ટીમ ઇન્ડિયામાં પસંદગીને લઈને મયંક અગ્રવાલને મળ્યા સારા સંકેત, જાણો કોણે કરી સ્પષ્ટતા - Sandesh
  • Home
  • Sports
  • Cricket
  • ટીમ ઇન્ડિયામાં પસંદગીને લઈને મયંક અગ્રવાલને મળ્યા સારા સંકેત, જાણો કોણે કરી સ્પષ્ટતા

ટીમ ઇન્ડિયામાં પસંદગીને લઈને મયંક અગ્રવાલને મળ્યા સારા સંકેત, જાણો કોણે કરી સ્પષ્ટતા

 | 5:45 pm IST

કર્ણાટકના બેટ્સમેન મયંક અગ્રવાલ આ ક્રિકેટ સિઝનમાં ત્રણેય ફોર્મેટમાં કુલ 2,141 રન બનાવી ચૂક્યો છે. તેમ છતાં શ્રીલંકા સામે યોજાનારી ત્રિકોણીય સિરીઝ માટે ભારતીય ટીમમાં સામેલ કરાયો નથી. તે અંગે મુખ્ય પસંદગીકાર એમએસકે પ્રસાદે સંકેત આપ્યા છે કે, મયંકને જલદી ભારતીય ટીમમાં તક મળી શકે છે.

પ્રસાદે કહ્યું કે, કોઈ પણ ખેલાડીને પોતાના સ્થાનને લઈ વ્યાકૂળ થવાની જરૂર નથી. અમારી કમિટી દરેક ખેલાડી સાથે વાત કરે છે. મેં તાજેતરમાં જ મયંક સાથે વાત કરી અને કહ્યું કે, ઘરેલુ ક્રિકેટમાં શાનદાર પ્રદર્શન બાદ હવે સિલેક્શન માટે તેનો નંબર લાગશે.

અમે અમારી સિલેક્શન પ્રક્રિયામાં એક પેટર્નને ફોલો કરીએ છીએ. દરેક નેશનલ ખેલાડી લાઇનમાં છે. મયંક એક સારો ખેલાડી છે અને મેં તેને જે સમજાવ્યું તેને તે સારી રીતે સમજી ગયો છે. તેણે મને કહ્યું કે, હું ઉતાવળ કરવા માગતો નથી. મયંકે આ સિઝનમાં રણજી ટ્રોફીમાં 1,160 રન, ટી-20 ટૂર્નામેન્ટમાં 228 રન અને વિજય હજારે ટ્રોફીમાં 723 રન બનાવ્યા છે.

ઉલ્લેખનીય છે કે, મયંકની ત્રિકોણીય સિરીઝ માટે ભારતીય ટીમમાં પસંદગી ન થતાં કર્ણાટક સ્ટેટ ક્રિકેટ એસોસિયેશનના સેક્રેટરી આર. સુધાકર રાવે સિલેક્ટર્સ પર સવાલ ઉઠાવતાં કહ્યું હતું કે, એક સિઝનમાં રેકોર્ડ 2,000થી વધુ રન બનાવ્યા છતાં તેને ભારતીય ટીમમાં સ્થાન અપાયું નથી. એવું લાગે છેકે, ટીમમાં માત્ર કેપ્ટન અને કોચના પસંદગીના ખેલાડીઓને જ સિલેક્ટ કરવામાં આવે છે.