'Mujhe raj chalana hai, banduk bhi rakhni hai': Sardar Patel
  • Home
  • Columnist
  • ‘મુજે રાજ ચલાના હૈ, બંદૂક ભી રખની હૈ’ : સરદાર

‘મુજે રાજ ચલાના હૈ, બંદૂક ભી રખની હૈ’ : સરદાર

 | 8:45 am IST
  • Share

ગાંધીજીના પ્રભાવથી બેરિસ્ટર વલ્લભભાઈ પટેલે સ્વાતંત્ર્ય સંગ્રામમાં ઝુકાવ્યું અને પ્રતિદિન એમાં એકાકાર થતા ગયા.

તા. 31મી ઑક્ટોબરે સરદાર વલ્લભભાઈ પટેલની જન્મજયંતી છે.

દેશમાં કાંઈ પણ બને છે ત્યારે સૌના હોઠ પર એક જ પ્રશ્ન હોય છે : ”આજે સરદાર સાહેબ હોત તો ?”

ભારતને આઝાદીની જાહેરાત બાદ સત્તાનું હસ્તાંતરણ કરવા આવેલા લોર્ડ માઉન્ટ બેટનને બે વર્ષ બાદ તા. 24-6-1949ના રોજ ખુદ સરદાર વલ્લભભાઈ પટેલે એક પત્રમાં લખ્યું હતું : ”દેશ માટે મેં જે કાંઈ કર્યું તેનું મૂલ્યાંકન આજના લોકમત દ્વારા નહીં પણ ભારતના ઇતિહાસકારો કરે તો તેનાથી મને સંતોષ થશે.”

અને આજે એટલા જ માટે બધાને થાય છે : ”આજે સરદાર સાહેબ હોત તો ?”

ગુજરાતના સામાન્ય ગરીબ કિસાન કુળમાં જન્મેલો બાળક, ખેડાની ખમીરવંતી ધરતીની ગોદમાં ઊછરીને આપબળે વકીલ બને છે. બેરિસ્ટરના અભ્યાસ અર્થે ઈંગ્લેન્ડ જાય છે. ત્રણ વર્ષનો અભ્યાસક્રમ અઢી વર્ષમાં પૂરો કરી ગોલ્ડ મેડલ સાથે બેરિસ્ટરની પદવી પ્રથમ વર્ગમાં પ્રાપ્ત કરે છે. વર્ષ 1913માં અમદાવાદમાં પ્રેક્ટિસનો પ્રારંભ કરી વકીલાત ક્ષેત્રે નામાંકિત બને છે.

પ્રારંભમાં રાજકારણથી અલિપ્ત રહેલા વિખ્યાત ધારાશાસ્ત્ર્રી વલ્લભભાઈને આ વ્યવસાયમાં યશ હતો, કીર્તિ હતી, વૈભવ હતો, લખલૂટ આવક પણ હતી. 1913થી 1917ના વર્ષોમાં વકીલ વલ્લભભાઈ પટેલની બેરિસ્ટર તરીકેની સરેરાશ માસિક આવક રૂ. 40,000 હતી. એ સાથે એમના આખરી દિવસોનું અવલોકન કરીએ તો 15મી ડિસેમ્બર, 1950માં સરદારનું અવસાન થયું ત્યારે નાયબ વડા પ્રધાનના એવા સરદાર પટેલનું બેંક બેલેન્સ માત્ર રૂ. 260 હતું.

સરદાર સાહેબ બોલ્યા હતા : ”હું ગાંધીજીની જમાતમાં ભળ્યો ત્યારે મેં થોડાં ઇંધણ લાકડાં ભેગાં કર્યાં  હતાં અને એ સળગાવીને કૌટુંબિક લાભો, મારી કારકિર્દી, મારો દરજ્જો બધું એમાં સ્વાહા કરી દીધું હતું.”

વડા પ્રધાનપદના સાચા હકદાર હોવા છતાં ગાંધીજીના આદેશને અનુસરી નાયબ વડા પ્રધાનપદ સ્વીકાર્યું, પરંતુ પ્રસિદ્ધ બ્રિટિશ પત્રકાર અને લેખક બ્રેશરીએ 1950ના વર્ષના પ્રારંભમાં નોંધ્યું છે : *નહેરુ સરકારના વડા છે, પણ સરકાર તો સરદાર પટેલ ચલાવે છે. “Nehru heads the Government, Sardar Patel runs it.”

સરદાર પટેલ તેત્રીસ વર્ષ જાહેરજીવનમાં રહ્યા. એમાં એમને ફાળે ખરેખર શાસનની સત્તા તો 15મી ઑગસ્ટ 1947થી 15મી ડિસેમ્બર, 1950 સુધીની એટલે કે સાડા ત્રણ વર્ષ કરતાં પણ ઓછો સમય નાયબ વડા પ્રધાનપદ ભોગવ્યું.  બાકીના ત્રીસેક વર્ષ તો આઝાદીની લડતોમાં અને જેલવાસમાં જ વીતી ગયાં.

