માતૃત્વ એક સુંદર પડકાર - Sandesh

માતૃત્વ એક સુંદર પડકાર

 | 3:04 am IST

બાળઉછેર । દિપાલી ડાકવાલા

અત્યારના જમાનામાં સ્ત્રીઓ કેરિયર કોન્સિયસ બની છે. જેથી નોકરી કરતી સ્ત્રીઓની સંખ્યામાં વધારો થયો છે. એક સરવે મુજબ લગભગ ૫૬ ટકા મહિલાઓ જોબ કરે છે અને ઘણી બધી મહિલાઓ જોબ શોધી રહી છે. છેલ્લા કેટલાક સમયથી ભારતીય મહાનગરોમાં એવી મહિલાઓની સંખ્યા વધી રહી છે જે લગ્ન પછી કે માતૃત્વ ધારણ કર્યા પછી નોકરી છોડી દીધી હોય. તેનું કારણ પરિવાર કે બાળક પ્રત્યેની જવાબદારી હોઈ શકે. અત્યારના સમયમાં જો મહિલા માતૃત્વ ધારણ કર્યા પછી પણ જોબ કરવા માગતી હોય તો તેને પરિવાર, પાર્ટનર, ડે કેયર, બેબી સીટિંગ જેવી સુવિધા પ્રાપ્ત થાય છે. બાળકના આવ્યા પછી જે માતાઓએ જોબ છોડી તેનું મુખ્ય કારણ તેમને પરિવારનો સાથ ન હતો.

માતૃત્વનો પડકાર

ધારા નોઇડાની એક સોફ્ટવેર કંપનીમાં કાર્યરત છે. તેના ઘરે થોડા દિવસ પહેલા જ દીકરીનો જન્મ થયો. ૩ મહિનાનો માતૃત્વ અવકાશ મળ્યા પછી કંપનીએ તેને વર્કફ્રોમ હોમની સુવિધા આપી. જેથી તે કામ પણ કરી શકે અને દીકરીને પૂરતું ધ્યાન પણ આપી શકે. ધારા તેના પરિવાર સાથે રહેતી હતી જેથી ઘરની જવાબદારી બધાએ વહેંચી લીધી હતી. પણ ધારા જેવું સારું નસીબ બધાનું નથી હોતું. દિલ્હીમાં રહેતી ૩૦ વર્ષની હિના માર્કેટિંગ મેનેજર છે. તેને ત્યાં દીકરાનો જન્મ થયો હિના અને તેના પરિવારજન ખુશ હતા. હિનાએ ત્રણ-ચાર મહિના બાળકની પૂરી સંભાળ લીધી. પણ આ ખુશી વધારે ન ચાલી. બાળકની તબિયત લથડવા લાગી. ડોક્ટરે કહ્યું એ બાળકની એમ્યુનસિસ્ટમ વીક છે માટે તેને બ્રેસ્ટફીડિંગની વધારે જરૂર છે. આથી હિનાને જોબ છોડવી પડી. જેથી તે બાળક પર પૂરતું ધ્યાન આપી શકે.

નોકરી અને બાળક

પ્રેગ્નેન્સીના નવ મહિનાનો સમય ઘણો મુશ્કેલીભર્યો હોય છે પરંતુ સ્ત્રી પોતાના બાળક માટે બધું જ સહન કરી લે છે પરંતુ માતાની ખરી પરીક્ષા તો તો બાળકના જન્મ પછી શરૂ થાય છે. હાલના સમયમાં પરિસ્થિતિ વધારે કઠિન થતી જાય છે. સિંગલ ફેમિલી, ભરોસાપાત્ર હેલ્પર ન મળવો તથા નોકરીમાં પણ જવાબદારી વધતી જાય છે. આ માતા સામે એક મોટી ચુનોતી છે. દરેક મા પોતાના બાળકને જ પ્રાથમિક્તા આપે તે સ્વાભાવિક છે. જ્યારે બીજી બાજુ કેરિયરમાં બ્રેક લેવો એટલે રેસમાં પાછળ થઈ જવું. આને કારણે ઘણી સ્ત્રીઓ પોતાના આત્મવિશ્વાસ પણ ખોઈ બેસે છે.

મુશ્કેલીમાંથી રસ્તો

નોકરી અને પરિવાર વચ્ચે તાલમેલ બેસાડવો એ ઘણું અઘરું કામ છે પરંતુ આવા મુશ્કેલ સમયમાં પણ હકારાત્મક વિચાર અને સારા સમયની આશા એ ઘણી મદદ કરે છે. પરિવાર, પતિ કે સગાં સંબંધી પાસેથી મદદ લેવાથી આ કઠિન સમયમાંથી બહાર નીકળી જવાય છે.

દિનચર્યા બદલો

મા ના જીવનમાં ભરપૂર ઊંઘ પણ જરૂરી છે. પરંતુ જો તે વર્કિંગ વુમન હોય તો તેની દિનચર્યા અસ્તવ્યસ્ત થઈ જાય છે. બાળકનો જાગવાનો-સૂવાનો સમય સાચવવો પડે છે જેથી માતાને પૂરતી ઊંઘ નથી મળતી. બાળકની ઊંઘ ૧૪થી ૧૫ કલાકની અને માતાની ઊંઘ ૭થી ૮ કલાકની હોવી જરૂરી છે. આ સમસ્યાનો હલ એ છે કે બાળક ઊંઘે ત્યારે તમે થોડી ઊંઘ લઈ લો. બાકીના સમયમાં કિચન વર્ક, બહારનું કામ હોય કે થોડીક કાલની તૈયારી કરી લો. આ પ્રમાણે તમારી દિનચર્યાને વ્યવસ્થિત કરી થોડી હળવાશ અનુભવો.

