Mucosal (mucus cyst): Causes, symptoms and cure
 • Home
 • Featured
 • મ્યુકોસેલ (મ્યુક્સ સિસ્ટ): કારણો, લક્ષણો અને ઉપચાર  

મ્યુકોસેલ (મ્યુક્સ સિસ્ટ): કારણો, લક્ષણો અને ઉપચાર  

 | 9:00 am IST

હેલ્થ :- ડો. મેખલા ગોયલ

મ્યુક્સ સિસ્ટનો સોજો આપણને મોઢામાં પ્રવાહી ભરેલા એક ફોલ્લા જેવો દેખાતો હોય છે. સામાન્ય રીતે તે ગલોફામાં (ગાલના અંદરના ભાગમાં) તેમજ હોઠની અંદરની કિનારી પર વધારે થતો જોવા મળે છે. જીવનકાળ દરમિયાન એક વખત તો દરેકને હોઠની અંદર પાણી ભરેલો આ ફોલ્લો અવશ્ય થયો તો હશે જ. આવો સોજો થવો કોઈ મોટી વાત નથી. સામાન્ય રીતે આ ફોલ્લો થોડા દિવસમાં એની જાતે જ પાછો બેસી પણ જાય છે. માનો કે થોડા દિવસમાં એ સોજો એની જાતે બેસી ન જાય તો પછી એને ગંભીર ગણવો, કારણ કે એવી સ્થિતિમાં એનાં અનેક કારણો હોઈ શકે છે. એ કારણોનો ઈલાજ કરવો જરૂરી બને છે. એમાં બે કારણો ખૂબ ગંભીર છે, એક મોંમાં આવેલી લાળ ગ્રંથિઓ પર થયેલી ઈજાના કારણે થતો મ્યુકોસેલ-મ્યુક્સ સિસ્ટ. અને બીજો કેન્સરના કારણે થતો મ્યુકોસેલ!

મોટાભાગે આ મ્યુક્સ સિસ્ટ (ફોલ્લો) નીચેના હોઠની અંદરના ભાગમાં વધારે પ્રમાણમાં થતો જોવા મળે છે. તે પહેલાં નાની ફોલ્લીના સ્વરૂપે દેખાય છે બાદમાં ધીરેધીરે તે મોટી થતી જાય છે. પાણી ભરેલી આ ફોલ્લીમાં કોઈ દુખાવો થતો નથી આ કારણે આપણે તેને એટલું મહત્ત્વ પણ આપતા હોતા નથી, પરંતુ જો સમય રહેતા તેનું નિરાકરણ કરવામાં ન આવે તો તે કાયમી ઘર પણ કરી શકે છે.

આ સમસ્યા સામાન્ય રીતે ૧૦થી ૨૫ વચ્ચેની વય ધરાવતાના લોકોમાં વધારે જોવા મળે છે. તેનો અર્થ એવો નથી કે આ સિવાયની ઉંમરના લોકોને આ સમસ્યા ન થઇ શકે. દરેક ઉંમરનાં સ્ત્રી, પુરુષ અને બાળકો આ સમસ્યાનો શિકાર બની શકે છે.

મ્યુક્સ સિસ્ટનાં કારણો  

 • ક્યારેક મોંમાં આવેલી લાળગ્રંથિ ઈજા પામે તો પણ મ્યુક્સ સિસ્ટ થઈ શકે છે.
 • આકસ્મિક રીતે હોઠ પર અથવા ગલોફામાં ચીરો પડયો હોય ત્યારે.
 • દાંતથી જીભ, હોઠ કે ગાલ અંદરથી કરડી ખવાયો હોય ત્યારે.
 • શરીરને માફક ન આવતી ટૂથપેસ્ટના વપરાશથી રિએક્શન સ્વરૂપે
 • દાંત ત્રાંસા તેમજ વાંકાંચૂકાં હોવાથી સતત ગાલ પર ઘસાયા કરે તો.
 • દાંતની વ્યવસ્થિત રીતે સફાઈ ન થતી હોય તો દાંત પર પ્લેક કહેવાતી છારી બાઝી જાય તો એના રિએક્શનથી પણ મ્યુક્સ સિસ્ટ થઈ શકે છે.
 • ઉપરોક્ત દર્શાવેલાં કારણો ઉપરાંત, તણાવમાં હોઈએ ત્યારે ઘણાને હોઠ કરડવાની તેમજ ચાવવાની આદત હોય છે તેના કારણે પણ મ્યુક્સ સિસ્ટ થઈ શકે છે.
 • માનસિક તણાવ એ મ્યુક્સ સિસ્ટ સાથે સંકળાયેલાં સૌથી વધુ જોખમો પૈકીનું એક છે.

મ્યુક્સ સિસ્ટનાં લક્ષણો  

 • પાણીવાળો ફોલ્લો (મ્યુક્સ સિસ્ટ) ગંભીર છે કે સામાન્ય એ તેના સોજાના આધારે જાણી શકાય છે. એટલે કે, ચામડીની ઉપર જ હોય, એકાદ સેન્ટમીટર જેટલું નરમ સોજા જેવું ઉપર આવે તો સામાન્ય ગણાય છે.
 • ચામડીમાં ઊંડે થાય તો ગોળ દાણા જેવું ઉપસી આવ્યું હોય, થોડું કઠણ અને સફેદ રંગનું જોવા મળે તો તેઓ મ્યુક્સ સિસ્ટ ડાયાબિટીસનું લક્ષણ પણ હોઈ શકે.

