Month of Shravana is late for 19 days because of Adhik maas
  • Home
  • Ahmedabad
  • ચાલુ વર્ષે શ્રાવણ મહિનો 19 દિવસ મોડો : શરૃ થશે 12 ઓગસ્ટે, જાણી લો તહેવારો છે ક્યારે

ચાલુ વર્ષે શ્રાવણ મહિનો 19 દિવસ મોડો : શરૃ થશે 12 ઓગસ્ટે, જાણી લો તહેવારો છે ક્યારે

 | 12:18 pm IST

ભગવાન શિવની આરાધનાના પવિત્ર અવસર એવા શ્રાવણ માસને લઇને શિવમંદિરોમાં તૈયારીઓ શરૃ થઇ ગઇ છે. શ્રાવણ માસના દિવસો નજીક આવતાની સાથે જ મહાપૂજા, મહાઆરતી, પ્રસાદી, ભંડારો સહિતના આયોજનો માટે મંદિર પ્રશાસકોએ ચર્ચા-વિચારણા શરૃ કરી દીધી છે. બીજીબાજુએ ચાલુ વર્ષે અધિક માસને કારણે શ્રાવણ માસ 19 દિવસ મોડો શરૃ થશે. 12 ઓઘસ્ટના રવિવારથી શરૃ થનારો શ્રાવણ માસ 9 સપ્ટેમ્બરના રવિવારે પૂર્ણ થશે. દરમિયાન 26 ઓગસ્ટે પવિત્ર રક્ષાબંધન પર્વ અને 3 સપ્ટેમ્બરે કૃષ્ણ જન્મની ઉજવણી કરાશે.

નોંધનીય છે કે, ચાલુ વર્ષે 16 મેથી 13 જૂન સુધી અધિક માસ રહ્યો હતો. હિન્દુ પંચાગમાં દર 32 મહિને આવતા અધિક માસની ધાર્મિક અને આધ્યાત્મિક રીતે ઉજવણી કરવામાં આવી હતી. જોકે, એક માસનો ઉમેરો અને તિથિને જોતાં 2018ના વર્ષમાં શ્રાવણ સહિતના અનેક તહેવારોને સીધી અસર થઇ છે. તેમાં ગત વર્ષે 24 જુલાઇથી 21 ઓગસ્ટ દરમિયાન શ્રાવણ માસની ઉજવણી કરાઇ હતી. તે સામે હવે ચાલુ વર્ષે શ્રાવણ માસ 19 દિવસ મોડો શરૃ થશે. આગામી 12 ઓગસ્ટના રવિવારથી પવિત્ર શ્રાવણ શરૃ થશે. તે સાથે જ શિવભક્તો શિવ આરાધનામાં લીન થઇ જશે. નક્કોરા ઉપવાસ, શિવપૂજા સાથે શ્રાવણ પર્વની ઉજવણી થશે. તેમજ 29 દિવસ પછી 9 સપ્ટેમ્બરના રવિવારે જ શ્રાવણ માસ પૂરો થશે. જોકે, શ્રાવણ માસની માફક જ આ વર્ષે રક્ષાબંધન, જન્માષ્ટમી, ગણેશોત્સવ, નવરાત્રિ, દશેરો, દિવાળી સહિતના મોટા ભાગના પર્વો 17થી 19 દિવસ મોડા આવશે. છેલ્લે 2015ની સાલમાં આ પ્રકારે અધિક માસને કારણે તે વર્ષના પર્વોની તારીખ પાછળ ઠેલાઇ હતી. આ જ પ્રકારે આ વર્ષે પણ મોટા ભાગના પર્વો 17થી 19 દિવસ મોડા આવશે.

કયા તહેવારો ક્યારે આવશે?
પર્વ–2018
શ્રાવણ શરૃ–12 ઓગસ્ટ
નાગપંચમી–15 ઓગસ્ટ
રક્ષાબંધન–26 ઓગસ્ટ
વદ નાગપાંચમ(કરવાની પાંચમ)-31 ઓગસ્ટ
રાંધણ છઠ્ઠ – 1 લી સપ્ટેમ્બર
શીતળા સાતમ – 2જી સપ્ટેમ્બર
જન્માષ્ટમી–3 સપ્ટેમ્બર
શ્રાવણ સમાપ્ત–9 સપ્ટેમ્બર
ગણેશ ચતુર્થી–13 સપ્ટેમ્બર
આનંદ ચૌદશ–23 સપ્ટેમ્બર
નવરાત્રિ–10-17 ઓક્ટોબર
દશેરા–18-19 ઓક્ટોબર
શરદ ર્પૂણિમા–23 ઓક્ટોબર
ધનતેરસ–5 નવેમ્બર
દિવાળી–7 નવેમ્બર