મોરારજી દેસાઈના મતે સરદાર પીએમ પદ માટે યોગ્ય હતા - Sandesh
NIFTY 10,410.90 -15.95  |  SENSEX 33,835.74 +-21.04  |  USD 64.8200 -0.07
1.6M
1M
1.7M
APPS
  • Home
  • Columnist
  • મોરારજી દેસાઈના મતે સરદાર પીએમ પદ માટે યોગ્ય હતા

મોરારજી દેસાઈના મતે સરદાર પીએમ પદ માટે યોગ્ય હતા

 | 2:00 am IST

સામયિક :-  પ્રભાકર ખમાર

ગુજરાતનાં સપૂત અને ભારતના રાષ્ટ્રીય નેતા મોરારજીભાઈ દેસાઈનું જીવનકાર્ય આધુનિક ભારતીય રાજકારણની એક દંતકથા સમાન છે. પરમાત્મા પ્રત્યે અપાર શ્રદ્ધા ધરાવનાર મોરારજીભાઈ ધર્મનિષ્ઠ હતા. આઝાદી આંદોલન દરમિયાન સત્યનિષ્ઠ સ્વાતંત્ર્ય સેનાની અને તે પછી આઝાદ ભારતના અગ્રિમ કર્મનિષ્ઠ વહીવટકર્તા તરીકે નામાંકિત હતા. તેઓ સંગઠનમાં હોય કે સરકારમાં એમનું સ્થાન સદા આદરણીય અને સન્માનનીય હતું. વિચાર અને આચારની એકાત્મતા એ એમનો સ્મરણીય સદ્ગુણ હતો. તેઓને વર્તમાન ભારતની એક ઉત્તમ વંદનીય વિભૂતિઓમાંના એક તરીકે ચાહનારો અને ઓળખનારો ખાસ્સો મોટો વર્ગ હતો. આમ તો ૨૯મી ફેબ્રુઆરી મોરારજીભાઈનો જન્મદિન છે, પરંતુ દર વર્ષે કેલેન્ડરની ક્રમકુંડળીમાં આ તારીખ આવતી નથી. પરિણામે તવારીખ અનુસાર કેટલીક વાર ૨૮મી ફેબ્રુઆરીએ જન્મદિન મનાવવામાં આવે છે. વર્ષ ૨૦૧૮માં પણ આ જ પરિસ્થિતિ છે.

મોરારજીભાઈ સાથે નિકટતા અને આત્મીયતાને કારણે અનેક વાર નિખાલસપણે વિવિધ વિષયો અંગે વિચાર વિમર્શ થતો. ૧૯૭૫માં હું કોંગ્રેસ પત્રિકાનો સંપાદક હતો. મે, ૧૯૭૫માં એટલે કે કટોકટીના એક મહિના પહેલાં એમની સાથે થયેલી વિશદ પ્રશ્નોત્તરીના કેટલાંક અંશો એમના જન્મદિન પ્રસંગે પ્રસ્તુત કર્યાં છે…!

પ્રશ્ન : આપ રાજકારણમાં આવ્યા તે પાછળ કઈ મહત્ત્વાકાંક્ષા છે ?

ઉત્તર : હું રાજકારણ ખાતર રાજકારણમાં નથી આવ્યો. મારું લક્ષ્ય ધર્મ છે. સત્તા, સંપત્તિ, કીર્તિ મને આકર્ષતા નથી. એ આકર્ષણમાં લપટાઈએ તો બધું રહી જાય. મારો ધર્મ એટલે ઈશ્વર અને સત્ય. આપણે જગતમાં કેમ આવ્યા, આપણે શી ફરજ બજાવવાની છે એ બધું ધર્મ બતાવે છે. લોકસેવા બજાવીએ તો ઈશ્વર સેવા જ છે. એનાથી ઈશ્વર મળે જ.

પ્રશ્ન : રાજાજીએ ગવર્નર જનરલ થયા બાદ મદ્રાસમાં મુખ્ય પ્રધાનપદ સ્વીકાર્યું હતું. ગુજરાતને સ્થિર અને સ્વચ્છ વહીવટ મળે એ માટે તમે એવી દરખાસ્ત સ્વીકારો ખરા ?

ઉત્તર : હું ગુજરાતમાં સરકાર રચું તો મારી સામે મહત્ત્વાકાંક્ષાનો જ આક્ષેપ મુકાય. રાજાજીને કેન્દ્રે સમજાવીને મોકલેલા, કારણ કે મદ્રાસમાં કોંગ્રેસનો ગઢ સાચવે એવું બીજું કોઈ નહોતું.

