ડાંગરમાં વધુ ઉત્પાદન મેળવવા સંકલિત ખેત-પદ્ધતિ અપનાવો - Sandesh
  • Home
  • Agro Sandesh
  • ડાંગરમાં વધુ ઉત્પાદન મેળવવા સંકલિત ખેત-પદ્ધતિ અપનાવો

ડાંગરમાં વધુ ઉત્પાદન મેળવવા સંકલિત ખેત-પદ્ધતિ અપનાવો

 | 9:27 pm IST

ગુજરાતમાં ડાંગરની મોટાભાગની ખેતી ફેરરોપણીથી કરવામાં આવે છે. ગુજરાત રાજ્યમાં વર્ષ ૨૦૧૮-૧૯ દરમિયાન ડાંગરનો કુલ વાવેતર વિસ્તાર ૮.૪ લાખ હેકટરમાંથી કુલ ૧૯.૬ લાખ ટન ઉત્પાદન મળ્યું હતું. જેમાં ખરીફ ડાંગરની પ્રતિ હેકટરે ઉત્પાદક્તા ૨.૨૭ ટન જ્યારે ઉનાળુ ડાંગરની ૩.૨ ટન મળી હતી. રાજ્યમાં ડાંગરની ખેતીના કુલ વિસ્તાર પૈકી ૬૦ ટકાથી વધુ વિસ્તારમાં ફેરરોપણીથી ડાંગરની ખેતી થાય છે. આમ, ગુજરાત રાજ્યમાં ઉનાળુ ડાંગરનો વિસ્તાર વધતો જાય છે. ઓરાણ ડાંગરનો વાવેતર વિસ્તાર ઘટતો જાય છે. એના પરિણામે વર્ષ ૨૦૧૭ની ઉત્પાદક્તા સરેરાશ અંદાજીત ૨.૪ ટન પ્રતિ હેકટર થવા પામેલ છે. તેમ છતાં પ્રગતિશીલ ખેડૂતોએ વધુ ઉત્પાદન આપતી સુધારેલી જાતો, ધરુ ઉછેર તેમજ ડાંગરની વૈજ્ઞાનિક ખેતી પદ્ધતિ દ્વારા ૭-૮ ટન પ્રતિ હેકટરે સુધી ઉત્પાદન લીધેલ છે. ડાંગરના આદર્શ ધરૂ ઉછેર અને વૈજ્ઞાનિક ખેતી પદ્ધતિ માટે નીચે મુજબના મુદ ધ્યાનમાં રાખવાનાથી ખેતીની નફાકારક્તા વધે છે.

યોગ્ય જાતની પસંદગી

  • ડાંગરનો પાકએ જુદી જુદી હવામાન પરિસ્થિતિમાં ઊગાડવામાં આવતી હોઈ જે તે વિવિધ જાતોની પાક્વાના દિવસોના આધારે ભલામણ કરવામાં આવે છે.
  • વહેલી પાકતી જાત,મધ્યમ મોડી પાક્તી જાત,મોડી પાક્તી જાત,સુગંધિત જાત.

ઉનાળુ ઋતુ માટે અનુકૂળ જાતો

જે વિસ્તારમાં પિયતની સગવડતા સારી છે ત્યાં વધુ ઉત્પાદન લેવા માટે મધ્ય મોડી પાક્તી અને મોડી પાક્તી જાતો પસંદ કરવી જોઈએ.

બીજ અને માવજત

રોગમુક્ત વિસ્તારનું પ્રમાણિત બીજ પસંદ કરવું. ઝીણા દાણાવાળી જાતો માટે હેકટરે ૨૦-૨૫ કિ.ગ્રા. જ્યારે જાડા દાણાવાળી જાતો માટે ૨૫-૩૦ કિ.ગ્રા. બિયારણનો દર જાળવવો હિતાવહ છે.સૂકી માવજત માટે ૧ કિ.ગ્રા. બીજ દીઠ ૩.૦ ગ્રામ કાર્બેન્ડાઝીમ-૫૦ વે.પા. અથવા થાયરમ ૭૫% દવાનો બીજને પટ આપવો.ભીની માવજત માટે૨૫ કિ.ગ્રા. બીજને ૨૪ લીટર પાણીમાં ૬ ગ્રામ સ્ટ્રેપ્ટોસાયકલીન દવાના દ્રાવણમાં ૧૦ કલાક બોળી કોરાં કરી વાવવા.

