શું બિટકૉઇનના તર્જ પર જિયો કૉઇન લાવી રહ્યા છે મુકેશ અંબાણી? - Sandesh
  • Home
  • Business
  • શું બિટકૉઇનના તર્જ પર જિયો કૉઇન લાવી રહ્યા છે મુકેશ અંબાણી?

શું બિટકૉઇનના તર્જ પર જિયો કૉઇન લાવી રહ્યા છે મુકેશ અંબાણી?

 | 2:25 pm IST

શું મુકેશ અંબાણીના ટુ-ડુ લિસ્ટમાં હવે ક્રિપ્ટોકરન્સીનો વારો છે? એક રિપોર્ટના મતે રિલાયન્સ જિયો ઇન્ફોકૉમ પોતાની ક્રિપ્ટોકરન્સી જિયો કોઇન લાવવાની યોજના પર કામ કરી રહ્યાં છે. એક રિપોર્ટમાં દાવો કરાયો છે કે 50 સભ્યોનું એક દળ બ્લોકચેન ટેકનોલોજી પર કામ કરી રહ્યું છે. આ ટીમ મુકેશ અંબાણીના મોટા દીકરા આકાશ અંબાણીની દેખરેખમાં કામ કરી રહ્યાં છે.

આ રિપોર્ટ એવા સમયે આવ્યો છે જ્યારે સાઉથ કોરિયામાં ક્રિપ્ટોકરન્સી એક્સચેન્જો અને તેને માન્યતા આપનાર બેન્કો પર સરકારની કઠોર કાર્યવાહી કર્યા બાદ દુનિયાભરમાં બિટકોઇનની કિંમતોમાં મોટો ઘટાડો નોંધાયો છે. દક્ષિણ કોરિયામાં ક્રિપ્ટોકરન્સી એક્સચેન્જો પર તાળા મારવાની તૈયારીથી ક્રિપ્ટોકરન્સીની દુનિયામાં માંગનો સૌથી મોટો સ્ત્રોત સૂકાઈ જવાનો ડર છે. ઉલ્લેખનીય છે કે દુનિયાભરમાં ક્રિપ્ટોકરન્સીના વપરાશમાં એકલો 20 ટકા હિસ્સો દક્ષિણ કોરિયાનો છે.

બ્લુમબર્ગના આંકડા પ્રમાણે બિટકોઇનના ભાવ 12 ટકા તૂટીને 12801 ડોલર પર આવી ગયો છે. બાદમાં 6 ટકા સુધી સુધારો આવ્યો. ત્યાં રિપલ 14 ટકા જ્યારે ઇથેરિયમ 4 ટકા તૂટી ગઇ. જો કે દુનિયાભરની સરકારે ડિજિટલ કરન્સીના વધતા ભાવથી લોકોમાં તેના પ્રતિ દીવાનગી વધતા ચોંકી ગયા છે. લોકોથી લઇને વોલ સ્ટ્રીટ બેન્ક સુદ્ધાંને ક્રિપ્ટોકરન્સીસ આકર્ષી રહી છે.

ભારતમાં પણ નાણાંમંત્રી અરૂણ જેટલી અને રિઝર્વ બેન્ક ઓફ ઇન્ડિયા (આરબીઆઈ)એ પણ ચેતવણી આપી છે કે લોકો બિટકોઇનની લેવડદેવડ પોતાના રિસ્ક પર કરે. સરકારનું કહેવું છે કે દેશમાં બિટકોઇન સહિત કોઇપણ ક્રિપ્ટોકરન્સી માન્ય ચલણ નથી. જ્યારે રિઝર્વ બેન્કે કેટલીય વખત કહ્યું કે ક્રિપ્ટોકરન્સી બનાવી, તેનું ટ્રેડિંગ કરવું કે પેમેન્ટમાં તેનો ઉપયોગ કરવો કોઇપણ કેન્દ્રીય બેન્ક કે નાણાંકીય પ્રાધિકરણની તરફથી અધિકૃત નથી. નાણાં મંત્રાલય એ બિટકોઇન ટ્રેડિંગને પોંજી સ્કીમ જેવી ગણાવી દીધી.

જો કે જિયોએ ડિજિટલ કરન્સી બનાવા સાથે જોડયેલ કોઇપણ સમાચારને લઇ કોઇ ટિપ્પણી કરી નથી, પરંતુ એક અગ્રણી અખબારમાં છપાયેલા રિપોર્ટમાં કહ્યું છે કે સ્માર્ટ કોન્ટ્રાક્ટસ માટે બ્લોકચેન ટેકનોલોજીનો ફાયદો ઉઠાવવાની અંબાણીની યોજના હજુ પ્રારંભિક તબક્કામાં છે.