મારે મહત્ત્વાકાંક્ષા હોત તો અને કાવાદાવા કરત તો હું ૧૯૬૪માં વડા પ્રધાન થયો હોત. લાલ બહાદુર (શાસ્ત્રી)ની અને મારી વચ્ચે માત્ર પાંચ-સાત મતનો જ ફરક હતો. હું સોદાબાજી કરત તો જરૂર જીતી જાત, પણ એવો વિજય શા કામનો ? એવી રીતે આખી દુનિયાનં રાજપાટ મળે તોય મારે ન જોઈએ.

પ્રશ્ન : અગાઉ ભ્રષ્ટાચાર ન હતો ? અંગ્રેજ અમલદારો પણ રુશવતખોર નહોતા ? તમે જ તેનો ઉલ્લેખ તમારી આત્મકથામાં કર્યો છે.

ઉત્તર : અમે એ બદલવા માંડેલું. હું મુંબઈમાં દસ વર્ષ સત્તાસ્થાને હતો ત્યારે સરકારની અને પોલીસની સારી પ્રતિષ્ઠા હતી. દારૂ, દાણચોરી તદ્દન બંધ નહીં થાય, પરંતુ અમે એ અનિષ્ટો પ્રમાણમાં ઠીકઠીક ઓછા કરેલા. એ માટે અમારે હજારેક માણસોને રુખસદ આપવી પડી હતી. ગુજરાતમાં પણ પહેલાં તંત્ર સારું હતું. લોકોમાં શાસનની ઈજ્જત હતી. તેથી જ આજે લોકો હિતુભાઈને સંભારે છે.

પ્રશ્ન : ગવર્નરોના ભપકા, પાઇલટ, વાહનો અને રાજભવનના ઠાઠ વિશે તમારું શું વલણ છે ?

ઉત્તર : મેં ઘણો ઠાઠ કાઢી નાખેલો. મારા વખતમાં મુંબઈમાં ગવર્નરની કાર આગળ દોડતી પાઇલટ કાર બંધ કરેલી. મેં ઘણો ભપકો ઘટાડયો. હું તો પદ્મશ્રી, પદ્મભૂષણ વગેરેનો પણ વિરોધ કરતો આવ્યો છું.

મેં પ્રધાન તરીકે ઘણી સાદાઈ દાખવેલી. કદી રોજિંદુ ભથ્થું લીધું નથી. મુંબઈમાં મેં પ્રધાનોને સ્ટાફ કાર આપી જ નહોતી. પરદેશમાં મેં એક પૈસાની ખરીદી કરી નથી. મોટો ખર્ચ કે ખોટા મનોરંજન યોજતો નહીં. રાષ્ટ્રપતિ રાજેન્દ્ર બાબુના દબદબા અને છ ઘોડાની બગી વગેરે અંગે મેં જવાહરલાલને ઘણીવાર કહ્યું હતું પણ તેઓ ન માન્યા. કેન્દ્રના નાણામંત્રી તરીકે બિનજરૂરી ખર્ચ ન કરવા સરકારી રાહે ખર્ચમાં કરકસરના કડક પગલાં ભર્યાં હતાં. નાણાખાતાની ગાઈડલાઈનને અનુસરવા કેન્દ્રના દરેક વિભાગો અને રાજ્ય સરકારોને સૂચના આપી હતી.

પ્રશ્ન : તમે મુંબઈના મુખ્ય પ્રધાન હતા ત્યારે ટાઈમ્સ ઓફ ઈન્ડિયાની સરકારી જાહેરખબરો બંધ કરી હતી.

ઉત્તર : મેં જાહેરખબરો બંધ કરેલી એના કારણો આપ્યાં છે. ૧૦૦ વર્ષ જૂના ટાઈમ્સે પોતાનું ધોરણ કથળાવેલું. વર્તમાનપત્રો પીળું પત્રકારત્વ કરે ત્યારે તેમની સામે ભલે કામ ન ચલાવીએ, પણ સમર્થન તો ન જ કરાય. અમે (૧) પીળા પત્રકારત્વવાળા અખબારને અને (૨) કોમી અખબારને જાહેરખબર નહોતા આપતા. ટાઈમ્સે ગલીચ ભાષા વાપરી ત્યારે મેં કહ્યું કે આ રીત નહીં બદલો ત્યાં સુધી જાહેરખબર નહીં મળે.

