મૂરખાના ગામ ન વસે એ વિજ્ઞાનમાં પણ સાચું છે! - Sandesh
  • Home
  • Kids Corner
  • મૂરખાના ગામ ન વસે એ વિજ્ઞાનમાં પણ સાચું છે!

મૂરખાના ગામ ન વસે એ વિજ્ઞાનમાં પણ સાચું છે!

 | 12:09 am IST

જ્ઞાન-વિજ્ઞાન :- માખન ધોળકિયા

એલજી નોબેલ ઈનામો ભલે રમૂજી શોધ માટે અપાતા હોય, એનું પણ ખાસ્સું મહત્ત્વ ગણાય છે. વિજ્ઞાન જેવા ગંભીર એ મહત્ત્વના ક્ષેત્રમાં જે વિજ્ઞાનીઓ મૂરખામીભર્યું કામ કરતા હોય એમને નોબેલ શા માટે? આ ઈનામ એટલા માટે આપવામાં આવે છે કે એમની શોધ ભલે મૂરખામીભરી લાગતી હોય એ હોય છે તદ્દન વૈજ્ઞાનિક! આ ઈનામ આપનાર સંસ્થાનું સૂત્ર છે, એવી સિદ્ધિઓને પણ બિરદાવો જે પહેલાં રમૂજ પ્રેરે, પરંતુ પછીથી વિચારવા મજબૂર કરી દે!

દા.ત. અમેરિકાના માર્ક મિચેલ અને ડેવિડ વાર્ટિંગર નામના ડોક્ટરોને મેડિસિન(તબીબી)ના ક્ષેત્રમાં ૨૦૧૮નું એલજી નોબેલ મળ્યું છે.

આ ડોક્ટરોના બયાન મુજબ એમણે અનેક વડીલો પાસેથી સાંભળ્યું હતું કે રોલર કોસ્ટરમાં બેસવાથી કિડનીની પથરી વહેલી નીકળી જાય! એ વાતને વૈજ્ઞાનિક રીતે તપાસવા માટે એમણે સિલિકોન વડે એક માણસનું મોડેલ બનાવ્યું. એમાં કિડનીઓ બનાવી અને કિડનીઓમાં પથરી પણ બનાવી. પછી એ મોડેલને સાથે લઈને જાતજાતની રાઈડમાં બેઠા. આથી સાબિત થયું કે ખરેખર રોલર કોસ્ટરના ઉપર-નીચે, ડાબે-જમણે થતા આંચકાઓથી કિડનીમાં રહેલી પથરી વહેલી સરકીને નીકળી જાય છે.

૨૦૧૨માં જાપાનના એક પદાર્થ વિજ્ઞાની તથા એની ટીમને પદાર્થવિજ્ઞાનનું એલજી નોબેલ મળ્યું હતું. આ નિષ્ણાતોએ તપાસ કરી હતી કે કેળાંની છાલ, આપણા બૂટના સોલ અને કાર્પેટ વચ્ચે એવું તે શું થાય છે કે આપણે લપસી પડીએ? એમણે અનેક પ્રયોગ કરીને શોધી કાઢયું કે કેળાંની છાલમાં રહેલી ફોલિક્યુલર જેલના કારણે બૂટના સોલ અને કાર્પેટ વચ્ચે જે ઘર્ષણ થવું જોઈએ એ નાબૂદ થઈ જાય છે એટલે આપણે ઊભા રહી શકતા નથી. લપસી પડીએ છીએ.

આ અનોખા નોબેલ ઈનામ મેળવવામાં આપણા ભારતીય વિજ્ઞાનીઓ પણ સામેલ છે. ૨૦૦૨માં કેરળ એગ્રીકલ્ચરલ યુનિવર્સિટીના જી. નિર્મલન અને કે. પી. શ્રીકુમાર નામના નિષ્ણાતોને એલજી નોબેલ મળ્યો હતો. એમણે ભારતના ૨૪ હાથીઓના શરીરની સપાટી બારીકીથી માપીને એની ઉપરથી ગાણિતિક સૂત્ર બનાવ્યું. આ સૂત્રના આધારે જાણવા મળ્યું કે ભારતના દરેક હાથીના શરીરની સપાટી એટલે કે ચામડીની સરફેસ સરેરાશ ૧૭.૧૮ ચોરસ મીટર હોય છે!

૨૦૦૫માં એમઆઈટીના વિદ્યાર્થી ગૌરીનંદાને અર્થશાસ્ત્રનું નોબેલ મળ્યું હતું. તેણે એવા ઘડિયાળની શોધ કરી છે જે સવારે એલાર્મ વગાડયા પછી ગબડીને તમારી પથારીથી દૂર જતું રહે છે અને ત્યાં રહ્યે રહ્યે દર એક મિનિટે ફરીફરીને એલાર્મ વગાડયા કરે છે. પરિણામે તેને શાંત કરવા તમારે ઊઠવું જ પડે, પથારી છોડવી જ પડે! એલાર્મ વાગે તો ઊઠી જવાને બદલે અડધી ઊંઘમાં એને મ્યૂટ કરી ફરી સૂઈ જનારા આળસુઓની સગવડ માટે આ શોધ તેણે કરી હતી!

[email protected]

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ સંદેશ ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો Sandeshની નવી મોબાઇલ એપ્લિકેશન