Moving on is easy to say but very difficult to live with

મૂવ ઓન કહેવું સહેલું પણ જીવવું ખૂબ મુશ્કેલ

 | 7:12 pm IST

રીલેશનના રિલેસન :- રવિ ઈલા ભટ્ટ

ગત અઠવાડિયે મારા કોલેજકાળના એક મિત્રને મળવાનું થયું. મને ખાસ મળવા માટે એ આવ્યો હતો. તેની સમસ્યા એટલી અદ્ભુત હતી કે કલ્પના પણ કરી શકાય તેમ નહોતી. તેણે આવીને વાત શરૂ કરી. મને કહેવા લાગ્યો તને યાદ છે પેલી દિશા. પહેલાં તો મને યાદ ન આવી પણ પછી યાદ કરાવ્યું કે મારી સાથે સ્પેશિયલ ગુજરાતીમાં હતી એ. મને યાદ આવી ગઈ. તે આગળ વધ્યો. મેં તેને થોડું હેરાન કરવા કહ્યું કે, હા દિશા… સાગર સાથે મેરેજ કરીને લંડન જતી રહી હતી એ. તેણે કહ્યું હા, એ જ. બસ…ખુશ. એક સમય હતો જ્યારે મારો મિત્ર અને દિશા ગળાડૂબ પ્રેમમાં હતાં. એમ જ લાગતું હતું કે, મેડ ફેર ઈચ અધર છે. કોલેજમાં ઘણા લોકોને તેમના પ્રેમની ઈર્ષા આવતી હતી. તેણે આગળ વાત વધારતાં કહ્યું કે, પંદર દિવસ પહેલાં તે મારા ઘરે આવી ગઈ. સદનસીબે હું ઘરે એકલો જ હતો. મારી પત્ની અને પુત્ર વેકેશન કરવા ગામડે ગયા હતા. દિશાએ આવીને કહ્યું કે, તે મારા જીવનમાં પાછી આવવા માગે છે. સાગરે મને ક્યારની છોડી દીધી. ઈનફેક્ટ, તરછોડી દીધી. લંડન ગયા પછી બે વર્ષ બાદ અમે ભારત આવી ગયાં હતાં. તેના ગામડિયા પરિવાર સાથે રહેવાનું મને ફવતું નહોતું. તે અમદાવાદ આવીને સેટલ થવા તૈયાર નહોતો. તેની પાસે પૈસા પુષ્કળ છે પણ પ્રેમ નથી. યાર, મને આઘાત લાગ્યો કે જેને પામવા હું આટલો તરફ્ડતો હતો તે મને તરછોડીને જતી રહી હતી અને હવે અચાનક મારા જીવનમાં આવવા માગે છે. જે મારી જિંદગીને ‘મૂવ ઓન’ કહીને ચાલી ગઈ હતી તે અચાનક આવી છે અને હવે જિંદગીને પોઝ કરીને તેમાં એન્ટ્રી લેવા માગે છે. હું તેને કેવી રીતે પ્રવેશ આપી શકું. હવે આટલાં વર્ષે જ્યારે હું મારી પત્ની અને પરિવાર સાથે સેટલ છું, ખુશ છું, તેને ક્યાંય ભૂતકાળનાં પોટલાંઓમાં સરકાવી દીધી છે ત્યારે તે મારા વર્તમાન અને ભવિષ્યનો ભાગ બનવા અચાનક પ્રગટ થઈ ગઈ.