ધરુવાડિયું કેવું રાખવું?

  • સારી પિયતની સગવડ અને નિતારની વ્યવસ્થા હોય તેવી સમતળ જમીન પસંદ કરવી.
  • એક હેકટર (૧૦૦ ગુંઠા)ની રોપણી માટે ૧૦૦૦ ચો.મી. (૧૦ ગુંઠા) વિસ્તારમાં ધરૂવાડિયું કરવું. ભારે કાળી જમીનમાં ગાદી ક્યારા જ્યારે હલકી રેતાળ જમીનમાં ૧૦ મીટર/૧ મીટરના સપાટ ક્યારા બનાવવા.
  • એક ક્યારા માટે પાયામાં ૨૦ કિ.ગ્રા. સારું કોહવાયેલ છાણિયું ખાતર + ૧ કિ.ગ્રા. દિવેલી ખોળ + ૨૫૦ ગ્રામ એમોનીયમ સલ્ફેટ + ૫૦૦ ગ્રામ સીંગલ સુપર ફોસ્ફેટ આપવું.જ્યારે વાવણીના ૧૫ દિવસ બાદ ક્યારા દીઠ ૨૫૦ ગ્રામ એમોનીયમ સલ્ફેટ પૂર્તિ ખાતર આપવું.
  • ધરુવાડિયામાં જરૂર મુજબ પિયત આપી ભીનું રાખવું. નીંદણ અને રોગ-જીવાતના નિયંત્રણ માટે સમયસર પગલાં લેવા.
  • અભ્યાસ અને અવલોકનોને આધારે ધરું ઉપાડવાના અઠવાડિયા અગાઉ કાર્બોફ્યુરાન- ૩ જી ગુંઠા દીઠ ૧.૦ કિ.ગ્રા. આપવાથી ફેરરોપણી પછીના ૨૦-૨૫ દિવસ સુધી કોઈ જીવાતનો ઉપદ્રવ દેખાતો નથી.

જૈવિક ખાતરો

ડાંગરના ધરૂના મૂળને રોપતા પહેલાં એઝોટોબેકટર અથવા એઝોસ્પીરીલમ અને ફોસ્ફોબેક્ટરીયાના પ્રવાહી દ્રાવણમાં ૧૫ મિનિટ બોળ્યા બાદ રોપણી કરવી અને વધેલા દ્રાવણને  ખેતરમાં રેડવું.જેનાથી હેકટર દીઠ ૨૫ કિ.ગ્રા. રાસાયણિક નાઈટ્રોજનની બચત કરી શકાય છે.

ધરુની વાવણી

ખરીફ (ચોમાસુ) – જૂનનું પ્રથમ પખવાડિયું

રવી (ઉનાળુ)- નવેમ્બરના છેલ્લા અઠવાડિયાથી ડીસેમ્બરનું પ્રથમ અઠવાડીયું. સમયસરની વાવણી / રોપણી કરવાથી રોગ-જીવાતના પ્રશ્રો ઉદ્ભવતા નથી.

