પડયા છે. હરદાની જેલમાં પૂરના પાણી ઘૂસી ગયા છે. આથી 4 મહિલા સહિત 331 કેદીઓને અન્ય કોટડીમાં ખસેડવામાં આવ્યા છે. હવામાન ખાતાનાં જણાવ્યા મુજબ હજી બે દિવસ રાજ્યમાં ભારે વરસાદ પડી શકે છે. આથી 32 જિલ્લામાં 48 કલાક માટે રેડ અને ઓરેન્જ એલર્ટ જાહેર કરવામાં આવેલ છે. ભારે વરસાદથી નદી નાળા છલકાયા છે અને રસ્તાઓ તૂટી જતા તેમજ વૃક્ષો પડવાથી વાહનવ્યવહાર ખોરવાયો છે.

આ વીડિયો પણ જુઓ : અમદાવાદમાં જશોદાનગરમાં પણ રસ્તા પર પાણી ભરાયા

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ સંદેશ ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો Sandeshની નવી મોબાઇલ એપ્લિકેશન