Mumbai : Magazine Editor Murder trainee Journalist sexual abuse accused Arrested
  • Home
  • India
  • 2 વર્ષથી શારીરિક શોષણ કરનારા એડિટરના ટ્રેની મહિલાએ કર્યા આવા હાલ

2 વર્ષથી શારીરિક શોષણ કરનારા એડિટરના ટ્રેની મહિલાએ કર્યા આવા હાલ

 | 8:58 pm IST

મીરા રોડના ગુમ થયેલ ઈન્ડિયા અનબાઉન્ડ મેગેઝિનના એડિટરનો મૃતદેહ ભિવંડી તાલુકા પોલીસની હદમાં મળી આવતાં પોલીસે આ મેગેઝિનમાં કામ કરતા યુવક અને યુવતીની અટક કરી છે. એડિટર બે વર્ષથી લૈંગિક અત્યાચાર ગુજારતા હોવાથી હત્યા કરી હોવાનું આરોપી યુવતીએ જણાવ્યું હોવાની માહિતી પોલીસે આપી છે.

મીરા રોડ પર રહેતા ‘ઈન્ડિયા અનબાઉન્ડ’ મેગેઝિનના સંપાદક નિત્યાંનંદ પાંડે 15/3/2019ના રોજ સવારના 11:30થી ઘરેથી નીકળી ગયા પરંતુ પાછા ન આવતાં પત્ની પૂનમ પાંડેએ 16/3/2019ના કાશીમીરા પોલીસમાં તેમના ગુમ થયાની ફરિયાદ નોંધાવી હતી.

થાણે ગ્રામીણ પોલીસના ભિવંડી તાલુકા પોલીસસ્ટેશનની હદમાં આવેલ ખાર્ડી ગામમાંથી નાળા પાસેના પાણીમાંથી એક મૃતદેહ 16/3/2019ના રોજ મળી આવ્યો હતો. પોલીસે અકસ્માત મૃત્યુની નોંધ કરી હતી. 17/3/2019ના આ મૃતદેહ નિત્યાનંદ શીતલાપ્રસાદ પાંડેનો હોવાની ઓળખ થતાં અને પુરાવા નષ્ટ કરવા મૃતદેહનો ભિવંડી તાલુકા પોલીસની હદમાં નિકાલ કરવામાં આવતા પોલીસે અજાણી વ્યક્તિ વિરુદ્ધ હત્યાનો ગુનો નોંધી તપાસ શરૂ કરી હતી.

થાણે ગ્રામીણ પોલીસની કાશીમીરા ખાતેના એલસીબી યુનિટ દ્વારા તપાસ કરી સીસીટીવી ફૂટેજને આધારે તે મેગેઝિનમાં કામ કરતી અંકિતા હરિનાથ મિશ્રા (24) અને સતીષ ઉમાશંકર મિશ્રા (24)ને પોલીસે તાબામાં લઈ પૂછપરછ કરતાં તેમણે હત્યા કરી હોવાનું કબૂલ્યું હતું. તેઓએ નિત્યાનંદ પાંડેને ઊંઘની ગોળીઓ પ્રોટીનના પીણામાં નાખી પિવડાવીને બેહોશ કર્યા બાદ તેનું ગળું દાબી હત્યા કરી હતી.

અંકિતા મિશ્રા ઓફિસમાં છેલ્લા ત્રણ વર્ષથી આસિસ્ટન્ટ તરીકે કામ કરતી હતી તેમ જ સતીષકુમાર મિશ્રા પ્રિન્ટિંગ પ્રેસમાં ‘ઈન્ડિયા અનબાઉન્ડ’નું કામ જોતો હતો. આરોપી અંકિતાએ પોલીસને માહિતી આપતાં જણાવ્યું છે કે નિત્યાનંદ પાંડે છેલ્લા બે વર્ષથી તેના પર લૈંગિક અત્યાચાર ગુજારતો હતો. જેને લઈને તેણીએ સાથીદાર સતીષ મિશ્રા સાથે મળી પાંડેની હત્યાનો પ્લાન ઘડયો હતો. પ્લાન પ્રમાણે 15/3/2019ના રોજ નિત્યાનંદ પાંડેને ઉત્તન ખાતે રો હાઉસ બતાવવાને બહાને બંને જણ ટોયાટા ઇનોવા કારમાં લઈ ગયા હતા. રસ્તામાં કારમાં પ્રોટીનના ડ્રિન્કસમાં ઘેનયુક્ત દવા નાખીને પિવડાવી હતી. બેહોશ થયેલ પાંડેનું દોરી વડે ગળું દાબીને હત્યા કરી હતી. ત્યાર બાદ પુરાવાને નષ્ટ કરવા તેઓ કારમાં ભિવંડી-વસઈ રોડ લઈ જઈને ખાર્ડી ગામના મોરીના પુલ પરથી નાળામાં મૃતદેહ ફેંકી દીધો હતો. પોલીસે બંને આરોપીની અટક કરી હોવાની માહિતી એસપી શિવાજી રાઠોડે આપી હતી.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ સંદેશ ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો Sandeshની નવી મોબાઇલ એપ્લિકેશન