વડા પ્રધાન જવાહરલાલજીએ મને ટેકો આપેલો પણ સલાહ એવી આપેલી કે ટાઈમ્સને એમ કહો કે તમારા જાહેરખબરના દર ઊંચા છે તેથી રાજ્ય સરકાર જાહેરખબર નથી આપતી. મેં નહેરુને કહ્યું કે એમ ખોટું નહીં કહું. છેવટે ટાઈમ્સે રીત બદલી અને મેં તરત જાહેરખબર શરૂ કરી.

પ્રશ્ન : જયપ્રકાશજીના આંદોલન વિશે તમારો શું પ્રતિભાવ છે ?

ઉત્તર : મેં તેમનું પ્રથમથી જ સમર્થન કર્યું છે. એ જરૂરી નથી કે બધી બાબતોમાં અમારા વિચારો સરખા હોય ! પ્રથમ તેઓ માર્ક્સવાદી હતા, પછી સમાજવાદી થયા અને ૧૯૪૮ પછી તેઓ ગાંધીવાદી બન્યા. હું તો પહેલેથી જ ગાંધીવાદી છું, પરંતુ અમે બંને લોકતંત્રને મજબૂત કરવામાં માનીએ છીએ. લોકશાહીનો એ પાયો છે.

પ્રશ્ન : નહેરુ અને સરદાર વિશેનું તમારું એસેસમેન્ટ શું છે ?

ઉત્તર : મેં મારી આત્મકથામાં એ લખ્યું છે જ.

પ્રશ્ન : છતાં રાજપુરુષ તરીકે આ બેમાંથી ભારતના વડા પ્રધાન થવાની પાત્રતા કોની વધારે હતી ?

ઉત્તર : સરદાર જ પ્રથમ વડા પ્રધાન થવા વધારે પાત્ર હતા, પણ હંમેશાં જે પાત્ર હોય એને જ બધું મળે એવું બનતું નથી. એમાં અનેક કારણો હોય છે. ઉદાહરણ તરીકે ગાંધીજીનો તેમને ટેકો હતો અથવા કહું કે ‘ડેસ્ટિની’ એમની સાથે હતી. એટલે જ ગાંધીજીને આ વલણ લેવાનું સૂઝયું.

સરદારની આકાંક્ષા તો વડા પ્રધાન થવાની એટલા માટે હતી કે આઝાદ ભારતને નિર્ધારિત દિશાએ અને ગતિએ આબાદ કરી શકાય, પણ નહેરુને કોરે રાખી વડા પ્રધાન થવાની ઈચ્છા ન હતી. છતાં જો સરદાર વડા પ્રધાન થયા હોત તો તેમને નહેરુએ કેટલો સાથ આપ્યો હોત એ જુદી વાત છે.

પ્રશ્ન : તમારી જ્યોતિષમાંની શ્રદ્ધા વિશે ઘણી વાતો થાય છે. એમ પણ કહેવાય છે કે તમે કોઈ પણ કામ કરતાં પહેલાં જ્યોતિષીની સલાહ લો છો !

ઉત્તર : ના, હું કોઈ પણ નિર્ણય મુહૂર્ત જોઈને નથી કરતો. ઉદાહરણ તરીકે મેં ઉપવાસ કર્યા ત્યારે સોમવાર હતો. યોગાનુયોગ એ દહાડે એકાદશી હતી. મારી માન્યતા છે કે શુભ થવાનું હોય તો એનો આરંભ શુભ ઘડીએ જ થાય. અશુભ થવાનું હોય ત શુભ મુહૂર્ત પણ અશુભ બની જાય.

પ્રશ્ન : તમે પ્રાર્થનાસભામાં કહ્યું હતું કે મારા જીવનનો સર્વોપરી ઉદ્દેશ ધર્મ છે ઔતો એ રાજકારણ સાથે કેવી રીતે ઔસુસંગત બને ?

ઉત્તર : રાજકારણ જો ધર્મ સાથે સુસંગત ન હોય તો રાજકારણ ખોટા રસ્તે જાય. એવો પ્રસંગ આવે તો હું રાજકારણ છોડવા તૈયાર થાઉં, ધર્મ નહીં. નહીં તો ડેપ્યુટી પ્રાઈમ મિનિસ્ટરશિપ શા માટે છોડું ? પ્રાઈમમિનિસ્ટર થવા ખટપટો કેમ ન કરું ? ધર્મ છોડી જગતનું સામ્રાજ્ય મળે તોયે પણ મારે મન નકામું છે. કીર્તિ-અપકીર્તિની પણ મેં ચિંતા કરી નથી. લોકોની જો સેવા કરી શકો તો એ પણ સાચી પ્રભુસેવા જ છે. લોકો ખોટી વાહવાહ કરે એ સેવા નથી.

;