મોરબી: 13 દિવસની બાળકી સહિત બે પુત્રી-માતાને ખાટલે બાંધી ડીઝલ છાંટીને સળગાવ્યાનો આક્ષેપ - Sandesh
  • Home
  • Gujarat
  • મોરબી: 13 દિવસની બાળકી સહિત બે પુત્રી-માતાને ખાટલે બાંધી ડીઝલ છાંટીને સળગાવ્યાનો આક્ષેપ

મોરબી: 13 દિવસની બાળકી સહિત બે પુત્રી-માતાને ખાટલે બાંધી ડીઝલ છાંટીને સળગાવ્યાનો આક્ષેપ

 | 12:31 pm IST

ગુજરાતમાં કાળજું કંપાવી દે તેવી ઘટના સામે આવી છે. મોરબીના શનાળા બાયપાસ નજીક આવેલી વાડીમાં આજે સવારે પરિણીતા તેની બે પુત્રી સાથે સળગાવી દેવામાં આવી છે તેવો આરોપ પિયર પક્ષે મૂકયો છે. એક પુત્રીને સારવાર અર્થે હોસ્પિટલમાં ખસેડવામાં આવી છે. પતિ અને સસરા બંને ફરાર હોય ઘટના શંકાસ્પદ હોવાનું જાણવા મળી રહ્યું છે. પિયરિયાએ આક્ષેપ મૂકયો છે કે બીજી દીકરીનો જન્મ થતાં સાસરિયાએ માતા અને બે પુત્રીને ખાટલા સાથે બાંધીને સગળગાવી દીધા છે. આ સમગ્ર ઘટનાની જાણ થતાં પોલીસ ઘટના સ્થળે પહોંચી જઇ આગળની તપાસ હાથ ધરી છે કે પરિણીતાએ આત્મહત્યા કરી છે કે સાસરિયાએ સળગાવી છે.

માતા અને 13 દિવસની બાળકીનું મોત, સાડા ત્રણ વર્ષની પુત્રી સારવારમાં
મળતી માહિતી પ્રમાણે મોરબીના શનાળા બાયપાસ નજીક આવેલી મોર ભગતની વાડીમાં રહેતા શીતલબેન દયારામ પરમાર નામની પરિણીતાને સંતાનમાં એક સાડા ત્રણ વર્ષની દીકરી છે. તેમજ 13 દિવસ પહેલા બીજી દીકરીનો જન્મ થયો હતો. આજે સવારે માતા શીતલ, તેની સાડા ત્રણ વર્ષની દીકરી અને 13 દિવસની બીજી દીકરી ત્રણેય સળગી ઉઠી હતી. જેમાં શીતલબેન અને તેની 13 દિવસની બાળકીનું મોત નિપજ્યું હતું. જ્યારે સાડા ત્રણ વર્ષની દિકરીને સારવાર માટે હોસ્પિટલ ખસેડાઇ છે. પ્રથમ તો આ બનાવ અત્મહત્યાનો હોય તેવું જણાયું હતું, પરંતુ સ્થળ પર પતિ દયારામ અને સસરા બન્ને ફરાર જણાતા શંકાસ્પદ ઘટના જોવા મળી રહી છે.

બીજી દિકરીનો જન્મ થતાં પતિ-સસરાએ સળગાવી હોવાની આશંકા
મૃતક શીતલબેનના 6 વર્ષ પહેલા મોરભગતની વાડીમાં રહેતા દયારામ પરમાર સાથે લગ્ન થયા હતા અને સાડા ત્રણ વર્ષ પહેલા તેમને ત્યાં કિંજલ નામની દીકરીનો જન્મ થયો હતો. દીકરી જન્મતા દયારામ અને તેના માતાપિતાને જરા પણ ગમ્યું નહોતું. વારંવાર કોઈ ના કોઈ બહાને શીતલબેનને માર મારી પિતાના ઘેર મોકલી દેવાતી હતી. દરમ્યાન 13 દિવસ પહેલા શીતલબેનને બીજી ડીલેવરી થઇને પુત્રીનો જન્મ થતા ઘરમાં ત્રાસ વધી ગયો હતો અને દીકરી પસંદ ના હોવાથી આજે માતા પિતા અને પુત્રએ મળી પોતાના જ પરિવારના આ ત્રણ સભ્યોને ખાટલા સાથે બાંધી ડીઝલ છાંટીને સળગાવી દીધા હોવાનો આક્ષેપ મૃતકના ભાઈ અમરીશભાઇ કંજારિયાએ પોલીસ સમક્ષ કર્યો છે. તો મૃતકના પિતા એ તો આ કેસની તટસ્થ તપાસ કરી આરોપીઓને ફાંસી આપવાની માંગ કરી છે