મુંબઈના પ્રભાદેવી ખાતે હાઇરાઇઝના ૩૩મા માળે આગ : ૧૦૦નો બચાવ - Sandesh
  • Home
  • India
  • મુંબઈના પ્રભાદેવી ખાતે હાઇરાઇઝના ૩૩મા માળે આગ : ૧૦૦નો બચાવ

મુંબઈના પ્રભાદેવી ખાતે હાઇરાઇઝના ૩૩મા માળે આગ : ૧૦૦નો બચાવ

 | 1:15 am IST

મુંબઈ, તા.૧૩

પ્રભાદેવીના અપ્પાસાહેબ મરાઠે માર્ગ પર આવેલી ૩૩ માળની હાઇરાઈઝ બિલ્ડિંગ બો મોન્ડનાં ટોપ ફલોર પર બુધવારે બપોરે ૨ વાગ્યાની આસપાસ આગ ફાટી નીકળી હતી. ફાયરબ્રિગેડને આ બાબતે તરત જ જાણ કરાતાં ૧૨ ફાયર એન્જિન અને ૮ જમ્બો ટેન્કર ઘટનાસ્થળે ધસી ગયા હતા. ફાયરબ્રિગેડની સ્નોર્કેલ પણ મોકલાવવામાં આવી હતી. આ જ બિલ્ડિંગમાં બોલિવુડ અભિનેત્રી દીપિકા પદુકોણ પણ રહે છે. તેનો ૨૪માં માળે ૪ બેડરૂમનો ડુપ્લેક્ષ ફ્લેટ છે. એ ફ્લેટ તેણે ૨૦૧૦માં રૂપિયા ૧૬ કરોડમાં ખરીદ્યો હતો. જોકે આગના સમયે તે એક એડના શૂટિંગ માટે બહાર હતી. તેના સ્ટાફને બિલ્ડિંગના અન્ય રહેવાસીઓની સાથે બચાવી લેવાયો છે.

પાંચ કલાકની ભારે જહેમત બાદ આગ પર કાબૂ મેળવી શકાયો હતો. જોકે કૂલિંગ ઓપરેશન એ પછી પણ ચાલુ રાખવામાં આવ્યું હતું. આગમાં કોઇ જાનહાનિના કે કોઇના જખ્મી થવાના અહેવાલ નથી પણ કરોડો રૂપિયાનું નુકસાન થયું હોવાનો અંદાજ છે.

ગ્રાઉન્ડ + ૩૩ માળની પોશ ઇમારત બો મોન્ડમાં અનેક મોટા ઉદ્યોગપતિઓ અને ઉચ્ચ સરકારી અમલદારોના અને સેલિબ્રિટીઓના ફ્લેટ હોવાનું જાણવા મળ્યું છે. કાચના ગાસ્કેટ ધરાવતી બો મોન્ડ ઇમારતમાં ટોપ ફ્લોર પર લાગેલી આગની જ્વાળા અને ધુમાડા દૂરથી જોઈ શકાતા હતા.

ફાયરબ્રિગેડના ઓફિસરો અને જવાનોએ લિફ્ટ બંધ કરાઈ હોવાથી ઇમારતના દાદરાથી ચઢી ફસાયેલા ૧૦૦ જેટલા લોકોને ઉગારી લીધા હતા. ૩૩માં માળે ડૂપ્લેક્સમાં આગ લાગી હોવાથી ફાયરબ્રિગેડના ઓફિસરોએ સ્નોર્કેલના ઉપયોગ નહોતો કર્યો પણ જવાનોએ ઇમારતમાં જ લાગેલી ફાયરસિસ્ટમનો વધુ ઉપયોગ કર્યો હતો. કાચની ગાસ્કેટના કારણે આગ વખતે થયેલો ધુમાડો ઇમારતમાં ફેલાઈ ગયો હતો જેથી તેમને શ્વાસ લેવામાં બહુ મુશ્કેલી પડતી હતી. અલગ અલગ ટીમને વારાફરથી ઇમારતમાં મોકલી આગ પર કાબૂ મેળવવાના પ્રયાસ કરાયા હતા. આગમાં ઉપરના ત્રણ માળ પૂર્ણપણે બળીને ખાખ થઇ ગયા હતા. દીપિકા પદુકોણે ટ્વિટ કરીને જણાવ્યું હતું કે, હું સહી સલામત છું. મને કોઈ નુકસાન થયું નથી.

ઘર અને ઓફિસો ખાલી કરાવાયા

ફાયરબ્રિગેડે આગની તીવ્રતા જોઈ લેવલ -૨ નો ફાયર કોલ આપ્યો હતો. સાવચેતીના પગલાંરૂપે બો મોન્ડ બિલ્ડિંગમાં આવેલા દીપિકા પદુકોણના ફ્લેટ સહિત અન્ય રહેવાસીઓના ફ્લેટ ખાલી કરાવાયા હતા. ઇમારતમાં આવેલી કેટલીક ઓફિસો પણ ખાલી કરાવાઈ હતી. આગ વધુ ન ભડકે એ માટે બિલ્ડિંગની ઇલેકિટ્રસિટી કાપી નખાતા બધાને દાદરાથી નીચે ઉતારવામાં આવ્યા હતા. હાઇરાઇઝ બિલ્ડિંગ દરિયાની નજીક હોવાના કારણે સૂસવાટા મારતા પવનને કારણે ૪:૩૦ વાગ્યે આગ ફરી ભભૂકી ઉઠી હતી.

બે મહિનામાં આગની ૨૯૫ ઘટના

આગની આટલી ઘટનાઓ બનતી હોવા છતાં સલામતીના પૂરતા પગલાં લીધા ન હોવાના કારણે મુંબઈમાં છેલ્લા બે મહિનામાં આગની ૨૯૫ ઘટના બની છે.