NIFTY 10,451.80 -0.70  |  SENSEX 33,731.19 +45.63  |  USD 64.6750 +0.13
1.6M
1M
1.7M
APPS
  • Home
  • Sports
  • Cricket
  • મુંબઈ ઇન્ડિયન્સનો કોલકાતાને ‘ગંભીર’ પડકાર

મુંબઈ ઇન્ડિયન્સનો કોલકાતાને ‘ગંભીર’ પડકાર

 | 2:36 am IST

બેંગ્લુરૂ, તા. ૧૮

કોલકાતા નાઇટ રાઇડર્સ અને મુંબઈ ઇન્ડિયન્સ વચ્ચે આજે ક્વોલિફાયર ટુ મુકાબલો યોજાનાર છે જેમાં ગૌતમ ગંભીરની કેપ્ટનશિપવાળી કોલકાતા નાઇટ રાઇડર્સને મુંબઈ ઇન્ડિયન્સ સામે જીત મેળવવા માટે એડીચોટીનું જોર લગાવવું પડશે. આ સિઝનની બંને લીગ મેચમાં કોલકાતા મુંબઈ સામે જીત મેળવી શકી નથી. આથી કોલકાતાનું લક્ષ્ય લીગ રાઉન્ડમાં બે વખત મળેલી હારનો બદલો ચૂકતે કરી ફાઇનલમાં પહોંચવા પર રહેશે. બીજી તરફ મુંબઈ ઇન્ડિયન્સને ફાઇનલમાં પહોંચવાની બીજી તક મળી છે તેનો ફાયદો ઉઠાવી ફાઇનલમાં પોતાનું સ્થાન નિશ્ચિત કરવાના ઇરાદે મેદાને ઊતરશે.

મુંબઈએ લીગ રાઉન્ડમાં ટોચનું સ્થાન મેળવ્યું હતું જેને કારણે ક્વોલિફાયર વન મુકાબલામાં પુણે સામે ટકરાઈ હતી જ્યાં તેનો પરાજય થયો હતો જ્યારે પોઇન્ટ ટેબલમાં ચોથા સ્થાને રહેલી કોલકાતા નાઇટ રાઇડર્સે બુધવારે રમાયેલા એલિમિનેટર મુકાબલમાં ગત ચેમ્પિયન સનરાઇઝર્સ હૈદરાબાદને સાત વિકેટે હરાવ્યું હતું. હૈદરાબાદની ટીમ કોલકાતા સામે ૨૦ ઓવરમાં સાત વિકેટ ગુમાવી ૧૨૮ રન બનાવી શકી હતી. વરસાદને કારણે કોલકાતાને જીત માટે છ ઓવરમાં ૪૮ રનનો લક્ષ્યાંક અપાયો હતો જેને ૫.૨ ઓવરમાં ત્રણ વિકેટ ગુમાવી મેળવી લીધો હતો.

મુંબઈના બેટ્સમેનોએ આ સિઝનમાં જોરદાર દેખાવ કર્યો છે. લિન્ડલ સિમન્સ અને ર્પાિથવ પટેલ સારી શરૂઆત અપાવવામાં સફળ રહ્યા છે. કેપ્ટન રોહિત શર્મા, રાયડુ અને પોલાર્ડે પણ સારો દેખાવ કર્યો છે. આ ઉપરાંત હાર્દિક અને કૃણાલ પંડયાએ પણ જરૂરતના સમયે ટીમને યોગદાન આપ્યું છે. લીગ રાઉન્ડમાં મુંબઈએ ૧૪માંથી ૧૦ મેચ જીતી હતી પરંતુ ક્વોલિફાયર મુકાબલામાં પુણે સામે પરાજય થયો હતો. હવે ટીમ પરાજયને ભુલી નવા જોશ સાથે મેદાને ઊતરશે. મુંબઈ પાસે બોલિંગલાઇન પણ મજબૂત છે. ટીમ પાસે મલિંગા, મેક્લેનઘન, જસપ્રીત બુમરાહ છે જેઓ ડેથ ઓવરોમાં સારો દેખાવ કરી શકે છે. તેમની સામે કોલકાતાના બેટ્સમેનો પર અંકુશ લગાવવાનો મોટો પડકાર રહેશે. કોલકાતાની ટીમમાં ક્રિસ લિન, ગૌતમ ગંભીર અને રોબિન ઉથપ્પા જેવા ફોર્મમાં રહેલા બેટ્સમેન છે જ્યારે સુનીલ નારાયણ પણ આક્રમક બેટિંગ કરવામાં સક્ષમ છે.   જો કે મનીષ પાંડે ઇજાને કારણે હૈદરાબાદ સામેના એલિમિનેટર મુકાબલામાંથી બહાર થઈ ગયો હતો અને તેનું રમવું શંકાસ્પદ હોવાથી ફરી એક વખત ઇશાંક જગ્ગીને તક મળે તેવી શક્યતા છે.

