૧૪થી વધુ પ્રકારના કામ કરે છે રોબો, ટૂંક સમયમાં ૪૦ ટકા નોકરીઓ ભરખી જશે - Sandesh
NIFTY 10,980.45 -27.60  |  SENSEX 36,373.44 +-146.52  |  USD 68.6200 +0.17
1.6M
1M
1.7M
APPS
  • Home
  • Ahmedabad
  • ૧૪થી વધુ પ્રકારના કામ કરે છે રોબો, ટૂંક સમયમાં ૪૦ ટકા નોકરીઓ ભરખી જશે

૧૪થી વધુ પ્રકારના કામ કરે છે રોબો, ટૂંક સમયમાં ૪૦ ટકા નોકરીઓ ભરખી જશે

 | 3:08 am IST

ન્યૂયોર્ક :

આગામી સમયમાં ૪૦ ટકા નોકરીઓ રોબો પાસે જતી રહી હશે. વેઇટરથી માંડીને રસોઇયા સુધી અને પેકેજિંગથી માંડીને સર્જરી સુધીના દુનિયાભરના ૧૪થી વધુ પ્રકારના કામ રોબો કરી શકે છે. ગત વર્ષે સાઉદી અરબમાં સોફિયા નામની હ્યુમનોઇડ રોબોને નાગરિકતા આપવામાં આવી અને તેને પાસપોર્ટ પણ જારી કરવામાં આવ્યો. તે ઘણા દેશોનો પ્રવાસ કરી ચૂકી છે. આગામી સમયમાં વધારેમાં વધારે રોબોને વિવિધ કામ માટે તૈયાર કરવામાં આવશે. એવામાં અંદાજ માંડવામાં આવ્યો છે કે, આગામી વર્ષોમાં ૪૦ ટકા નોકરીઓ રોબો પાસે જતી રહેશે. પહેલેથી જ બેરોજગારી સામે ઝઝૂમી રહેલા દેશો માટે આ ટેક્નોલોજી વધારે મોટો સવાલ બનશે. વર્તમાન સમયમાં પણ કેટલીક નોકરીઓ એવી છે જે રોબો કરી રહ્યા છે અથવા તો આગામી સમયમાં રોબો પાસે જતી રહેશે. સ્વાભાવિક રીતે માણસોને તેનાથી નુકસાન થશે. કદાચ એવો પણ સમય આવે કે માણસોની જરૂર જ ન પડે…

વેઇટર 

બાંગ્લાદેશના એક રેસ્ટોરાંમાં ટેબલ પણ બેસતાંની સાથે જ એક રોબો માણસો પાસે આવીને રોબો ઓર્ડર લઈ જાય છે. થોડા સમય પછી તે ફૂડ સર્વ કરવા માટે પણ આવે છે. ભારતમાં પણ એક રેસ્ટોરાંમાં આવા રોબોનો ઉપયોગ શરૂ કરાયાના અહેવાલ આવ્યા હતા.

ટપાલી 

જર્મનીની ટપાલ સેવા ડોયચે પોસ્ટે દ્વારા રોબોનો ઉપયોગ શરૂ કરી દેવાયો છે. પીળા રંગના રોબો ટપાલો અને પાર્સલ લઈને લોકોની ઓફિસ અને ઘર સુધી પહોંચે છે. હજી તેમને સીડીઓ ચડતા નથી આવડતું તેથી એક વ્યક્તિ સતત રોબો સાથે રહે છે.

સેલ્સમેન 

જર્મનીમાં પોલ નામનો રોબો ઈલેક્ટ્રોનિક્સ સ્ટોર ઉપર કામ કરે છે. ગ્રાહકો દુકાનમાં આવતા જ આ રોબો પૂછે છે કે, જણાવો હું તમારી શું મદદ કરી શકું. તે તમામ ઈલેક્ટ્રોનિક આઈટમોને બતાવે છે અને તેની માહિતી પણ સારી રીતે આપે છે.

પિઝા ડિલિવરી 

એક પિઝા કંપનીએ ઘણા સમયથી રોબોને ડિલિવરીના કામમાં જોડવા પ્રયાસ કરી રહી છે. આગામી સમયમાં રોબો પિઝા ડિલિવરી માટે આવે તે સમય દૂર નથી. ન્યૂઝીલેન્ડમાં ૨૦૧૬માં રોબો પિઝાની સફળ ડિલિવરી કરી ચૂક્યો છે.

પોલીસ 

દુબઈમાં બુર્જ ખલીફાની બહાર એક રોબોનો પોલીસ તરીકે કામ કરતો જોઈ શકાય છે. આ ઉપરાંત પબની બહાર પણ તેમને સિક્યોરિટી તરીકે ઊભા રાખવાની તૈયારીઓ ચાલી રહી છે. ઘરની બહાર પણ સિક્યોરિટી માટે તેમને સજ્જ કરી શકાય છે.