ત્યારપછી અમારે જે ચર્ચા થઈ એ બધી જવા દઈએ પણ એક વાત એવી છે કે જેને આપણે જોતાં જ મનમાં લાગણીઓની ગાડીઓ દોડવા લાગતી હતી, ધબકારા બુલેટ ટ્રેનની ગતિએ ચાલવા લાગતા હતા કે પછી તેના નામમાત્રથી ચહેરા પણ સ્મિત આવી જતું હતું. જેનાં સપનાં જોતાં આખી રાત પસાર થઈ જતી. તે વ્યક્તિ અચાનક છોડીને જતી રહે અને જીવન જ્યારે ફ્રીથી પાટે ચડયું હોય અને તે અચાનક સ્પીડ બ્રેકર બનીને સામે આવે ત્યારે શું? એક દાયકાના શૂન્યાવકાશ બાદ અચાનક તે તમારા જીવનમાં પ્રવેશ કરવા માગે. ઈનફેક્ટ, પરાણે પ્રવેશ કરવા માગે ત્યારે શું કરવું. એક કે દોઢ દાયકાની જિંદગી પસાર થયા પછી આવીને કહે કે આઈ એમ સોરી… આઈ મેડ એ મિસ્ટેક… ત્યારે સૌથી મોટો સવાલ જ એ થાય કે કરવું શું?

બે લોકો જ્યારે પ્રેમમાં કે સંબંધમાં હોય ત્યારે તેમની પાસે કોઈ કારણ હોતાં નથી. છૂટાં પડે ત્યારે હજારો કારણો હોય છે અને તે જ વ્યક્તિ પાછી જીવનમમાં આવવા માગે ત્યારે લાખો કારણો હોય છે. બે વ્યક્તિ છૂટી પડે ત્યારે વત્તે-ઓછે અંશે બંને વ્યક્તિનો વાંક હોય છે. તેનું કારણ એવું છે કે, બે લોકો જ્યારે એકબીજા સાથે રહેવા માગે, પ્રેમ કરવા માગે, સંબંધમાં રહેવા માગે ત્યારે તેમની પાસે એક જ દલીલ હોય છે કે, તું મને ગમે છે, હું તને પ્રેમ કરું છું. તે સમયે વ્યક્તિ કોઈપણ પ્રકારનાં એડજસ્ટમેન્ટ કરવા, કોમ્પ્રોમાઈસ કરવા તે તૈયાર હોય છે. તે સમયે ઊભી થતી ગમે તે પરિસ્થિતિને તે સહન કરવા તૈયાર હોય છે. જે ક્ષણે એમ લાગે કે હવે સંબંધ રાખવો નથી ત્યારે પાસા પલટાઈ જાય છે. પછી એક ક્ષણ માટે પણ કોમ્પ્રોમાઈસ કરવા માટે મન માનતું નથી.

હકીકતે આપણી જિંદગી આવી જ છે. પાણી જેવી. તેને જ્યાં… જેવી રીતે… ભરી રાખો તેવો આકાર તેને ધારણ કરવાની આદત પડી જાય છે. પાણીને તપેલીમાં ભરો તો તેના જેવો આકાર, ગ્લાસમાં ભરો તો તેના જેવો આકાર, બોટલમાં ભરો તો તેના જેવો આકાર… જ્યારે વહેતું છોડી દો તો નિરાકાર થઈને વહ્યા કરે છે. જિંદગીને પણ આવી રીતે જ ગમે તે આકારમાં સેટ થઈ જવાની અને છૂટી મૂકો તો વહેતા રહેવાની કુટેવ છે. આપણને સુખ આવે તો તેમાં વહ્યા કરીએ અને દુઃખ આવે તો તેમાં વહ્યા કરીએ. આપણે લાંબા સમય સુધી કોઈ એક પરિસ્થિતિમાં રહી શકતા જ નથી. આપણે બધું ભૂલી જવાની વાતો કરીએ છીએ પણ ખરેખર આપણે ભૂલી શકતા જ નથી. તેમાંય દુઃખની સાથે જોડાયેલી બાબતો, વ્યક્તિ કે ઘટનાઓને તો ક્યારેય નહીં. મનના ખૂણામાં ક્યારેક ને ક્યારેક તે ફંસની જેમ ખૂંચ્યા કરે છે.

