Morbi police have Involved a murder crime
  • Home
  • Gujarat
  • ખાખીધારી હત્યારાઓ! ગુનો નહી માત્ર શંકાનાં આધારે પરપ્રાંતિય યુવકને ઉતાર્યો મોતને ઘાટ…

ખાખીધારી હત્યારાઓ! ગુનો નહી માત્ર શંકાનાં આધારે પરપ્રાંતિય યુવકને ઉતાર્યો મોતને ઘાટ…

 | 9:15 pm IST

મોરબીમાં ખાખી પર કલંક લાગ્યું છે અને એ પણ હત્યાનું. પોલીસ હેડ ક્વાટરમાં જેને ફરજ બજાવવાની હતી એ પોલીસકર્મી ફરજ ભૂલીને મોબાઈલ ચોરીની શંકાથી એક યુવાનને ઉઠાવી લાવ્યો અને જીઆરડી જવાનો સાથે મળીને એ યુવાનને એવો તો માર માર્યો કે તેનો જીવ જ જતો રહ્યો અને હાલ આ પોલીસકર્મી સહીત ત્રણને તો પોલીસે દબોચી જ લીધા છે. પણ આરોપીની સંખ્યા 8 સુધી પહોચે એવી શક્યતા છે.

રોજ પોલીસના જાપ્તામાં રીઢા ગુનેગારોને તો જોઈએ જ છીએ પણ આજે પોલીસ ના જાપ્તા માં પોલીસ છે. પોલીસ જાપ્તા માં મોરબીના મકનસર ગામે બનતા પોલીસ હેડ ક્વાટરમાં ફરજ બજાવતા પોલીસ કોન્સ્ટેબલ કિશોર ગોલાણી તેમજ ત્યાં જ જીઆરડીમાં ફરજ બજાવતા હાર્દિક ઉર્ફે લાલો તેમજ કમલેશ ઉર્ફે કમો. આ ત્રણેય પર મકનસર નજીક પર પ્રાંતીય યુવાનને ઢોર માર મારી હત્યા નીપજાવવાનો આરોપ છે. જોકે હજી આ ગુનામાં વધુ ત્રણ જીઆરડી જવાનો તેમજ કેટલાક અન્ય આમ આરોપીની પણ ધરપકડ થવાની છે એટલે કે આ ઘટનામાં આરોપીઓની સંખ્યા 8 સુધી પહોચવાની છે.

મોરબીના મકનસર પાસે હેડ ક્વાટર નજીક એક યુવાનની લાશ મળી આવી હતી. ઘટનાની જાણ થતા જિલ્લા પોલીસ વડા સહીતનો પોલીસ કાફલો ત્યાં પહોચ્યો હતો. અજાણ્યા પરપ્રાંતીય યુવાનની લાશ જોતા જ આ યુવાનની હત્યા થયાનું પોલીસને સ્પષ્ટ થયું હતું. લાશ પર રહેલ ઈજાના ચિન્હો તેને ઢોર માર મારવામાં આવ્યો હોવાની ચાડી ખાતા હતા. બાદમાં ત્યાં કામ કરતા કોન્ટ્રાકટર રાકેશ રાઠોડને પૂછતાં તેણે હેડ ક્વાટરમાં ફરજ બજાવતા કિશોર ગોલાણી અને અન્ય જીઆરડી જવાનોએ યુવાનને માર માર્યો હોવાનું સ્પષ્ટ થતા મોરબી તાલુકા પોલીસે અજાણ્યા આ યુવાનની હત્યાના બનાવમાં પોલીસ કોન્સ્ટેબલ અને પાંચ જીઆરડી જવાન એમ કુલ 6 સામે હત્યાનો ગુનો નોંધ્યો હતો.

સમગ્ર ઘટનાક્રમ વિષે જો વાત કરીએ તો, ગઇ કાલે સાંજે મકનસર ખાતે પોલીસ હેડ ક્વાટરમાં ફરજ બજાવતા પોલીસ કોન્સ્ટેબલ કિશોર ગોલાણીને વાંકાનેરના રાતા વીરડા ગામેથી તેને એક સંબંધીનો ફોન આવ્યો હતો કે, તેમણે એક મોબાઈલ ચોરને ઝડપી લીધો છે. બસ પછી તો શું આ કોન્સ્ટેબલ પોતાનું ભાન અને ફરજ બધું જ ભૂલી ગયા હતા અને પોતાની ફરજમાં ના આવતું હોવા છતાં બાઈકમાં જીઆરડી જવાનને સાથે લઇ રાતાવીરડા ગામે પહોચ્યા હતા અને ત્યાં લોકોએ અગાઉથી જ મેથીપાક આપીને બેસાડી રાખેલ એક પરપ્રાંતિય યુવાનને બાઈકમાં બેસાડી મકનસર હેડ ક્વાટર પાસે આવેલ શીતળા માતાના મંદિરે લઇ આવ્યા હતા. જ્યાં અન્ય જીઆરડી જવાનો સાથે મળી યુવાનને બેફામ માર માર્યો હતો. બાદમાં ત્યાંથી પસાર થતા હેડ ક્વાટરમાં કામ કરતા કોન્ટ્રાકટર રાકેશ રાઠોડની તેમના પર નજર પડતા તેમણે આ પોલીસને કેમ આ યુવાનને મારો છો એમ કહેતા પોલીસ કર્મીઓ યુવાનને કણસતી હાલતમાં ત્યાં જ મૂકીને નાશી છૂટ્યા હતા. બાદમાં કણસતો યુવાન ત્યાં લગભગ ૩૦૦ મીટર દુર બની રહેલ ક્વાટર સુધી પહોચ્યો હતો પણ સારવારના અભાવે તેનું બેફામ મારથી મોત નીપજ્યું હતું.

મોબાઈલ ચોરીની શંકાએ જેની હત્યા નીપજાવવામાં આવી એ મૃતક યુવાન મૂળ મધ્યપ્રદેશનો હોવાનું સામે આવ્યું છે. અહીના એક સિરામિક કારખાનામાં કામ કરતો હોવાનું પણ સ્પષ્ટ થયું છે પણ મૃતક યુવાનું આખું નામ પોલીસ પાસે પહોંચે એ પહેલા જ તેની હત્યાના ત્રણ આરોપીઓ ઝડપાઈ ગયા છે. જોકે મૃતકના વાલીવારસો આવતીકાલ સુધીમાં આવી પહોચતા મૃતક યુવાન અને પૂરી માહિતી પોલીસને મળશે. સમગ્ર મામલામાં ખાખી કે જેની ફરજ લોકોની રક્ષા કરવાની છે તેમણે જ અમાનુષી વર્તન કરી એક યુવાન ગુનેગાર છે કે અમાન્ય શ્રમિક છે એ જોયા જાણ્યા વિના જ યુવાનને કરપીણ મોત આપી ખાખી પર હત્યા નું કલંક લગાડી દીધું છે.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ સંદેશ ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો Sandeshની નવી મોબાઇલ એપ્લિકેશન