મુંબઈની લોકલ ટ્રેનોમાં રૂ.૩૦૦કરોડના ખર્ચે CCTV કેમેરા બેસાડાશે - Sandesh
NIFTY 10,596.40 -86.30  |  SENSEX 34,848.30 +-300.82  |  USD 68.0050 +0.31
1.6M
1M
1.7M
APPS
  • Home
  • Mumbai
  • મુંબઈની લોકલ ટ્રેનોમાં રૂ.૩૦૦કરોડના ખર્ચે CCTV કેમેરા બેસાડાશે

મુંબઈની લોકલ ટ્રેનોમાં રૂ.૩૦૦કરોડના ખર્ચે CCTV કેમેરા બેસાડાશે

 | 12:11 am IST

મુંબઈ,તા.૯

મુંબઇની લોકલ ટ્રેનોમાં બનતી ગુનાખોરીની અને અન્ય અનિચ્છનીય ઘટનાઓ પર અંકુશ લાવવા લોકલ ટ્રેનોના બધા જ ડબ્બાઓમાં સીસીટીવી કેમેરા બેસાડવાના મધ્ય રેલવે અને પશ્ચિમ રેલવેના પ્રસ્તાવને કેન્દ્રીય બજેટમાં મંજૂરી આપવામાં આવી છે. એથી હવે ૨૪૨ લોકલ ટ્રેનોમાં સીસીટીવી કેમેરા અને એ સાથે જ’ટોક બેક’ અને પેનિક બટનની પણ સુવિધા બેસાડવામાં આવશે જે માટે રૂપિયા ૩૦૦ કરોડ કરતાં વધુ ખર્ચ થવાની શક્યતા છે.

એલ્ફિન્સ્ટન સ્ટેશન પરની પુલ દુર્ઘટના બાદ રેલવે પ્રધાન પીયૂષ ગોયલે મુંબઈની લોકલ ટ્રેનના રૂટ પર અપાતી સુવિધાઓનું અવલોકન કર્યું હતું. જે અંતર્ગત નવા ફૂટ ઓવર બ્રિજ,એસ્કેલેટર સહિતની અન્ય સુવિધાઓ સાથે લોકલના પ્રવાસીઓની સુરક્ષા સંદર્ભે લોકલના દરેક ડબ્બામાં સીસીટીવી કેમેરા બેસાડવાનો નિર્ણય લેવાયો હતો. એ સાથે જ કટોકટી સમયે ગાર્ડ અથવા મોટરમેન સાથે વાત કરી શકાય એ માટે ટોક બેક અને ગાર્ડને એલર્ટનો મેસેજ આપવા પેનિક બટન બેસાડવાનું પણ નક્કી થયું હતું. પ્રસ્તાવ અનુસાર મધ્ય રેલવેની ૧૪૨ અને પશ્ચિમ રેલવેની ૧૦૦ લોકલ ટ્રેનોમાં આ સુવિધાઓ બેસાડવામાં આવશે. મધ્ય રેલવેને એ માટે રૂપિયા ૧૭૭ કરોડ જયારે પશ્ચિમ રેલવેને એ માટે રૂપિયા ૧૨૩ કરોડનો ખર્ચ થવાનો છે. આ બંને પ્રસ્તાવ રેલવે મંત્રાલયને મોકલાવામાં આવ્યા હતા, જેને હવે બજેટમાં મંજૂરી આપવામાં આવી છે.

પેનિક બટનનો દુરૂપયોગ

મહિલા પ્રવાસીઓને જોખમી પરિસ્થિતિમાં મદદ મળી રહે અને તેઓ એ વિશે ગાર્ડ અથવા મોટરમેનને જાણ કરી શકે એ માટે પ્રાયોગિક ધોરણે એક લોકલના મહિલાના ડબ્બામાં એ પેનિક બટન લગાડવામાં આવ્યું હતું, પણ મહિલાઓ દ્વારા તેનો દુરૂપયોગ થતો હોવાનું જણાતાં એ સુવિધા પાછી ખેંચી લેવાઈ હતી.

હાલ સીસીટીવી પર ડાયરેક્ટ નજર નહીં

અત્યારે પણ મધ્ય રેલવે અને પશ્ચિમ રેલવેની દસ જેટલી લોકલના મહિલાના ડબ્બામાં સીસીટીવી કેમેરા બેસાડવામાં આવ્યા છે, પણ એ સીસીટીવીનું ડાયરેક્ટ કવરેજ થઇ શકતું નથી. લોકલ કારશેડમાં જાય ત્યાર બાદ તેના સીસીટીવી કેમેરાનું રેકોર્ડિંગ ત્યાં ચેક કરાય છે. હવે નવા લાગનારા સીસીટીવી કેમેરાનું કઇ રીતે કવરેજ કરાશે એ વિશે કોઇ સ્પષ્ટતા કરાઈ નથી.

;