એમએસપીમાં વધારો : ગુજરાત માટે ધૂળ અને ઢેફાં - Sandesh
NIFTY 10,491.05 +108.35  |  SENSEX 34,142.15 +322.65  |  USD 64.7300 -0.31
1.6M
1M
1.7M
APPS
  • Home
  • Columnist
  • એમએસપીમાં વધારો : ગુજરાત માટે ધૂળ અને ઢેફાં

એમએસપીમાં વધારો : ગુજરાત માટે ધૂળ અને ઢેફાં

 | 6:00 am IST

એગ્રોવર્લ્ડ

દેશનાં ૨૪ લાખ કરોડ રૂપિયાનાં બજેટમાં ૧૪ લાખ કરોડ રૂપિયા  ગ્રામીણ અને કૃષિ અર્થવ્યવસ્થાના સુધારા પર ખર્ચાશે છતાં કેન્દ્ર  સરકાર ખેડૂતોની આવક વર્ષ ૨૦૨૨ સુધી ડબલ થઈ જશે તેમ છાતી  ઠોકીને કહીં શકતી નથી, કારણ કે આ આંકડાઓની માયાજાળ છે.  હાલમાં એક ખેડૂત પરિવારની માસિક આવક માસ ૬,૪૨૬ રૂપિયા છે,  જે ઘરે ઘરે જઈ કચરો અને વાસીદું કરતા એક પરિવારની કુલ આવક  કરતાં પણ ઓછી છે અને આપણે કૃષિવિકાસનાં સોનેરી સપનાં  જોઈ રહ્યાં છીએ. વર્ષ ૨૦૧૫માં સરકારે કૃષિમંત્રાલયમાંથી નામ  બદલીને કૃષિ અને કિસાન કલ્યાણ મંત્રાલય નામ રાખ્યું છે પણ  ફ્કત નામ બદલવાથી ખેડૂતોનું કે કૃષિક્ષેત્રનું કલ્યાણ થતું  નથી. દેશનાં ૧૭ રાજ્યમાં કૃષિક્ષેત્રની સ્થિતિ સરકારના આંકથી  પણ બદતર છે. આપણે મહારાષ્ટ્ર, પંજાબ, આંધ્ર પ્રદેશ, ગુજરાત,  હરિયાણા, રાજસ્થાન અને મધ્ય પ્રદેશના આંકને ધ્યાને લઈને જ  કૃષિવિકાસની સમીક્ષા કરીએ છીએ. ગુજરાતમાં ડબલ ડિજિટમાં  કૃષિવિકાસદર છતાં ખેડૂતોને ભાવ મળી રહ્યા નથી તો જ્યાં  કૃષિક્ષેત્રની સ્થિતિ ખરાબ છે ત્યાં કલ્પના કરવી મુશ્કેલ છે. આ  વર્ષનું બજેટ એટલે ખેડૂતોને ખુશ કરી ચૂંટણીમાં મતની  રોકડી લણવાનું ગણિત છે. ૮ રાજ્યોની ચૂંટણી વચ્ચે રાજસ્થાન,  કર્ણાટક અને મધ્ય પ્રદેશ એ મહત્ત્વનાં રાજ્યો છે.

ખેડૂતોને ટેકાના ભાવ આપવાની શરૂઆત એ ૧૯૬૬-૬૭માં ઘઉંના  પાકથી થઈ હતી. આજે ૨૫ પાકોના ટેકાના ભાવ જાહેર થાય છે.  ટેકાના એટલે આખરના ભાવ પણ આજે ખેડૂતોને  ટેકાના ભાવ મળે તો પણ ખુશ છે. દેશભરમાં ખેડૂતોને ટેકાના  ભાવ પણ મળી રહ્યા નથી. વર્ષ ૨૦૧૬-૧૭માં સરકારે ટેકાના ભાવે  ખરીદી ન કરી હોત તો ખેડૂતોને ૩૬ હજાર કરોડ રૂપિયાનું નુકસાન  જવાની શક્યતા હતી. દેશમાં ટેકાના ભાવે ખરીદી માત્ર ૬ ટકાની આસપાસ રહે છે. ૯૪ ટકા ખેડૂતો એ બજારભાવ પર આધીન રહેવું પડે છે. આ ખેડૂતો પાસે  ઓછા ભાવે વેચાણ કરવા સિવાય છૂટકો નથી.

