યોગી સરકારે પકડી મુલાયમની 'વીજચોરી'!, તાબડતોબ ભરવા પડશે 4 લાખ રૂપિયા - Sandesh
NIFTY 10,428.65 +68.25  |  SENSEX 33,830.51 +126.92  |  USD 64.8400 +0.05
1.6M
1M
1.7M
APPS
  • Home
  • India
  • યોગી સરકારે પકડી મુલાયમની ‘વીજચોરી’!, તાબડતોબ ભરવા પડશે 4 લાખ રૂપિયા

યોગી સરકારે પકડી મુલાયમની ‘વીજચોરી’!, તાબડતોબ ભરવા પડશે 4 લાખ રૂપિયા

 | 1:35 pm IST

ઉત્તરપ્રદેશના પૂર્વ મુખ્યમંત્રી અને સમાજવાદી પાર્ટી (સપા)ના નેતા મુલાયમ સિંહ યાદવના એક ઘર પર ગુરવારે (20 એપ્રિલ)ના રોજ વીજ વિભાગે દરોડો પાડ્યો. મુલાયમ સિંહ યાદવના તે ઘરમાં વીજળીના નક્કી વૉટથી વધુ પાવરનો ઉપયોગ થઈ રહ્યો હતો. અહેવાલો મુજબ ઘરના મીટર પર 5 kWનો લોડ માન્ય હતો પરંતુ ત્યાં આઠગણુ વધારે વીજવપરાશ હતો એટલે કે 40kWનો લોડ છે. એટલું જ નહીં તેમનું 4 લાખથી વધુનું બિલ પણ ભરવાનું બાકી છે જે તેમણે તાબડતોબ ભરવું પડશે. આ માટે મુલાયમ સિંહને મહિનાના અંત સુધીનો એટલે કે 30 એપ્રિલનો સમય અપાયો છે. જે ઘરમાં વીજળીનો વધુ ઉપયોગ થયો હોવાનું સામે આવ્યું છે તે ઈટાવાના સિવિલ લાઈન્સ વિસ્તારમાં છે. આ ઘર વિસ્તારના સૌથી મોટા ઘરોમાંનું એક છે. મુલાયમ સિંહના આ ઘરમાં 12થી વધુ રૂમ છે. અહીં એક ખાનગી એરકન્ડિશન પ્લાન્ટ, એક તામપાન નિયંત્રીત સ્વીમિંગ પુલ અને ઘણી લિફ્ટ પણ છે.

મુલાયમ સિંહ ઈટાવાના ખુબસુરત બંગલાના માલિક છે. બંગલો લગભગ 20 વર્ષ જૂનો છે. જેને ગત બે વર્ષમાં તોડીને નવો બનાવવામાં આવ્યો છે. મુલાયમે ગત વર્ષ નવરાત્રિમાં જ પોતાના આ બંગલામાં ગૃહપ્રવેશ કર્યો છે. ઘરમાં અનેક લિફ્ટ અને એસી પ્લાન્ટ હોવાના કારણે વીજળીનો વપરાશ ખુબ છે. વીજળી વિભાગના લોકો એસડીઓ આશુતોષ વર્માના નેતૃત્વમાં ત્રણ ગાડીઓમાં મુલાયમના બંગલે પહોંચ્યા હતાં. બંગલામાં હાજર કેરટેકર સતીષે બધાને અંદર બોલાવી લીધા અને બંગલાનો ગેટ બંધ કરી લીધો જેથી કરીને હો હા ન થાય.

વીજળી વિભાગના અધિકારીઓની ટીમે ગુરુવારે સપા સંરક્ષક મુલાયમ સિંહના સિવિલ લાઈન સ્થિત ઘર પર જઈને તપાસ કરી અને 5 kWના અધિભારને વધારીને 40kW કરીને નવું મીટર લગાવ્યું. મુલાયમ સિંહ પર વીજળી વિભાગના 4,10,665 રૂપિયા પણ લેણા છે. યુપીમાં વીજચોરીના મામલાઓમાં ઈટાવા નંબર વન છે. સત્તા બદલાતાત જ વીજળી અધિકારીઓ સતત વીજચોરીને રોકવા માટે અભિયાન ચલાવી રહ્યાં છે.

નોંધનીય છે કે માર્ચ પહેલા મુલાયમ સિંહ યાદવના પુત્ર અખિલેશ યાદવ વર્ષ 2012 માર્ચથી વર્ષ 2017 સુધી રાજ્યના મુખ્યમંત્રી હતાં. ત્યારે રાજ્યના કોઈ પણ અધિકારીની મુલાયમ સિંહના ઈટાવા સ્થિત ઘરમાં જવાની હિંમત નહતી. પરંતુ જેવી રાજ્યમાં ભાજપની યોગી સરકાર આવી કે અધિકારીઓ હરકતમાં આવી ગયા છે. જે સમયે આ અધિકારીઓ ત્યાં પહોંચ્યાં તે સમયે મુલાયમ સિંહ લખનઉમાં હતાં.

અત્રે જણાવવાનું કે મુખ્યમંત્રી યોગી આદિત્યનાથે એક મહિનાના કાર્યકાળમાં એ સંદેશો આપવાની કોશિશ કરી છે કે રાજ્યમાં કાયદાનું રાજ છે. તેઓ પોતે તમામ વિભાગના અધિકારીઓ સાથે સમીક્ષા બેઠક કરી રહ્યાં છે અને અધિકારીઓને જરૂરી દિશા નિર્દેશ આપી રહ્યાં છે. યોગીએ રાજ્યમાં વીજળીની સ્થિતિ સુધારવા માટે ફરમાન પણ જારી કર્યું છે. સરકારી આદેશ મુજબ તમામ શહેરો અને જિલ્લા મુખ્યાલયોમાં 24 કલાક, તહેસીલોમાં 22 કલાક અને ગામડાઓમાં 18 કલાક વીજળી આપવાનું નક્કી થયું છે. આ ફેસલાનો પહેલો ભોગ ઈટાવા સ્થિત મુલાયમ સિંહના પૈતૃક ગામ સૈફઈ બન્યું જ્યાં 24 કલાક રહેતી વીજળીમાં ઘટાડો કરવામાં આવ્યો.