Mother In Law Kidney Donation To Daughter In Law
  • Home
  • Featured
  • ખુદ જન્મ આપનાર માતા, પિતા-ભાઇએ પાડી દીધી ના તો, સાસુ ઉભા રહ્યાં વહુની પડખે

ખુદ જન્મ આપનાર માતા, પિતા-ભાઇએ પાડી દીધી ના તો, સાસુ ઉભા રહ્યાં વહુની પડખે

 | 3:25 pm IST

રાજસ્થાનના બાડમેરમાં રહેતા એક સાસુ અને વહુ એ સંબંધનો એક નવો અધ્યાય લખ્યો છે. સાસુ એ વહુને પોતાની કિડની દાન કરી બચાવી લીધી.

મીડિયા રિપોર્ટસનું માનીએ તો 60 વર્ષના ગણી દેવીએ પોતાની 34 વર્ષની વહુ સોનિકાને કિડની દાનમાં આપી દીધી. સાસુએ એવા સમયે વહુની મદદ કરી જ્યારે ખુદ વહુના પિયરવાળાએ મદદ કરવાની ના પાડી દીધી હતી.

રિપોર્ટસના મતે સોનિકાની બંને કિડની ખરાબ થઇ ગઇ હતી અને છેલ્લાં એક વર્ષથી દવા પર જીવતી હતી. સોનિકાએ જ્યારે અપોલો હોસ્પિટલમાં તપાસ કરાવી તો ખબર પડી કે તેની બંને કિડની ખરાબ થઇ ગઇ છે. ડૉકટર્સે સોનિકાના બચાવા માટે બે ઉપાય આપ્યા હતા. એક તેને ડાયાલિસિસ પર રાખવામાં આને બીજું કિડની ટ્રાન્સપ્લાન્ટ કરાવામાં આવે. જો કે લાંબા સમયથી ડાયાલિસિસ શકય નથી આથી કિડની ટ્રાન્સપ્લાન્ટ એક માત્ર વિકલ્પ બચ્યો હતો.

સૌથી પહેલાં સોનિકાના માતા બનવારી દેવીનો કિડની માટે સંપર્ક કર્યો હતો પરંતુ તેમણે ના પાડી દીધી. ત્યારબાદ સોનિકાના પિતા અને ભાઇએ પણ કિડની આપવાની ના પાડી દીધી તો સાસુ ગણી દેવી કિડની દાન કરવા માટે તૈયાર થઇ ગયા અને તેમણે પોતાની વહુને દીકરી ગણાવી. સોનિકાને બે દીકરીઓ છે અને તે બંને માતાને સ્વસ્થ થતી જોવા માંગે છે. સોનિકાનું કહેવું છે કે મારા સાસુની હું ખૂબ જ આભારી છું કારણ કે તેમણે મને નવું જીવન આપ્યું છે.

આપને જણાવી દઇએ કે સાસુ અને વહુને લઇ સામાન્ય રીતે સંઘર્ષના સમાચાર મીડિયામાં આવે છે. સમાજમાં આ સંબંધને લઇ આજે પણ લોકોમાં ખાસ સકારાત્મક વિચાર આવતા નથી. સાસુ-વહુના સંબંધને લઇ ટીવી પર સિરિયલો પણ ઓછી નથી. એવામાં રાજસ્થાનનો આ કિસ્સો દુનિયાની તમામ સાસુ-વહુ માટે એક સારા સંબંધને સૌહાર્દથી સીંચવાનું શાનદાર ઉદાહરણ છે.