1917માં ગાંધીજીના પ્રભાવથી બેરિસ્ટર વલ્લભભાઈ પટેલે સ્વાતંત્ર્ય સંગ્રામમાં ઝુકાવ્યું અને દિન-પ્રતિદિન એમાં એકાકાર થતાં ગયા. 1919માં તો પોતાની લાખો રૂપિયાની આવકવાળી વકીલાત છોડી પોતાનું જીવન દેશને સમર્પિત કરી દીધું. આ નેકદિલ માણસને મન સાચું તે સાચું અને ખોટું તે ખોટું પારખવાની અજબ શક્તિ હતી. ગાંધીજીની સચ્ચાઈ અને વાણી-વર્તનના સુમેળ વિશે ખાતરી થતાં જ સરદારે એમને નેતા તરીકે સ્વીકાર્યા અને આજીવન આ નેતાને અનુસર્યા. આમ છતાં પોતાની વિવેકબુદ્ધિ કે પોતાનું દૃષ્ટિબિંદુ ધરાવવાનો હક સરદારે કોઈનેય સુપરત કર્યો નહોતો, ગાંધીજીને પણ નહીં. કેટલાય બનાવોમાં એમનો મત ગાંધીજીથી જુદો પડતો ત્યારે જાહેરમાં પણ પોતાના વિચારોને વ્યક્ત કરતા. ઉદાહરણ તરીકે દેશના સંરક્ષણ અંગે ગાંધીજી સાથેનો એમનો વિચારભેદ સરદાર સાહેબે આ શબ્દોમાં સ્પષ્ટ કર્યો હતો : *મુઝે રાજ ચલાના હૈ, બંદૂક રખની હૈ, તોપ રખની હૈ, આર્મી રખની હૈ. ગાંધીજી કહતે હૈં કી કુછ ન કરો. તો વહ મૈં નહીં કર શકતા. ક્યોં કિ મૈં તીસ કરોડ કા ટ્રસ્ટી હો ગયા હૂં. મેરી જિમ્મેદારી હૈં કિ મૈં સબ કી રક્ષા કરું. દેશ પર હમલા હોગા તો મૈં બરદાસ્ત નહીં કરુંગા ક્યોં કિ મેરી જિમ્મેદારી હૈં. મૈંને ગાંધીજી કો કહા, ‘આપકા રાસ્તા અચ્છા હૈ, લેકિન વહાં તક મૈં નહીં જા પાતા હૂં.”

તેઓ ઓલ ઇન્ડિયા કોંગ્રેસ કમિટીના મહામંત્રી બન્યા. એ સમયે જમનાલાલ બજાજ કોંગ્રેસ પક્ષના કોષાધ્યક્ષ હતા. શેઠ જમનાલાલ બજાજના અવસાન પછી કોંગ્રેસ કારોબારીએ સરદાર વલ્લભભાઈની કોંગ્રેસના કોષાધ્યક્ષપદે નિમણૂક કરી. આ હોદ્દો તેઓએ જિંદગીના અંત સુધી સંભાળ્યો અને શોભાવ્યો. એના ઉદાહરણ તરીકે એક પ્રસંગનું સ્મરણ કરીએ તો 1950માં સરદાર અવસાન પામ્યા ત્યારે કોંગ્રેસ પક્ષનું ભંડોળ રૂ. 28 લાખ હતું.            

સરદારની નાદુરસ્ત તબિયતને કારણે કામનું ભારણ ઓછું થાય તે માટે સરદારનાં પુત્રી મણિબહેને રૂપિયા અઠ્ઠાવીસ લાખથી વધુ રકમનું બૅન્ક બેલેન્સ તથા પક્ષના ફંડની આવક-જાવકનો તમામ હિસાબ દર્શાવતાં કાગળો કોંગ્રેસ પ્રમુખ ટંડનજીને સુપરત કર્યાં ત્યારે ટંડનજીની આંખો સજળ બની ગઈ હતી. તેમના મુખમાંથી શબ્દો સરી પડયા હતા : *ધન્ય સરદાર તમારી પ્રામાણિકતાને !* 

ટંડનજીએ કૉંગ્રેસ કારોબારીની બેઠકમાં સરદારને શ્રાદ્ધાંજલિ આપતાં આ હકીકત જાહેર કરી ત્યારે વડા પ્રધાન નહેરુએ આૃર્ય સાથે એવા ઉદ્ગાર કાઢયા : ”હું તો માની પણ શકતો નથી કે કૉંગ્રેસ પક્ષ પાસે અઠ્ઠાવીસ લાખ જેવું ભંડોળ હશે !” માજી કૉંગ્રેસ પ્રમુખ અને ઇતિહાસકાર પટ્ટાભિ સિતારામૈયાના શબ્દોમાં સરદારને ઓળખીએ તો ”એમની પાસે પોતાની અંગત કહી શકાય એવી કોઈ મિલકત નહીં, જણસ પણ નહીં, માત્ર પહેરવાનાં બે-પાંચ કપડાં, અવસાન સમયે નજીવું બૅન્ક એકાઉન્ટ.”