સર્જન 

યુકે સહિત દુનિયાના ઘણા દેશોમાં ઓપરેશન થિયેટરમાં રોબોનો ઉપયોગ થઈ રહ્યો છે. ભારતમાં પણ ચલણ વધી રહ્યું છે. ડોક્ટર વીડિયો ગેમ હોય તેમ રોબો ઓપરેટ કરતા હોય છે. સ્ક્રીન ઉપર માનવ શરીરના વિવિધ ભાગ ઘણા મોટો દેખાય છે જેથી ઓપરેશનમાં સરળતા રહે છે.

બારટેન્ડર : રોબો જો ભોજન કરાવી શકે છે તો ડ્રિન્ક્સ પણ પીરસી શકે છે. અમેરિકાના લાસ વેગાસ સહિત અનેક જગ્યાએ રોબોને બોટલ ખોલીને બિયર સર્વ કરતા જોવામાં આવ્યા છે. બારટેન્ડરની જેમ બે અલગ અલગ ડ્રિન્ક્સને પણ તેઓ ભેગા કરીને સર્વ કરતા હોય છે.

સફાઈ : બજારમાં ઘણા પ્રકારના રોબો ઉપલબ્ધ છે જે જાતે જ પોતાના ઘરની સફાઈ કરતા હોય છે. તેઓ વેક્યુમ ક્લિનર નથી અને તેને પકડવાની પણ જરૂર નથી. તે જાતે જ ઘરમાં ફરી ફરીને કચરો ભેગો કરતા હોય છે.

ખેતી : ઊભા પાકને લણવાનું કામ પણ રોબો કરતા હોય છે. તેમને જણાવી દેવામાં આવે છે કે, ક્યાં સુધી ખેતર છે અને કેટલા ભાગમાં ફરવાનું છે અને લણણી કરવાની છે. જમીનથી કેટલા સેમી ઉપર સુધી લણણી કરવાની છે તે પણ પ્રોગ્રામ કરી શકાય છે. બાકીની મહેનત મશીન જાતે કરી લે છે. અમેરિકા અને ઈઝરાયલમાં મશીન અને રોબો દ્વારા ખેતીનું પ્રમાણ વધી રહ્યું છે.

પેકેજિંગ : અમેરિકામાં એ ઈ-કોમર્સ કંપની દ્વારા પોતાના ગોડાઉનમાં પેકિંગ માટે રોબો રાખવામાં આવ્યા છે. આ રોબો જાતે જ નક્કી કરી લે છે કે, કેવા પેકેટનું કેવી રીતે પેકિંગ કરવાનું છે. તેને ક્યાં મૂકવાના છે તે પણ નક્કી કરી લે છે. બધું જ ઓટોમેટિક થાય છે.

રિપોર્ટર 

યુકેમાં રોબો અને માણસો દ્વારા સંયુક્ત રીતે લખાયેલા આર્ટિકલ્સનું પ્રકાશન થવા લાગ્યું છે. ઘણી જગ્યાએ રિપોર્ટિંગ માટે રોબોનો ઉપયોગ કરવામાં આવે છે. એજન્સીઓ પાસેથી આવતી સ્પોર્ટ્સની માહિતી ભેગી કરીને રોબો માણસોની જેમ જ સમાચાર લખી શકે છે.

શિક્ષક 

ભવિષ્યમાં શાળાઓમાં પણ શિક્ષકોની જગ્યાએ રોબો ઊભેલા દેખાય. શું ભણાવવાનું છે અને કેટલું ભણાવવાનું છે તે પણ તેમનામાં પ્રોગ્રામ કરી શકાશે. ઓનલાઈન યુનિવર્સિટી આજની વાસ્તવિકતા છે. લોકો સ્ક્રીનની સામે બેસીને અભ્યાસ કરતા થઈ ગયા છે.

પેઈન્ટર 

રોબો કલાત્મક કામ પણ કરી શકે છે. આ રોબોનું નામ બસ્કર છે. તે માણસોની જેમ પેઈન્ટિંગ્સ બનાવે છે. આગામી સમયમાં રોબો દ્વારા બનાવેયેલા પેઈન્ટિંગ્સનું પણ પ્રદર્શન યોજાશે.

રસોઇયા 

એવે રોબો પણ તૈયાર કરવામાં આવી રહ્યા છે જે ફ્રીઝમાં પડેલી સામગ્રીના આધારે જાતે જ નક્કી કરી લેશે કે ભોજનમાં શું બનશે. એટલું જ નહીં પસંદગીનું ભોજન ખાવાની ઈચ્છા થશે તો રોબો દુકાનોમાં તેને લગતી સામગ્રીનો ઓર્ડર પણ જાતે જ આપી દેશે.