ડોક્ટરની મુલાકાત ક્યારે લેવી? 

તમને લાગે કે મ્યુક્સ સિસ્ટનો સોજો આઠ-દસ દિવસ થયા છતાં ઊતરતો જ નથી અથવા દિવસે દિવસે વધતો જાય છે. મ્યુક્સ સિસ્ટના કારણે મોંમાંથી દુર્ગંધ આવે છે એવું જણાય ત્યારે, મ્યુક્સ સિસ્ટની સાથે તાવની અસર વર્તાતી હોય ત્યારે આ સોજાને ગંભીર ગણી વહેલી તકે નજીકના ડોક્ટરની મુલાકાત લેવાની સલાહ છે.

પાણીવાળો સોજો કઠણ બની ગયો હોય અને મહિનાઓ સુધી દુખાવો રહેતો હોય ત્યારે પણ ડોક્ટર પાસે તપાસ કરાવવી જરૂરી છે.

ડોક્ટર મુકોસેલનું નિદાન શી રીતે કરશે? 

ડોક્ટરને જરૂરી લાગશે તો તેમાંથી એકાદ રેસો લઈ તેને બાયોપ્સી માટે મોકલશે. આથી એક વાતની ખાતરી થાય કે મ્યુક્સ સિસ્ટ થવાનું કારણ કેન્સર નથી. જોકે જવલ્લે જ એવું બને છે કે આ મ્યુક્સ સિસ્ટ કેન્સરના કારણે થયું હોય.

બાયોપ્સીની જરૂર ક્યારે પડી શકે છે?  

મોટાભાગે મ્યુક્સ સિસ્ટ થવાનું દેખીતું કોઈ કારણ ન હોય, એટલે કે દાંતથી ગાલ કે હોઠ કરડી ન ખવાયા હોય, દાંત વાંકાચૂંકાં ન હોય, અકસ્માતમાં મોંમાં કોઈ ઈજા ન થઈ હોય, દાંતમાં પ્લેક ન હોય વગેરે કોઈ જ કારણ ન હોય ત્યારે ડાયાબિટીસ અથવા કેન્સરની શંકા થઈ શકે છે ત્યારે બાયોપ્સી કરાવવાની જરૂર પડે છે.

મ્યુક્સ સિસ્ટ માટેની સારવાર  

ઘરમાં ક્યારેય સોજાને દબાવીને ફોડવાનો કે તેમાંથી પ્રવાહી દૂર કરવાનો પ્રયાસ કરવો નહીં, કારણ કે તેનો ચેપ આખા મોઢામાં લાગવાની સંભાવના રહે છે અને અન્ય પેશીઓને નુકસાન પહોંચાડી શકે છે.

લેસર થેરેપીઃ આ પ્રક્રિયામાં લેસર પ્રકાશનાં નાનાં બિંદુનો ઉપયોગ કરે છે જે મોઢામાં થયેલા સોજાને બાળીને બેસાડી દે છે.

ઇન્ટ્રલેસીઓનલ ર્કોિટકોસ્ટેરોઇડ ઈન્જેક્શનઃ આ પદ્ધતિ હેઠળ, ઈન્જેક્શન દ્વારા સ્ટિરોઇડને મ્યુક્સ સિસ્ટમાં દાખલ કરવામાં આવશે, તેનાથી સોજાના દુખાવામાં ઘટાડો થાય છે અને ઉપચાર પ્રક્રિયાને વેગ આપી શકાય.

ક્રાયોથેરાપીઃ આ ઉપચાર હેઠળ, પેશીઓને ઠંડી પાડીને મોંમાંથી દૂર કરવામાં આવે છે. મ્યુક્સ સિસ્ટ ગંભીર હોય તેવા કેટલાક કિસ્સાઓમાં તેને ર્સિજકલ પદ્ધતિથી દૂર કરવાની ભલામણ કરવામાં આવે છે. કેન્સરનો પોઝિટિવ રિપોર્ટ હોય તો એની સાથે જોડાયેલી અનેક ગ્રંથિઓ પણ સર્જરીમાં કાઢી નાખવામાં આવે છે. સર્જરી પછી બે-એક વર્ષ સારવાર લેવી જરૂરી હોય છે.

તીવ્રતા અને તાણના પ્રકારને આધારે  

મ્યુક્સ સિસ્ટ માટેનો ઘરગથ્થુ ઉપચાર આ પ્રમાણે છેઃ ગરમ પાણીમાં મીઠું નાખીને તેને મોઢામાં થોડીવાર માટે ભરી રાખો. તમારા ગાલ અને હોઠને સતત કરડવાનું કે ચાવવાનું ટાળો.  હોઠની ચામડી કઈ ક્રિયાથી વકરે છે એ શોધી કાઢો અને એ ક્રિયા ન કરો.  તાણના કારણે હોઠ ચાવવાની ટેવ હોય તો એ દૂર કરો. તાણ દૂર કરવા યોગ અથવા ધ્યાન અજમાવી જુઓ.  સુગરલેસ ચ્યુઈંગ ગમ ચાવવાનો અખતરો કરી જુઓ.

(તસવીર પ્રતીકાત્મક છે)

[email protected]

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ સંદેશ ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો Sandeshની નવી મોબાઇલ એપ્લિકેશન