Moody’s downgrades India’s outlook to negative from stable
  • Home
  • Featured
  • ભારત માટે માઠા સમાચાર, મોદી સરકારના સપનાને લાગશે બ્રેક, કરાઈ મોટી ભવિષ્યવાણી

ભારત માટે માઠા સમાચાર, મોદી સરકારના સપનાને લાગશે બ્રેક, કરાઈ મોટી ભવિષ્યવાણી

 | 10:55 pm IST

ભારતની આર્થિક મંદી લાંબો સમય જારી રહેશે અને દેવામાં વધારો થશે તેવી ચિંતાઓ મધ્યે આંતરરાષ્ટ્રીય ક્રેડિટ રેટિંગ એજન્સી મૂડીઝે ભારતનું ક્રેડિટ રેટિંગ સ્ટેબલથી ઘટાડીને નેગેટિવ કરી દીધું છે. મૂડીઝનો નિર્ણય ભારતનું રેટિંગ ઘટાડવાની દિશામાં પહેલું પગલું છે. મૂડીઝે ભારતનું ક્રેડિટ રેટિંગ  Baa2 ફોરેન કરન્સી અને લોકલ કરન્સી રેટિંગ જાળવી રાખ્યું છે પરંતુ આઉટલૂકમાં બદલાવ કર્યો છે.  Baa2 મૂડીઝના ઇન્વેસ્ટમેન્ટ ગ્રેડમાં છેલ્લેથી બીજું સ્થાન ધરાવે છે.

મૂડીઝે જણાવ્યું હતું કે, ભારતનો આર્થિક વૃદ્ધિદર ભૂતકાળ કરતાં ઓછો રહેશે. લાંબાગાળાથી પડતર આર્થિક અને સંસ્થાગત નબળાઈઓ દૂર કરવામાં સરકારની નીતિઓ બિનઅસરકારક રહેતાં ભારતનું દેવું વધી રહ્યું છે. 2019માં નરેન્દ્ર મોદી સરકાર દ્વારા કરાયેલા આર્થિક અને સંસ્થાગત સુધારાનો ઉલ્લેખ કરતાં મૂડીઝે ભારતનું રેટિંગ મ્ટ્વટ્વ3થી વધારીને  Baa2 કર્યું હતું. મૂડીઝે જણાવ્યું હતું કે, આર્થિક મંદીના કારણે અમારી ધારણાઓ વધુ ખોટી પડવાનું જોખમ રહેલું છે. આગામી વર્ષે ભારતનો રીઅલ જીડીપી 6.6 ટકા અને નોમિનલ જીડીપી 11 ટકા તરફ આગળ વધવાની સંભાવના છે. મૂડીઝે જણાવ્યું હતું કે, 8 ટકાથી વધુ જીડીપી વૃદ્ધિદર જળવાવાની સંભાવના ઘણી ઓછી છે. ભારતે આ જોખમોથી બચવા માટે શ્રમ અને જમીનની ઉત્પાદકતા પરના નિયંત્રણો હટાવવા, પ્રાઇવેટ સેક્ટરમાં રોકાણ સુનિયોજિત કરવા અને ફાઇનાન્શિયલ સેક્ટરને મજબૂત બનાવવા આર્થિક સુધારાનાં પગલાં લેવાં પડશે.

મૂડીઝે જણાવ્યું હતું કે, ગ્રામીણ પરિવારોમાં પ્રવર્તતી આર્થિક તંગી, બેરોજગારી અને એનબીએફઆઇમાં ક્રેડિટની સમસ્યાઓએ ભારતની આર્થિક મંદી લંબાય તેવી સંભાવના વધારી દીધી છે. મૂડીઝે ચેતવણી આપી છે કે, જો ભારતનો નોમિનલ જીડીપી ઉચ્ચ સ્તરે નહીં પહોંચે તો ભારત સરકારને અંદાજપત્રીય ખાધ ઘટાડવા અને વધતા દેવાના બોજાને અટકાવવામાં મોટી સમસ્યાનો સામનો કરવો પડશે.

મૂડીઝે ચેતવણી આપી છે કે, માર્ચ 2020માં પૂરાં થતાં નાણાકીય વર્ષમાં કેન્દ્ર સરકારની અંદાજપત્રીય ખાધ જીડીપીના 3.7 ટકા પર પહોંચી જશે. રિઝર્વ બેન્ક પાસેથી સરકારે સ્પેશિયલ ડિવિડન્ડ પેમેન્ટ મેળવી લીધું હોવા છતાં સરકારના અંદાજપત્રીય ખાધના અંદાજમાં 0.4 ટકાનો વધારો થશે.

ભારતની આર્થિક મંદી માટે ઘરેલુ કારણો જવાબદાર : મૂડીઝ

  1. ગ્રામીણ પરિવારોમાં આર્થિક તંગી અને બેરોજગારીના પગલે ખાનગી રોકાણ અને માગમાં ઘટાડો
  2. નોનબેન્કિંગ ફાઇનાન્સ કંપનીઓની ક્રેડિટ સમસ્યાનો ઉકેલ ટૂંકસમયમાં આવે તેમ લાગતું નથી
  3. સરકારી બેન્કોની બેડ લોનની સમસ્યા હજુ મોં ફાડીને ઊભી છે
  4. ભારતની માથાદીઠ આવક હજુ 7900 ડોલર પર જે આર્થિક આંચકા સહન કરવામાં સક્ષમ નથી
  5. ભારતની કેન્દ્ર અને રાજ્ય સરકારોનું દેવું જીડીપીના 67 ટકા પર પહોંચી ગયું છે
  6. સરકારની કુલ મહેસૂલી આવકના 23 ટકા વ્યાજની ચુકવણીમાં જ જાય છે

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ સંદેશ ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો Sandeshની નવી મોબાઇલ એપ્લિકેશન