વ્યાયામ કરો

પ્રસવ પછી વ્યાયામ કરવો જરૂરી છે. જેનાથી તમારા શરીરમાં જમાં થયેલી વધારાની ચરબી ઓગળે છે. તમારા શરીરમાં ઊર્જાનું સ્તર વધે છે. શરીર મજબૂત બને છે. અને તનાવથી પણ મુક્તિ મળ છે. જો વધારે સમય ન હોય તો અઠવાડિયામાં ત્રણ-ચાર દિવસ ૩૦થી ૪૫ મિનિટનું વર્કઆઉટ જરૂર કરો. જો જિમમાં ન જઈ શકતા હોવ તો ડોક્ટરની સલાહ મુજબ ઘરમાં જ વ્યાયામ કરો. બાળક થોડું મોટું થાય પછી તેની સાથે હલકી-ફૂલકી વોક પણ કરી શકો. થોડો સમય એકાંતમાં રહી ધ્યાન કરો. વ્યાયામ કરવાની તમારી ચુસ્તી-સ્ફુર્તીમાં વધારો થશે. જો એકમાં ખુશ હોય તો બાળક અને પરિવાર પણ ખુશ હાલ રહે છે.

ખાણીપાણી પર ધ્યાન આપો

  • મા અને બાળકને હેલ્થી ડાયેટ મળવી જોઈએ. પ્રસવ પછી માતાને ખાનપાન પર વધારે ધ્યાન આપવું જોઈએ. બાળક ફીડિંગ કરતું હોય એટલે માતાના ખાનપાનની બાળક પર સીધી અસર પડે છે. ફળ, લીલા શાકભાજી, અનાજ, કઠોળ પ્રોટીન યુક્ત આહાર લેવો જોઈએ. દૂધ વધારે પીવું જોઈએ.
  • પ્રસવ પછી ફાસ્ટફૂડ, જંક ફૂડનો ત્યાગ કરવો. રેસ્ટોરન્ટ કે બહારથી ખાણીપીણીથી દૂર રહેવું તે માતા અને બાળકના સ્વાસ્થ્ય માટે જરૂરી છે. તીખું-તળેલું કે વધારે પડતું ખાટું ખાવું નહીં.

બ્રેસ્ટ ફીડિંગ કરાવો

બધા જ ડોક્ટર આ વાત પર સહેમત છે કે બાળકનો સર્વોત્તમ આહાર એટલે બ્રેસ્ટ ફીડિંગ તેમાં પણ શરૂઆતના છ મહિના મહત્ત્વના છે. જો તમે વર્કિંગ વુમન હોવ તો ત્રણ મહિના મેટરનિટી લીવ મળે તે સમયે બાળકને સાચવી લો, બધી જ રીતે તેની સાર-સંભાળ કરો. ઘણી કંપની વર્ક ફ્રોમ હોમ અથવા તો પાર્ટટાઇમ જોબની ફેસિલિટી આપે છે. પરંતુ તે શક્ય ન હોય તો વિકલ્પ પસંદ કરવો જોઈએ. માર્કેટમાં બ્રેસ્ટપંપ મળે છે. જે બાળકની જરૂરતને ધ્યાનમાં રાખીને બનાવવામાં આવે છે. જો તમારે બહાર જવું પડે તો તમે બ્રેસ્ટ પંપનો ઉપયોગ કરી શકો. જેનાથી બાળકને પૂરતું પોષણ મળે અને માની કમી ન લાગે. બજારમાં ઇલેક્ટ્રિકલ, મેન્યુઅલ, સિંગલ કે ડબલ બ્રેસ્ટના પંપ મળે છે, તમારી જરૂરિયાત મુજબ તમે તેનો ઉપયોગ કરી શકો. હા, પણ તેનો ઉપયોગ કર્યા પછી સફાઈ પ્રત્યે સાવધાની રાખવી ખાસ જરૂર છે.

અપરાધ બોધથી બચો

તમે જોબ કરતા હોવ તો પહેલીવાર બાળકને મૂકીને ઓફિસ જવું ખૂબ પીડાદાયક છે. આ પરિસ્થિતિ તેને અપરાધ બોધ કરાવે છે. જેને કારણે તે તનાવગ્રસ્ત રહે છે. આવી વિપરીત અસર બાળક પર અને તેના કેરિયર પર પડે છે. પોતાની જાતને માફ કરી અપરાધ બોધમાંથી બહાર નીકળવું જરૂરી છે. અઠવાડિયામાં ત્રણ-ચાર દિવસ યોગ કરો. ધ્યાન કરો, બાળકને ગીત કે લોરી સંભળાવો, બાળક સાથે તમે પણ બાળક બની ધીંગામસ્તી કરો. મુક્તમને હસો અને હળવાશ અનુભવો. પરિસ્થિતિને સરળ અને સહજ બનાવવાની કોશિશ કરો. તેની માટે જરૂર પડે તો પતિ, પરિવાર કે સગા સંબંધીની મદદ લો. પરંતુ જો તનાવ વધી જાય અને વર્તન થોડું અસ્વાભાવિક લાગે તો તરત જ ડોક્ટરનો કન્સલ્ટ કરો.

મા બનવું તે જિંદગીની સૌથી રોમાંચક, અદ્ભુત અને ખુશીથી ભરેલી અનુભૂતિ છે, પરતું તે એક કસોટીથી કમ નથી. બાળકનું પરિવારનું અને છેલ્લે પોતાનું ધ્યાન દરેકમાં એ રાખવું જોઈએ.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ સંદેશ ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો Sandeshની નવી મોબાઇલ એપ્લિકેશન