કોલકાતા પાસે પણ ટ્રેન્ટ બોલ્ટ, નાથન કુલ્ટર નાઇલ, ઉમેશ યાદવ, સુનીલ નારાયણ અને પીયૂષ ચાવલાને કારણે મજબૂત બોલિંગ આક્રમણ છે. તેમની સામે મુંબઈના બેટ્સમેનોને રોકવા માટે ખાસ રણનીતિ બનાવવી પડશે. કારણ કે, મુંબઈ સામે જીત મેળવવી કોલકાતા માટે હંમેશાં મુશ્કેલ રહી છે.

ઇતિહાસ મુંબઈની સાથે

કોલકાતાનો મુંબઈ ઇન્ડિયન્સ સામે રેકોર્ડ ઘણો ખરાબ રહ્યો છે. બંને ટીમો કુલ ૨૦ વખત ટકરાઈ છે જે પૈકી મુંબઈએ ૧૫ વખત જ્યારે કોલકાતાએ માત્ર પાંચ વખત જીત મેળવી છે તેને જોતાં કહી શકાય કે, ઇતિહાસ મુંબઈ ઇન્ડિયન્સની સાથે છે પરંતુ કોલકાતાનો દેખાવ પણ સારો રહ્યો છે અને એલિમિનેટરમાં ગત ચેમ્પિયન હૈદરાબાદને પરાજય આપ્યો હતો.

બેંગ્લુરૂમાં વરસાદની શક્યતા

બેંગ્લુરૂમાં છેલ્લા એક અઠવાડિયાથી વરસાદી જાપટાં પડી રહ્યાં છે. અને શુક્રવારે પણ વરસાદની આગાહી કરાઈ છે. જેને કારણે આ મેચમાં પણ ટોસ ઘણો મહત્ત્વપૂર્ણ બની રહેશે. ક્વોલિફાયર મુકાબલા માટે રિઝર્વ દિવસ રખાયો નથી આથી જો શુક્રવારે વરસાદને કારણે મેચ રદ થાય તો લીગ રાઉન્ડ દરમિયાન પોઇન્ટ ટેબલમાં ઊંચા સ્થાને રહેલી ટીમ ફાઇનલમાં પહોંચી જશે.

મુંબઈ અને કોલકાતા ટીમના કેપ્ટનનો આ સિઝનમાં દેખાવ  

કોલકાતા નાઇટ રાઇડર્સના કેપ્ટન ગૌતમ ગંભીરનું પ્રદર્શન આ સિઝનમાં ઘણું જોરદાર રહ્યું છે. તેણે ૧૫ મેચમાં ૪૮૬ રન બનાવ્યા છે જેમાં ચાર અર્ધી સદી સામેલ છે અને તે સૌથી વધુ રન બનાવવાના મામલે વોર્નર બાદ બીજા સ્થાને છે. મુંબઈ ઇન્ડિયન્સના કેપ્ટન રોહિત શર્માનો દેખાવ સામાન્ય રહ્યો છે. તેણે ૧૫ મેચમાં ૨૮૩ રન બનાવ્યા છે જેમાં ત્રણ અર્ધી સદી સામેલ છે. આ ઉપરાંત સૌથી વધુ રન બનાવવાના મામલે ટોપ-૧૦માં મુંબઈનો એકેય ખેલાડી સામેલ નથી. મુંબઈ તરફથી ર્પાિથવ પટેલે સર્વાધિક ૩૭૭ રન બનાવ્યા છે.