ફેરરોપણી સમય અને રોપણી

-ખરીફ (ચોમાસુ) – જુલાઈમાં (૨૫થી ૩૦ દિવસનું ધરુ રોપવું)રવી (ઉનાળુ) – ફેબ્રુઆરીમાં (૫૦થી ૫૫ દિવસનું ધરુ રોપવું)

જમીનની તૈયારી

ડાંગરના પાકની ઓછા નિતારવાળી મધ્યમ ગોરાડુ કે કાળી જમીન વધુ ભેજ સંગ્રહી શકે તેવી અથવા ક્યારીની જમીન હેકટરે વધુ અનુકૂળ રહે છે. ઓછા વરસાદી વિસ્તારોમાં જ્યાં નિચાણવાળી જગ્યાએ પાણી ભરાઈ રહે તેવી કાંપની જમીનમાં પણ રોપાણા ડાંગર સારી રીતે લઈ શકાય છે. રોપણીના ૧૫ દિવસ પહેલાં જમીનમાં હેકટરે ૧૦ ટન મુજબ છાણિયું ખાતર આપવું કે હેકટરે ૪૦થી ૫૦ કિ.ગ્રા. ગ્રામ બીજ વાપરી શણ અથવા ઈક્કડનો લીલો પડવાશ કરવો. લીલો પડવાશ કરવાથી હેકટરે ૭૦ કિ.ગ્રા.ગ્રામ નાઈટ્રોજન જમીનમાં ઉમેરાય છે.સારી રીતે ખેડેલ ખેતરમાં બે વખત ધાવલ કરવું. જેથી પાણીનો વ્યય ઓછો  અને જમીન સાથે સારી રીતે મૂળ સ્થાપિતા થાય છે.ખેતરમાં પાણીનું સમાન સ્તર જાળવવા સમાર મારી જમીન સમતળ કરવી એ પહેલાં પાયાના ખાતરો આપી દેવા.

રોપણી અંતર કેટલું રાખવું લાભકારક બની શકે!

એક ચોરસ મીટરમાં ૩૦-૩૫ કિ.ગ્રા.,હારમાં રોપણી- ૨૦/૧૫ સે.મી. અથવા ૧૫/૧૫ સે.મી. એક ખામણે ૧-૨ રોપા.,ગામાં પૂરવાં- હળવા વરસાદના ઝાપટાં ચાલુ હોય ત્યારે જ જરૂર મુજબ રોપણીના ૧૦ દિવસમાં ગામા પૂરવાં.

સીધી વાવણી માટે બીજ પદ્ધતિ

મધ્ય અને દક્ષિણ ગુજરાત બંને વિસ્તાર માટે ભલામણ કરેલ અનુકૂળ પદ્ધતિ છે.

ઝીણા દાણાવાળી જાતો માટે હેકટરે ૫૦ કિ.ગ્રા. ગ્રામ જ્યારે જાડા દાણાવાળી જાતો માટે હેકટરે ૬૦ કિ.ગ્રા. ગ્રામ મુજબ ફણગાવેલ બીજને ધાવલ કરી સમતળ કરેલ જમીન પર જોરથી પૂંખવી અથવા ૨૨.૫ સે.મી. અંતરે લાઈનમાં ઓરવામાં આવે છે

નાઈટ્રોજનયુક્ત પૂર્તિ ખાતરનો બીજો અને છેલ્લો હપ્તો જો ૨૦ ટકા લેખે જીવ પડતી (કંટી બેસે પહેલાની અવસ્થા) વખતે આપવાનો થાય છે તે ખાસ ધ્યાને રાખીને ભલામણ કરતાં વધારે આપવો નહીં, કારણકે તે વખતે રોગ જીવાતને અનુકૂળ વાતાવરણ હોય તો તે તીવ્ર સ્વરૂપમાં ફેલાય છે અને નિયંત્રણ કરવું મુશ્કેલ બને છે. સંશોધનના પરિણામો  પરથી ડાંગરના પાકને મધ્ય ગુજરાત માટે હેકટરે ૨૫ કિ.ગ્રા. ફોસ્ફરસ અને દક્ષિણ ગુજરાત માટે ૩૦ કિ.ગ્રા. ફોસ્ફરસ આપવાની ભલામણ છે. ફોસ્ફરસ યુક્ત ખાતરોનો બધો જથ્થો તથા નાઈટ્રોજનયુક્ત ખાતરનો પ્રથમ હપ્તો ૨૦ કિ.ગ્રા. ઝીંક સલ્ફેટ પાયામાં જ રોપણી વખતે જમીનમાં આપી દેવો જોઈએ.

