mukesh-ambani-set-final-death-knell-of-rcom
  • Home
  • Business
  • શું JIOના કારણે બરબાદ થઇ RCom ? જાણો અતથી ઇતિ

શું JIOના કારણે બરબાદ થઇ RCom ? જાણો અતથી ઇતિ

 | 8:32 am IST

 

જ્યાં એક તરફ મોટા ભાઇ મુકેશ અંબાણી બિઝનેસની દુનિયામાં એક પછી એક માઇલસ્ટોન હાંસલ કરી રહ્યા છે અને તેમના પિતાની પરંપરાને આગળ વધારી રહ્યા છે તો બીજી તરફ તેમના નાના ભાઇ અને ધીરૂભાઇ અંબાણીના નાના દિકરા અનિલ અંબાણી દેવા તરફ ધકેલાઇ રહ્યા છે અને દેવાળું ફૂંકવાની અણી પર છે.

અનિલ અંબાણીની માલિકીની RCom ફક્ત 500 કરોડ ન ચુકવવા માટે પણ લાચાર છે અને તેઓ હાલ કોર્ટના ચક્કર કાપી રહ્યા છે. ભારે મોટું રોકાણ અને માર્કેટમાં સ્પર્ધાના કારણે કંપની પર દેવું વધતું ગયું જે આજની તારીખે અંદાજે 47,000 કરોડ પર પહોંચી ગયું છે. અને અધુરામાં પુરુ ટેલીકોમ્યુનિકેશન માર્કેટમાં મુકેશ અંબાણીની કંપની JIOની એન્ટ્રીએ RComને મરણતોલ ફટકો માર્યો.

નસીબે સાથ ન આપ્યો

અનિલ અંબાણી શરૂઆતથી ટેલીકોમ્યુનિકેશન બિઝનેસ પર ફોકસ કરી રહ્યા હતા. કારણ કે બંને ભાઇઓ અલગ થયા ત્યારે મુકેશ અંબાણી પાસે ઓઇલ અને ગેસનો ધંધો હતો જ્યારે 2005માં આરકોમ મળ્યા બાદ અનિલ અંબાણીએ તેને 2006માં માર્કેટમાં લીસ્ટીંગ કરાવ્યું હતુ.

પરંતુ આ માર્કેટમાં મોટું રોકાણ થતું હોવાના કારણે કંપનીના નફા પર તેની અસર થવાની શરૂઆત થઇ. બજાર 2જી વોઇસથી લઇને 3જી અને 4જી ઇન્ટરનેટ તરફ શિફ્ટ થયું. નવી ટેકનોલોજી માટે નવા સાધનો અને સ્પેકટ્રમ ખરીદવા માટે બહુ મોટા મુડી રોકાણની જરૂર પડતી હતી.

આ સીવાય આરકોમ સામે એરટેલ, વોડાફોન અને આઇડીયા જેવી કંપનીઓ કટ્ટર સ્પર્ધા કરી રહી હતી. આ બધાની કંપનીની બેલેન્શીટ પર અસર પડી રહી હતી અને દીવસેને દિવસે વળતર ઓછું થતું જતું હતું અને દેવુ વધી રહ્યું હતુ. અને એક સમય એવો આવ્યો જ્યારે કંપનીની મિલકત કરતાં દેવું વધી ગયું.

નિષ્ફળ સોદાઓએ વધારી મુશ્કેલી

આરકોમ ડુબવા પાછળ નિષ્ફળ સોદાઓ એક મોટું કારણ રહ્યું. વર્ષ 2010માં જીટીએલ ઇન્ફ્રા સાથેની 50,000 કરોડની ડીલ નિષ્ફળ રહી, છતાં અનિલ અંબાણીએ 3જી, અંડર સી કેબલ અને નેટવર્કનો વિસ્તાર કરવા માટે રોકાણ કરતાં રહ્યા બાદમાં 2017માં કંપનીનું એરસેલ સાથેનું મર્જર પણ નિષ્ફળ રહ્યું. એટલું જ નહીં કેનેડાની કંપની બ્રુક ફિલ્ડ સાથે ટાવરનો સોદો પણ નિષ્ફળ રહ્યો. આ પછી કંપનીએ 2જી અને 3જી નેટવર્કમાંથી બહાર નિકળવાની જાહેરાત કરી દીધી જેના કારણે તેણે 8 કરોડ ગ્રાહકો ગુમાવવા પડ્યા.

દેવામાંથી બહાર ન નીકળી શકી કંપની

જ્યારે આરકોમે દેવામાંથી નીકળવાનો પ્રયાસ કર્યો ત્યારે તેનું દેવું બહુ વધી ગયું હતુ. કારણ કે કેટલાક લેણદારો દેવું વસુલવા માટે કોર્ટમાં ગયા હતા. સ્વીડનની કંપની એરિક્શને આરકોમ સામે 550 કરોડ વસુલવા માટે કોર્ટમાં દાવો કર્યો હતો. કોર્ટના હસ્તક્ષેપ અને મુકેશ અંબાણી સાથેનો સોદો નિષ્ફળ રહેવાના કારણે કંપનીના શેરની કિંમત પર પણ તેની ખરાબ અસર પડી.

9 જાન્યુ, 2008માં કંપનીનો શેર ફક્ત 5.62 પર પહોંચી ગયો જે એક સમયે 821 રૂપિયામાં વેચાતો હતો. જાણકારોનું કહેવું છે કે હવે દિવસેને દિવસે અનિલ અંબાણી માટે મુશ્કેલીઓ વધશે જો તેઓ સમયસર તેઓની મિલકતો વેચીને દેવું ભરપાઇ નહીં કરે તો તેઓ માટે આગામી સમય મુશ્કેલ બની રહેશે.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ સંદેશ ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો Sandeshની નવી મોબાઇલ એપ્લિકેશન