માતાના સ્તરે પહોંચનાર જ 'માસ્તર' કહેવાય - Sandesh

માતાના સ્તરે પહોંચનાર જ ‘માસ્તર’ કહેવાય

 | 2:11 am IST

રીલેશનના રિલેસન : રવિ ઈલા ભટ્ટ

‘The true teacher defends his pupils against his own personal influence.’

એમોસ બ્રોન્સન એલ્કોટે શિક્ષકો વિશે ખૂબ જ સુંદર વાત કરી છે. શિક્ષક કેવો હોવો જોઈએ તેવો સવાલ ઘણી વખત આપણા મનમાં ઊભો થતો હોય છે. ખાસ કરીને જ્યારે બીએડનો અભ્યાસ કરતી વ્યક્તિને આ સવાલ કરવામાં આવે ત્યારે તે અધ્યયન અને અધ્યાપનની વાતો કરીને એક ઉમદા વ્યાખ્યા રજૂ કરતી હોય છે. હકીકત તો એ છે કે, શિક્ષક ખૂબ જ સરળ વ્યક્તિત્વનું નામ છે. પોતાની માનસિકતા, પોતાના વિચારો, પોતાનું આચરણ ગમે તે હોય પણ પોતાની પાસે આવતા બાળકને શ્રેષ્ઠ બનાવવા તરફ મહેનત કરે તે શિક્ષક છે. આવા શિક્ષકોની ખરેખર ખોટ સાલી રહી છે.

હાલમાં સરકારે શિક્ષકોની પરિભાષા તથા પરિસ્થિતિ બદલી નાખ્યા છે. વિદ્યાનો સ્ત્રોત ગણાતા લોકો હવે વિદ્યા સહાયકો બની ગયા છે. સિમિત પગારમાં મસમોટી જવાબદારીઓ આપવાની. વધુમાં પૂરું વેકેશન હોય ત્યારે વસતી ગણતરી, ચૂંટણીની જવાબદારી અને બીજી ઘણી જવાબદારી આપે છે. તે વહીવટી બાબતો છે. ખાનગી સ્કૂલોમાં કામ કરતા શિક્ષકોને જોઈએ તો આપણને દયા આવે. ૨૫૦૦ રૂપિયા પગાર આપે, ૪૫૦૦ રૂપિયાના વાઉચર ઉપર સહિ કરાવે અને ટ્રસ્ટીઓ ઉપકાર કરતા હોય એમ કહે કે અમે તમને ટયૂશન કરવા દઈશું. આ બધી સ્થિતિએ શિક્ષકને માસ્તરના બદલે માસ્ટર બનાવી દીધો છે. સમાજને ડરાવીને પૈસા કમાવવાનો માસ્ટર. તમારું બાળક અંગ્રેજીમાં નબળું છે, મેથ્સ તો આવડતું જ નથી, સાયન્સમાં પાસ થવાના એંધાણ જ નથી વગેરે વાતો કરીને ટયૂશન કરાવી દેવાના. તેમાંય હવે તો મોટી મોટી સંસ્થાઓ ચાલે છે જે માત્ર ટયૂશન કરાવે છે અને લાખો રૂપિયા કમાય છે. ઘણી સંસ્થાઓ એવી છે જે ટયૂશન કરાવતી સંસ્થા તરીકે શરૂ થઈ હતી અને આજે મોટી મોટી સ્કૂલો બનાવીને બેઠી છે. શિક્ષણ પણ હવે કોર્પોરેટ કલ્ચર સુધી પહોંચી ગયું છે.

વાત આજે શિક્ષણના વ્યાપારીકરણની નહીં પણ એક શિક્ષકની કરવી છે. અત્યારે શિક્ષકોને સ્કૂલમાં અભ્યાસ કરાવવાની સાથે સાથે ઘર ચલાવવા ટયૂશનો કરવાની ફ્રજ પડી છે. આપણે એમ નથી કહેતા કે તેઓ મજબૂરીમાં જ કરે છે… ઘણાં શિક્ષણનો કળા તરીકે ઉપયોગ કરીને લાખો કમાય છે. વાત ટયૂશન કરવાની કે નહીં કરવાની નથી પણ વાત છે… નૈતિકતાની…. જે આપણે ચકાસવાની છે. એક શિક્ષકે પોતાની જાતનું જ મૂલ્યાંકન કરીને પોતાને જ ગ્રેડ આપવાના છે. તેણે પોતાનામાં રહેલી નૈતિકતા, કામ પ્રત્યેની શ્રદ્ધા, વિદ્યાર્થીઓની ઈચ્છાપૂર્તિની ક્ષમતા અને ચારિત્ર્યની પવિત્રતા જેવાં પાસાઓને ધ્યાનમાં રાખીને પોતાનું મૂલ્યાંકન કરવાનું હોય છે. આ મૂલ્યાંકનમાં શિક્ષકને ક્યાંય ઓછા માર્ક લાવવાની પરવાનગી જ નથી. આજીવન તેનું રિપોર્ટકાર્ડ અવ્વલ માર્ક જ બતાવતું હોવું જોઈએ.