નાઈટ્રોજન, ફોરફરસ અને પોટાશ જેવા મુખ્ય પોષક તત્વો સિવાય સૂક્ષ્મ તત્વો જેવા કે લોહ, ઝીંક, મેંગેનીઝ, કેલ્શિયમ, તાંબુ, બોરોન, સીલીકા વગેરે બહુ ઓછા પ્રમાણમાં પણ ડાંગરના પાકને જરૂરી છે.જે સેન્દ્રીય ખાતરોમાંથી મળી શકે છે સંકલિત પોષણ વ્યવસ્થાપનના ભાગરૂપે જમીનના પૃથક્કરણ રીપોર્ટના આધારે પોષણ વ્યવસ્થાપન કરવાથી બિનજરૂરી ખર્ચ નિવારીને નફામાં વધારો કરી શકાય છે. વધુમાં રોગ જીવાત વધુ ખાતર આપવાથી થતો હોવાથી ઘટાડી શકાય છે.

એક હેકટરે દીઠ ૨૫૦ મિ.લિ. એઝોટોબેકટર અને એઝોસ્પીરીલમ જેવા જૈવિક ખાતરની ૩૦-૪૦ લિ. પાણીમાં દ્રાવણ બનાવી ધરુંના મૂળને ૧૫-૨૦ મિનિટ બોળ્યા બાદ રોપણી કરવાથી ૨૫થી ૩૦% નાઈટ્રોજન યુક્ત ખાતરની બચત થાય છે.

નીંદણ નિયંત્રણ

ધરુવાડીયામાં વાવણીના બીજા દિવસે હેકટરે ૧.૫થી ૨.૦ કિ.ગ્રા. બ્યુટાફ્લોર ૫૦ ઈસી સક્રિય તત્વ મુજબ અથવા પેન્ડીમિથાલોન ૩૦ ઈસી હેકટરે ૧.૦થી ૧.૫ કિ.ગ્રા. સક્રીય તત્વ મુજબ (વીઘા દીઠ ૧.૦ લિ.) આપવું/છાટવું. નિંદણનાશકો રોપણી પછી ચાર દિવસમાં છબછબીયું પાણી હોય ત્યારે રેતી સાથે ભેળવી પૂંખવા.

કાપણી અને સંગ્રહ

ડાંગરને પાકવાના દિવસોના આધારે દાણા પરિપક્વ થાય ત્યારે લીલી સળીએ કાપણી કરવાથી આખા ચોખાનું પ્રમાણ વધુ મળે. ડાંગર ખરતી નથી અને બગાડ ઓછો થાય. ઝૂડીને ૧૦થી ૧૨ ટકા ભેજ રહે તેટલી સૂક્વી સંગ્રહ કરવો.

પિયત વ્યવસ્થાપન

ડાંગર એ પાણી ભૂખ્યો પાક હોવા છતાં ડાંગરના ખેતરમાં સતત પાણી ભરી રાખવું જોઈએ નહીં. પરંતુ ખેતરમાં ૫-૭ સે.મી. પાણી ફૂલ આવે ત્યાં સુધી અવાર-નવાર ભરવાની અને નિતારી દેવાની વ્યવસ્થા કરવી જોઈએ, જેથી જમીનમાં હવાની સારી અવર-જવર થઈ શકે. નીંધલ પડયા પછી દાણા ભરાવવાની અવસ્થા સુધી ફક્ત ૫-૭ સે.મી. પાણી ભરી રાખવું અને કાપણીના ૨-૩ અઠવાડિયા પહેલાં સંપૂર્ણ નીતારી દેવું જોઈએ.

ડાંગરની પાણી બચાવતી  ખેતી પદ્ધતિ ‘શ્રી’ અપનાવવી જોઈએ જેનાથી ઉત્પાદન પણ વધે છે અને પાણીની પણ  બચત થાય  છે.

[email protected]

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ સંદેશ ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો Sandeshની નવી મોબાઇલ એપ્લિકેશન