જીવનના દરેક કે કોઈપણ તબક્કે આપણે મૂવ ઓન કહીએ છીએ પણ હકીકતે તેનું પાલન કરી શકીએ છીએ? જવાબ આપણને ખબર જ છે. મૂવ ઓન કહેવું જેટલું સહેલું છે તેટલું જીવવું અઘરું છે. કરિયર માટે, ફ્યુચર માટે, માતા-પિતા માટે અથવા તો ક્યારેક માત્ર ઈગો અને ગુસ્સાને કારણે છૂટી પડનારી બે વ્યક્તિ સમયના આવરણ ચડવાની સાથે ભૂતકાળના તાળા મેળવતી જ હોય છે. તેઓ જ્યારે સંબંધોની બેલેન્સશિટ તપાસે છે ત્યારે કંઈક જુદા જ તાળા મળતા હોય છે. આ બે વ્યક્તિમાંથી એક સમયનો મલમ લગાવીને ધીમેધીમે ઘા ભૂલી જાય છે જ્યારે બીજી વ્યક્તિ પ્રેક્ટિકાલિટીના નામે આગળ વધે છે પણ મન તો કણસતું જ હોય છે.

આવી વ્યક્તિ અચાનક સામે આવી જાય ત્યારે ખરેખર સમજાતું નથી કે શું કરવું… જે નથી મળ્યું અથવા તો એક તબક્કે જે ગુમાવી દીધું હતું તે મેળવી લેવું છે કે, પછી તેને હવે નકારી જ દેવું છે તેનો નિર્ણય કરવો અઘરો થઈ જાય છે. આપણે એ ભૂલી જઈએ છીએ કે લાગણીઓની ચોક્કસ ઋતુ છે. તેને ફ્રોઝન કરીને બીજી સિઝનમાં વાપરવા માટે મૂકી રખાતી નથી. જિંદગી સતત આગળ વધતી રહે છે. તેને અટકવામાં કે રિવર્સ જવામાં જરાય રસ નથી. આપણે આ સત્યને સ્વીકારતા જ નથી. કદાચ સામે આવી વ્યક્તિને પામી લેવાની ખેવના થઈ આવે, મનની અધૂરી તૃષ્ણા પૂરી કરવાની લાલચ જાગે પણ જ્યારે મનને ભૂતકાળ અને વર્તમાન સાથેની સરખામણી કરાવીએ ત્યારે સમજાશે કે જતું રહેલું હવે ફ્રીથી ખરેખર ભોગવી શકાશે નહીં. લાગણીઓની તીવ્રતા પહેલાં જેવી હશે જ નહીં અથવા તો રહેશે પણ નહીં. આવી લાગણીઓ માત્ર ટાઈમ મશીન જેવી હોય છે. તેમાં થોડા સમય માટે રહીને તમે ભૂતકાળની ફેન્ટસીને એન્જોય કરી શકો છો પણ તેમાં કાયમ માટે રહી શકતા નથી. ભૂતકાળમાં જવું કે રહેવું કોઈને પોસાય તેવું નથી અને કોઈ કરી શકે તેમ જ નથી. જે જતું રહ્યું છે તે પાછું આવે ત્યારે તમારી જરૂરિયાતો, જવાબદારી અને જિજીવિષા બદલાઈ ગયા હોય છે. મૂળ વાત એટલી જ છે, જે આપણે ઝંખતા હતા તે ભલે આજે સોનાના તાસકમાં આપણી પાસે સામે ચાલીને આવ્યું છે પણ આપણે તેનો સ્વીકાર કરી શકીએ એમ નથી. આપણે એ ભૂલી જઈએ છીએ કે, સમયની સાથે બધું જ બદલાઈ જાય છે. આપણે બદલાયા છીએ, સામેની વ્યક્તિ બદલાઈ છે. જ્યારે મૂવ ઓન કહીને નીકળી ગયા હતા ત્યારે તેને આગવું જીવવાની જવાબદારી તે જ ક્ષણથી આવી ગઈ હતી. તેને પોઝ કરીને આપણાથી ભૂતકાળમાં પરત જઈ શકાય એમ છે જ નહીં.

[email protected]

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ સંદેશ ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો Sandeshની નવી મોબાઇલ એપ્લિકેશન