આપણા સમાજમાં શિક્ષક માટે મહેતો કે પછી પંતુજી કે પછી ટીચર જેવાં અનેક શબ્દો વપરાતા હતા. હવે તેનું ચલણ ઓછું છે. આ શબ્દો કરતા તેનો અર્થ અને તેને ધારણ કરનાર વ્યક્તિ ક્યાંય ઉપર અને ઉચ્ચ સ્તરે હોય છે. શિક્ષક માટે સૌથી જૂનો અને સહજ શબ્દ છે ‘માસ્તર’. એક માતા પોતાના સંતાનોને જેમ જીવનનો પહેલો અક્ષર અને શબ્દ શીખવે છે તેમ શિક્ષક પણ જીવનનું જ્ઞાન આપવાની શરૂઆત કરે છે. શિક્ષક કોઈપણ હોય પણ તે માતાના સ્તરે જઈને બાળકને શિખવે તો જ તેને માસ્તર કહેવાય. બાકી માસ્તર કહીને શિક્ષકની મજાક કરવી સરળ છે. સ્કૂલમાં ભણાવે એ જ શિક્ષક એવું નથી હોતું. તમને જીવનના દરેક તબક્કે કંઈક ને કંઈક નવું શિખવે તેવા લોકો પણ છેવટે તો તમારા શિક્ષક જ છે. બાળપણમાં શિક્ષકો અને અન્ય લોકોની ટીકા સહન કરનાર મહાન વૈજ્ઞાનિક આલ્બર્ટ આઈન્સ્ટાઈને શિક્ષક વિશે ખૂબ જ વિચારપ્રેરક અને સચોટ વાત કરી છે. તેઓ એમ કહે છે કે શિક્ષક ક્યારેય શીખવતો નથી તે માત્ર શિક્ષણ માટેનું જરૂરી વાતાવરણ ઊભું કરે છે.

શિક્ષક વિશે સમાજ ગમે તે માને અથવા તો કહે પણ શિક્ષકનું સ્થાન ક્યારેય કોઈ નથી લઈ શકતું. નાના બાળકો માટે શિક્ષક આરાધ્ય હોય છે. સ્કૂલ જનારું નાનું બાળક હંમેશાં પોતાના શિક્ષકની જ વાત માનશે. તે પોતાના માતા-પિતાએ કહેલી વાતને પણ ખોટી ઠેરવીને કહી દેશે કે ના મારા ટિચરે આમ કહ્યું છે. આ શ્રદ્ધા સમગ્ર શિક્ષણપ્રથાને સાચવીને બેઠી છે. ઘણી વખત આ પ્રથાને લજવે તેવા કિસ્સા બહાર આવતા રહે છે પણ તેનાથી લોકોની શ્રદ્ધા ડગમગી જાય તેવું નથી. શિક્ષક આજે પણ એટલા જ આરાધ્ય છે અને ગુરુકુળો આજે પણ એટલા જ મહત્ત્વના સ્થાન ગણાય છે. શિક્ષક તો માતા કરતાં પણ ચઢિયાતો સાબિત થાય તેમ છે. માતા તો પોતાના સંતાનોને જાણતી હોય છે, પણ શિક્ષક પોતાના ક્લાસમાં રહેલા તમામ વિદ્યાર્થીઓની તમામ બાબતોને જાણતો હોય છે. બાળકોનું આ સ્તર જાણનાર વ્યક્તિ જ માસ્તર બની શકે. બાકી દુનિયામાં કેટલાય ટીચર અને ચીટર ફ્રતા હોય છે પણ તેઓ સન્માન નથી પામી શકતા. ટયૂશનીયા શિક્ષકો સારું પરિણામ લાવીને પૈસા કમાઈ શકશે, નામના કમાઈ શકશે પણ આત્મસંતોષ અને સન્માન નહીં કમાઈ શકે. સારા શિક્ષકો પોતાના ભણતર અને ગણતર દ્વારા જ વિદ્યાર્થીની કારકિર્દીને બેનમૂન શિલ્પમાં પરિવર્તિત કરી શકે છે. શિક્ષક દિવસે આવા બેનમૂન શિલ્પકાર સમાન તમામ શિક્ષકોને વંદન કરીએ.

[email protected]