મુઝે તો તેરી લત લગ ગઈ લગ ગઈ...! - Sandesh

મુઝે તો તેરી લત લગ ગઈ લગ ગઈ…!

 | 12:14 am IST

અત્ર-તત્ર :- માખન ધોળકિયા

સ્કૂલમાં હતા ત્યારે ઘરનું કોઈપણ કામ હોય તો દોસ્તને પકડી લેતા, ચાલ ને! મારે જરાક આટલું કામ છે! અને દોસ્ત પણ સાથે ચાલી નીકળતો હતો. ધીમે ધીમે સ્થિતિ એવી થઈ કે કોઈપણ કામે ક્યાંય જવું હોય તો અને જો સાથે આવનાર દોસ્ત ન હોય તો જવાની ઈચ્છા જ ન થાય! કામ સાવ અટકી પડે!!! કારણ કે દોસ્તના સંગાથની લત પડી ગઈ હતી.

વિશ્વવિખ્યાત પોપ ગાયક માઈકલ જેક્સન પોપ મ્યુઝિક ઈન્ડસ્ટ્રીમાં મહાન ગણાય છે. પરંતુ પોતાના દરેક ગીત માટે અવાજની પિચ અને ડાન્સ મૂવ અગાઉ કદી ન આવી હોય એવી યુનિક બનાવવા માટે એ સતત અને સખત મહેનત કરતો હતો. ગોરા બનવા માટે જાતજાતની સર્જરીઓ કરાવતો રહેતો હતો. પરિણામે એનું શરીર દર્દનું ગોડાઉન બની ગયું હતું. એની હાલત એવી થઈ ગઈ હતી કે રાત પડતાં ઊંઘ જ ન આવે. ઊંઘ લાવવા માટે એ ડોક્ટર પાસે પરાણે રોજ રાત્રે એનેસ્થેશિયાના ઈન્જેક્શનો લેતો.

શરીર પર વાઢકાપ કરવી હોય તો એની પીડા ન થાય એટલા માટે એનેસ્થેશિયા આપવામાં આવે છે. એ આપતાં પહેલાં દર્દી અથવા એના સગાં પાસે લખાવી લેવામાં આવે છે કે એનેસ્થેશિયા આપ્યા પછી દર્દી અમૂક કલાકમાં એની અસરમાંથી મુક્ત થઈ ભાનમાં આવી જશે, પરંતુ સતત એવી શક્યતા રહેલી છે કે એ કદી ભાનમાં ન આવે! આ જોખમ સ્વીકારીને તમે એનેસ્થેશિયા આપવાની સંમતિ આપો છો!

નિરાંતે ઊંઘી શકાય એ માટે આ જોખમ રોજેરોજ રાત્રે માઈકલ જેક્સન ખેડતો હતો, કારણ કે એને અની લત લાગી ગઈ હતી.

એલેક્સા વિષે આપણે બધા જાણીએ છીએ. ટીવી ઉપરની જાહેરખબરે આપણો એની સાથે બરાબર પરિચય કરાવી દીધો છે અને જે લોકો એલેક્સા પાસે કામ લઈ રહ્યા છે એ લોકોનો તો પરિચય એટલો ઘનિષ્ઠ થઈ ગયો છે કે હવે એમને એલેક્સા વગર ચાલતું નથી. ઈન્ટરનેટ દ્વારા કામ કરતું આ એક એવું સાધન છે કે જે તમારો અવાજ સાંભળીને કામ કરવા લાગે છે. એમાં જાતજાતના ગીતો, બાળગીતો, વિવિધ ભાષામાં સમાચાર આપતી ચેનલો, ઈન્ટરનેટ થકી મળતી મોટાભાગની સગવડો એમાં મળી રહે છે. હવે કંપનીએ એમાં વિવિધ ભારતી સહિતના બધા જ રેડિયો સ્ટેશનો પણ જોડી દીધા છે. કંપની તો એલેક્સાનું વેચાણ વધારવા માટે એમાં સગવડો ઉમેરતી જાય છે. જેથી વધારેને વધારે ગ્રાહકો એલેક્સા ખરીદવા લલચાય. કંપનીને કે અન્ય કોઈનેય એ વાતની ચિંતા નથી કે એલેક્સાની લત પડી જશે તો માણસ જીવનમાં કશા કામનો નહીં રહે.

અત્યારે ઓલરેડી ઈન્ટરનેટ સામે ઝૂંબેશ ચાલી રહી છે, કારણ કે ઈન્ટરનેટની લત લાગી જાય અને છોકરા-છોકરીઓ કશા કામના ન રહે એવી ઘટનાઓ દિવસે દિવસે વધારેને વધારે પ્રમાણમાં બહાર આવતી જાય છે. નામ-સરનામું ગુપ્ત રાખવાની શરતે ૨૧ વર્ષનો એક યુવાન કહે છે, હું સ્કૂલમાં હતો ત્યારે ઘરમાં શિસ્ત જોરદાર હતી. માતા-પિતાની દેખરેખમાં રોજ માત્ર બે કલાક ટીવી જોવા મળતું. દોસ્તો સાથે બહાર રમવામાં પણ કલાકો બાંધેલા હતા. અભ્યાસનો પણ સમય બાંધલો હતો. એટલે સ્કૂલમાં મારૃં રીઝલ્ટ ખુબ સારૃં આવતું હતું. બારમા ધોરણમાં મારા ૯૨ ટકા માર્ક આવ્યા હતા. બધા ખુબ જ ખુશ હતા. પછીથી મને કોલેજમાં એડમિશન મળ્યું. પપ્પાએ મને અભ્યાસમાં મદદરૂપ થઈ શકે એ માટે લેપટોપ અપાવડાવ્યું.