સરકારે આ બજેટમાં  ખેડૂતોના ખેતીખર્ચથી ૧.૫ ગણી એમએસપી કરવાની જાહેરાત કરી  વાહવાહી કરી છે પણ ટેકાના ભાવ ખેડૂતો માટે ટેકણ લાકડી પણ  સાબિત થઈ શકતા નથી. દેશભરમાં ટેકાના ભાવની ખરીદીમાં  પંજાબ અને હરિયાણામાંથી સરકાર ૬૦ ટકા ખરીદી કરે છે. બાકીની ૪૦  ટકા ખરીદી દેશભરમાંથી થાય છે. આમ ખેતીખર્ચથી દોઢ ગણી  એમએસપીના ભાવે સરકાર ખરીદી કરે તો પણ દેશભરના કૃષિક્ષેત્રને  ફાયદો થવાની શક્યતા નહિવત્ છે. દેશમાં હાલમાં પણ કપાસ  અને સોયાબીન સિવાય એક પણ પાકના ભાવ ટેકાથી વધારે નથી.

ગુજરાત માટે તો ટેકાના ભાવે ખરીદી ધૂળ અને ઢેફાં જેવી છે.  રાજ્યમાં આ ખરીફ સિઝનમાં મકાઈ, ચોખાની ખરીદી માટે ૫,૦૦૦  ટનના લક્ષ્યાંક મુકાયા હતા. રાજ્યમાં ટેકાના ભાવે ઘઉંની ખરીદીનો  પણ ખેડૂતોને ખાસ લાભ મળતો નથી. પ્રથમ વાર ગત વર્ષે  તુવેર અને આ વર્ષે મગફળીની રેકોર્ડબ્રેક ખરીદી થઈ છે. જેની તપાસ પણ સીટને સોંપાઈ છે. ગુજરાતમાં ૧૮ હજાર  ગામડાંઓ આવેલાં છે. ગામડામાં વસેલાં ૫૫ લાખ લોકોનો  મુખ્ય વ્યવસાય ખેતી અને પશુપાલન છે. કડવી વાસ્તવિકતા એ છે  કે, આ ખેડૂતોનું આર્થિક ભવિષ્ય એ ૮૯ ગામ નક્કી કરે છે. ૮૯  ગામના ૮૯ ક્લસ્ટર બનાવી રાજ્યના ૫૫ લાખ ખેડૂતોના  ખેતીખર્ચનો હિસાબ મંડાય છે અને ગુજરાતના ખેડૂતોના  પાકોની એમએસપી નક્કી થાય છે. એમએસપીમાં પણ સીએસીપી  તમામ રાજ્યોની ભલામણ મગાવીને સરેરાશ કાઢીને કેબિનેટ  કમિટીને ટેકાના ભાવ માટે ભલામણ કરે છે. આખરે એમએસપી કેન્દ્ર  દ્વારા બહાર પડાય છે. ખરેખર ખેતીખર્ચ રાજ્યદીઠ અલગ-અલગ હોવા  છતાં એક જ લાકડીએ તમામને દોરવાના પ્રયત્નો થાય છે. આમ  ટેકાના ભાવ નક્કી કરતી વ્યવસ્થામાં જ છીંડાં હોવાથી ખેડૂતોને  ખેતીખર્ચથી દોઢ ગણી એમએસપી ચૂકવવાથી પણ કૃષિક્ષેત્રનો  વિકાસદર વધે તેવી સંભાવના ઓછી છે.

વર્ષ ૨૦૨૨માં ખેડૂતોની આવક ડબલ કરવી હોય તો ૧૨થી ૧૩  ટકાના દરે વૃદ્ધિ કરવાના ટાર્ગેટ સામે આ વર્ષે કૃષિવિકાસદર ઘટીને  ૨.૧ ટકા રહેવાનો સરકારે અંદાજ મૂક્યો છે. ખેડૂતોની આવક  વધારવા સરકારે ૧૦૦ અબજ રૂપિયાની નિકાસનો લક્ષ્યાંક તો મૂક્યો  છે પણ વર્ષ ૨૦૧૩-૧૪થી નિકાસ કરતાં એગ્રિ આયાતનું પલ્લું  ભારે થતું જાય છે. ક-સમયની આયાતોને પગલે સ્થાનિક  ખેડૂતોને પાકના ભાવ મળતા નથી. બજેટમાં કૃષિક્ષેત્ર માટે  ફાળવણીમાં વધારો એ આવકાર્ય છે પણ સચોટ રોડમેપના અભાવે  સરકારનાં લક્ષ્યાંકો પૂર્ણ થાય તેવી સંભાવના ઓછી છે.