સરદારના જીવનવ્યવહારમાં અકિંચન સ્વરૂપના સમ્યક્ દર્શન કરાવતા અનેક પ્રસંગો મળી આવે છે… મહાવીર ત્યાગીએ મણિબહેનની સાડીમાં એક મોટું થીંગડું જોઈને મણિબહેનની મજાક કરી, *તમે એક શક્તિશાળી બાપની દીકરી છો, તમે દેશના નાયબ વડા પ્રધાન અને ગૃહપ્રધાન એવા સરદારના દીકરી થઈ તમે સાંધેલાં કપડાં પહેરતાં શરમાતાં નથી.*

આ સાંભળી સરદાર તાડૂકી ઊઠયા, *ગરીબ માણસની દીકરી છે. સારા કપડાં ક્યાંથી લાવે ? એનો બાપ થોડો કંઈ કમાય છે ?*

સરદારે એમના ચશ્માંનું ખોખું બતાવ્યું. જે 20 વર્ષ જૂનું હતું. એમનાં ચશ્માંની એક જ દાંડી હતી. બીજી બાજુએ દોરો બાંધ્યો હતો. એ જ રીતે એમની ઘડિયાળ ત્રણ દાયકા જૂની હતી અને પેન દસ વર્ષ જૂની હતી. ડૉ. સુશીલા નાયરે નોંધ્યું છે, *મણિબહેન નિયમિત રેંટિયો કાંતેે ને એમાંથી જ સરદારની કફની અને ધોતિયા બને છે. એ કપડાં જ્યારે ફાટી જાય ત્યારે એને કાપી સીવીને સાંધીને મણિબહેન પોતાનાં કપડાં બનાવે છે.*

સરદાર નાયબ વડા પ્રધાન હતા ત્યારે વી. શંકર એમના અંગત સચિવ હતા. તેઓએ સરદારના પક્ષ વ્યવહારનાં બે પુસ્તકો પ્રસિદ્ધ કર્યાં છે. એમણે લખ્યું છે, *અંગત ઉપયોગ માટે થતાં ફોનનું અલગ રજિસ્ટર રાખવામાં આવતું અને સરદાર પોતાના ખિસ્સામાંથી એ રકમ ભરપાઈ કરતાં… ખાનગી કામ માટે સરકારી વાહનનો ઉપયોગ સરદાર નહોતા કરતા. પોતાની જૂની અંગત ગાડી વાપરતા… પક્ષ તેમ જ ખાનગી પત્રવ્યવહારનો ખર્ચ પોતે ભોગવતા… સરકારી પ્રવાસ કરે તો પણ પ્રવાસભથ્થું લેતાં નહોતાં… નાદુરસ્ત તબિયત હોવા છતાં રોજના 18 કલાક કામ કરતાં… નહેરુ વિદેશ ગયેલા, એ સમયગાળામાં સરદાર વડા પ્રધાનપદનો હવાલો સંભાળતા હતા… સરદારે પ્રધાનો અને કર્મચારીઓના પગારમાં 15 ટકા કાપ મૂક્યો અને દરેક સરકારી ખાતાંને કરકસર કરવાની સૂચના આપી. એનાથી લગભગ રૂપિયા 80 કરોડની બચત થઈ હતી. આ આંકડો વર્ષ 1949નો છે.

આમ ગાંધીજીની જેમ સરદાર પણ આજીવન અકિંચન રહ્યા હતા. એમના અંતકાળે તેમની પાસે પોતાની અંગત મિલકત જેવું ગણાય તેમાં ચારેક જોડી કપડાં, બે જોડી ચંપલ, એક પતરાંની બેગ, રેંટિયો, બે ટિફિન, એલ્યુમિનિયમનો લોટો અને સગડી હતાં જે અમદાવાદમાં શાહીબાગ ખાતે આવેલા પૂર્વ કેન્દ્રીય મંત્રી દિનશા પટેલ દ્વારા સંચાલિત સરદાર રાષ્ટ્રીય સ્મારકમાં એમની સ્મૃતિરૂપે આજે પણ જળવાઈ રહ્યાં છે.

નીચે આપેલી લિંક્સ પર ક્લિક કરીને સંદેશ ન્યૂઝ સાથે જોડાઓ.

તમે અમને પર ફોલો કરીને સમાચાર મેળવી શકો છો.

તમારા ફોન પર લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ સૌથી પહેલા મેળવવા માટે હમણાં જ Sandesh ની મોબાઇલ એપ્લિકેશન ડાઉનલોડ કરો