હોસ્ટેલમાં લેપટોપ ઉપર ઈન્ટરનેટ દ્વારા અભ્યાસની સાઈટો જોતાં જોતાં કુતુહલવશ હું ઓનલાઈન ટીવી સીરીઝ અને ફિલ્મો જોવા લાગ્યો. એમાં મઝા આવી ગઈ. રોજેરોજ એકાદ ફિલ્મ કે સીરીઝ જોવાની મઝા આવવા લાગી. ધીમે ધીમે મને એમાં વધુને વધુ વીડિયો અને ફિલ્મો જોવાની લાલચ થવા લાગી. શરૂઆતમાં તો નક્કી કરેલું કે આવું શનિવારે જ કરવું. એમાં પોર્ન ફિલ્મો પણ જોવી ગમવા લાગી. ધીમે ધીમે કરતાં એવી દશા થઈ ગઈ કે દોસ્તોને મળવાનું બંધ થયું. હોસ્ટેલના રૂમની બહાર નીકળવાનું બંધ થયું. સતત લેપટોપ પર ફિલ્મ, ક્લિપ, સીરીઝ વગેરે જોતો રહેતો. સતત આખી રાત આ બધું જોયા પછી ઊંઘી જાઉં તો સવારે કોલેજ જવાની મઝા ન આવે. એમ કરતાં કોલેજ પણ છૂટી ગઈ. હું લેપટોપ ઉપર જ બેસી રહેવા લાગ્યો. મારી બોચી, કાંડું અને આંખો સતત દુખતા રહેતા હતા. પણ લેપટોપ પરથી દૂર જવાની ઈચ્છા જ નહોતી થતી. આખરે હું નાપાસ થયો. રીઝલ્ટ આવતાં ઘરના લોકોએ મને પાછો બોલાવી લીધો. ટોચના માર્ક લાવનાર દીકરો નાપાસ થયો એ આઘાતથીય મોટો આઘાત એમને ત્યારે લાગ્યો જ્યારે એમને ખબર પડી કે અભ્યાસમાં મદદરૂપ થવા અપાવેલું લેપટોપ મને બરાબર વળગ્યું છે અને મારૃં જીવન બરબાદ કરી રહ્યું છે. એ લોકો મને લેપટોપ વાપરવાની ના પાડે ઈન્ટરનેટ કનેક્શન બંધ કરાવી દે તો હું ઘરમાં રમખાણ કરી દેતો, અપશબ્દો બોલતો અને મારી પણ બેસતો હતો. આખરે એ લોકો મને ડોક્ટર પાસે લઈ ગયા. ડોક્ટરે કહ્યું કે મને ઈન્ટરનેટ એડિક્શન થઈ ગયું છે. મારી સારવાર પછી આજે હું ઈન્ટરનેટના બંધાણથી મુક્ત છું. મારી જાતને ભાગ્યશાળી માનું છું, પરંતુ ખુબ અફસોસ એ વાતનો થાય છે કે મારા જીવનના કિંમતી ચાર વર્ષ ઈન્ટરનેટના બંધાણમાં બરબાદ થઈ ગયા.

જો એવો વિચાર આવે કે આવું કોઈકને થઈ જાય, બધાને કંઈ થોડું બંધાણ થઈ જાય! તો જાણી લો કે બંધાણ છોડાવનાર કેન્દ્રમાં સારવાર માટે આવનાર ઈન્ટરનેટના બંધાણી દર્દીઓની સખ્યા એક જ વર્ષમાં ડબલ થઈ ગઈ છે. જે લોકો ઈલાજ કરાવવા નથી આવતા અને જીવનની બરબાદી સહન કરી રહ્યા છે એ બધાનો તો કોઈ આંકડો જ નથી! બિહેવિયરલ એડિક્શન ક્લિનિકના સર્વે મુજબ ૨૪.૮ ટકા લોકો ઈન્ટરનેટ કનેક્શન બંધ કરી દો તો કોઈ આપ્તજન મૃત્યુ પામ્યું હોય એવો ખાલીપો અનુભવે છે. માત્ર ૧૯.૬ ટકા લોકો સ્વીકારે છે કે એમને ઈન્ટેનેટનું બંધાણ છે. ૧૯.૪ ટકા લોકો ઈન્ટરનેટ વગર રહી જ શકતા નથી. અને ૧૩.૪ ટકા નાગરિકોએ ઈન્ટરનેટનું બંધાણ ન છોડી શકવાના કારણે જીવનમાં નોકરી, વ્યવસાય, પ્રગતિના અવસર તથા સંબંધો ગુમાવ્યા છે.

મનોવિજ્ઞાનીઓ કહે છે કે મોબાઈલ કે ઈન્ટરનેટનો ઉપયોગ તો બંધ કરી શકાય એમ નથી. હા, જાગૃતિ કેળવી શકાય અને પરિવર્તન કરી શકાય. જ્યાં વધારે પડતી શિસ્ત હોય ત્યાં જ વ્યક્તિ (ખાસ કરીને બાળક) મોજમસ્તી તરફ વધારે આકર્ષાય છે. અને ધીમે ધીમે મોજમસ્તીનું એ સાધન તેને બંધાણી બનાવી દે છે. પછી એ ધૂમ્રપાન હોય, સુરાપાન હોય, દોસ્તોની મહેફિલ હોય કે ઈન્ટરનેટ હોય! એટલે વડીલોએ પહેલાં સમજી લેવાની જરૂર છે, શિસ્તની કડકાઈને બદલે મુક્ત વાતાવરણમાં તર્કબદ્ધ સમજણ આપવાની ટેવ અપનાવવાની જરૂર છે.

[email protected]

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ સંદેશ ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો Sandeshની નવી મોબાઇલ એપ્લિકેશન