More than 100 people believe in Buddhism as their own development and conversion
  • Home
  • Gujarat
  • અન્ય કરતા બૌદ્ધ ધર્મમાં પોતાનો વિકાસ હોવાનું માની 100થી વધુ લોકોએ કર્યું ધર્મ પરિવર્તન

અન્ય કરતા બૌદ્ધ ધર્મમાં પોતાનો વિકાસ હોવાનું માની 100થી વધુ લોકોએ કર્યું ધર્મ પરિવર્તન

 | 4:37 pm IST

મધ્યપ્રદેશના શિવપુરી જિલ્લાના ભાવખેડી ગામમાં ગત તા.રપ સપ્ટેમ્બરે સવારે પાંચ વાગ્યે ખુલ્લામાં શૌચક્રિયા કરવા ગયેલા 10 વર્ષીય અશ્વિન અને 13વર્ષીય રોશનીને ગામના માથાભારે લોકોએ ઢોર મારમારીને મોતને ઘાટ ઉતારી દીધા હોવાની ઘટનાનો આક્રોશ વ્યક્ત કરવા માટે ગત તા.8ને મંગળવારે બપોરના સમયે ઈડરના સીકે સરસ્વતી મંદિરની બાજુમાં આવેલી મઢી (બુધ્ધ વિહાર) ખાતે શહેરના તેમજ આસપાસના 105 જેટલા દલીત ભાઈ બહેનો ભેગા થઈને બૌધ્ધ સાધુઓની ઉપસ્થિતિમાં બૌધ્ધ ધર્મ અંગીકાર કરતાં સમગ્ર શહેરમાં મિશ્રા પ્રત્યાઘાત પડયા છે.

સામાજીક રીતે અન્ય ધર્મ કરતા બૌધ્ધધર્મમાં પોતાનો વિકાસ હોવાની વાત સાથે બૌધ્ધધર્મ અપનાવ્યો હોવાની ઘટનાથી સમગ્ર શહેરના દલીત સમાજ તેમજ હિન્દુ અગ્રણીઓમાં ઘેરા પ્રત્યાઘાત પડયા છે. જો કે આ મામલે વહીવટીતંત્ર પાસે માત્ર 9 જ અરજી આવી છે, પરંતુ સપ્તાહ અગાઉ ઈડરના અનુસુચિત જાતિના લોકોએ નાયબ કલેકટરને લેખિતમાં રજુઆત કરી હોવાનો દાવો કર્યો છે. મંગળવારે બૌધ્ધ સાધુની હાજરીમાં બૌધ્ધધર્મ અંગીકાર કરવામાં વૃધ્ધ મહિલાઓ, બાળકો પણ સામેલ હોવાનું જાણવા મળ્યુ છે.

અમને હજુ 9 જ અરજી મળી છે ઃ કલેક્ટર

આ મામલે કલેકટર પ્રવિણા ડીકેએ જણાવ્યુ હતુ કે, ગુજરાત ધર્મ સ્વાતંત્ર્ય નિયમો 2008 મુજબ 10 દિવસની અંદર નિયત નમૂનાના ફોર્મમાં જાણ કરવાની હોય છે તે મુજબ અમારા સુધી હજુ માત્ર ૯ જ અરજી આવી છે.

ધર્મપરિવર્તન કરનારાઓની માગ

મધ્યપ્રદેશમાં બે માસૂમ બાળકોની હત્યાના પગલે ધર્મ અંગીકાર કર્યો હોવાનું જણાવીને લોકોએ જણાવ્યુ હતુ કે, હત્યાના આરોપી એવા બંને ભાઈઓને વિરૂધ્ધ ગુનો નોંધી તેમની ધરપકડ કરવામાં આવી છે, ત્યાં વાત પુરી થતી નથી. ખરેખર તો આવા નરાધમોને ફાંસીની સજા કરવામાં આવે તેવી અમારી માંગણી છે.

ભિલોડામાં બે વર્ષ અગાઉ 200એ બૌધ્ધધર્મ અપનાવ્યો હતો

અરવલ્લી જિલ્લાના ભિલોડા તાલુકામાં બે વર્ષ પહેલા બૌધ્ધધર્મનો દિક્ષા સમારોહ સમિતિ ધ્વારા એસસી, એસટી અને ઓબીસી સમાજના 200 જેટલા ઉપાસકોએ બૌધ્ધધર્મનો અંગીકાર કર્યો હતો, જેમાં પણ બૌધ્ધધર્મના ગુરૂ ધ્વારા દિક્ષા અપાઈ હતી. તે સમય પણ સમગ્ર મામલો ભારે ચર્ચાસ્પદ બન્યો હતો.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ સંદેશ ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો Sandeshની નવી મોબાઇલ એપ્લિકેશન