Mumbai : KEM Hospital to offer advanced brain stroke treatment at minimal cost
  • Home
  • Featured
  • બ્રેઇન સ્ટ્રોકના તાબડતોબ ઉપચાર માટે ‘વોટ્સ એપ’ આઇડિયા, મળશે નવુ જીવન

બ્રેઇન સ્ટ્રોકના તાબડતોબ ઉપચાર માટે ‘વોટ્સ એપ’ આઇડિયા, મળશે નવુ જીવન

 | 10:17 am IST

આમ તો દરેક પ્રકારના સ્ટ્રોકમાં જલદી સારવાર મળે તે ઘણું જરૂરી છે, પણ બ્રેઇન સ્ટ્રોકમાં દર્દીને જેટલી જલદી સારવાર મળે તો તેનાં સારાં પરિણામ આવતાં હોય છે. જોકે અનેક મામલાઓમાં દર્દી હોસ્પિટલ પહોંચવામાં મોડું કરતો હોય છે. હવે મુંબઈની કેઇએમ હોસ્પિટલે એક નવી તરકીબ અજમાવી છે, જેમાં સ્ટ્રોકના દર્દીને જલદીમાં જલદી ઉપચાર મળી શકશે. આ તરકીબ છે વોટ્સ એપ ગ્રૂપની, જેમાં તમામ વિભાગનો સમાવેશ કરવામાં આવશે.

કેઇએમ હોસ્પિટલના ન્યુરોસર્જરી વિભાગે એક વોટ્સ એપ ગ્રૂપ બનાવ્યું છે, જેમાં ન્યુરોસર્જરી, ન્યુરોલોજિસ્ટ, પેથોલોજિસ્ટ, રેડિયોલોજિસ્ટ સહિત અનેક વિભાગોના લોકોનો સમાવેશ કરવામાં આવ્યો છે. આનો ઉદ્દેશ ઓછા સમયમાં દર્દીને ઉપચાર આપવાનો છે. હોસ્પિટલના ન્યુરોલોજી વિભાગના જણાવાયા અનુસાર દુનિયાભરમાં અપંગત્વનું સૌથી મોટું કારણ સ્ટ્રોક છે. જોકે આ બીમારીને લઈને હજી સુધી લોકોમાં જાગરૂકતા આવી નથી. હોસ્પિટલના ન્યુરોસર્જન ડો. નીતિન ડાંગેએ કહ્યું હતું કે સ્ટ્રોકનાં બે કારણ હોય છે, બ્લોકેજ સ્ટ્રોક અને હેમરેજિક સ્ટ્રોક. 87 ટકા સ્ટ્રોકના મામલા બ્લોકેજ આધારિત હોય છે. તેના પર સમયસર ઉપચાર કરીને તેને ઠીક કરી શકાય છે.

જે દર્દીને સ્ટ્રોક આવ્યો છે તેનો ઉપચાર શરૂ કરવા માટે કેઇએમમાં હાલમાં 30થી 50 મિનિટનો સમય લાગી જતો હોય છે. એ સમયને ઓછો કરવા માટે હોસ્પિટલના ડોક્ટરોએ વોટ્સ એપ ગ્રૂપ બનાવ્યું છે. સ્ટ્રોકના દર્દીઓને તત્કાળ ઉપચાર મળી રહે તે માટે હોસ્પિટલના અન્ય સભ્યોને ટ્રેનિંગ આપવામાં આવી રહી છે. ડો. ડાંગેએ જણાવ્યું હતું કે સ્ટ્રોકનો દર્દી જેવો હોસ્પિટલમાં આવશે, તેની જાણકારી વોટ્સ એપ દ્વારા સંબંધિત લોકોને આપવામાં આવશે. આનાથી લોકો તૈયાર રહેશે અને તત્કાળ ઉપચાર શરૂ થઈ જશે. ગ્રૂપનો ઉદ્દેશ દર્દીને હોસ્પિટલમાં 20 મિનિટની અંદર ઉપચાર આપવાનો છે.