Municipal corporation officials surrender to builders and contractors, losses of 50 Lacks by AMC
  • Home
  • Ahmedabad
  • AMCનાં અધિકારીઓ 50 લાખનું નુક્સાન ખાઇને પણ બિલ્ડરો અને કોન્ટ્રાક્ટરોનાં શરણે

AMCનાં અધિકારીઓ 50 લાખનું નુક્સાન ખાઇને પણ બિલ્ડરો અને કોન્ટ્રાક્ટરોનાં શરણે

 | 8:53 pm IST

અમદાવાદ મ્યુનિ.કોર્પોરેશનના અધિકારીઓ બિલ્ડરો અને કોન્ટ્રાક્ટરોને શરણે હોય તેવો ઘાટ છે જેથી ખુલ્લેઆમ નિયમ અને કાયદાનું ઉલ્લઘંન થાય તો પણ મ્યુનિ.ના અધિકારીઓ મૂકપ્રેક્ષક બની બેસી રહે છે. શહેરના જુનાવાડજના ડો. આંબેડકર પ્રતિમાની નજીક એક બહુમાળી પે એન્ડ યુઝ શૌયાલય આવેલું હતુ જે ગઇકાલે કોન્ટ્રાક્ટરે તોડી પાડયું હતુ. મ્યુનિ.ની પૂર્વ મંજુરી કે કમિટીના ઠરાવ વિના ગેરકાયદે પે એન્ડ યુઝ શૌચાલય તોડી પાડયું હતુ પણ મ્યુનિ.એ હજુ સુધી કોન્ટ્રાક્ટર કમ બિલ્ડર સામે કાર્યવાહી કરવાની તસ્દી લીધી નથી. સરકારી મિલકતને તોડી પાડવામાં આવે તો પોલીસ કેસ સુધીની કાર્યવાહી કરી શકાય છે પણ મ્યુનિ.ના અધિકારીઓ નિયમોનું પાલન કરવામાં જરાય રસ નથી.

અમદાવાદ મ્યુનિ.એ 2014માં રામદેવપીર ટેકરા સ્લમ રિ-ડેવલપમેન્ટની સ્કીમ મુકી હતી જેમાં છેલ્લા પાંચ વર્ષથી સ્થાનિકો અને ડેવલપર વચ્ચે વિવાદ ચાલી રહ્યો છે. મોટાભાગના સ્થાનિક રહીશો મકાનો તોડવાની સંમતિ આપી રહ્યાં નથી છાશવારે વિરોધ પ્રદર્શનો થાય છે તેવામાં ગઇકાલે બપોરના સમયે એક જેસીબી મશીને પે એન્ડ યુઝ શૌચાલય તોડવાની કામગીરી શરૂ કરી હતી જે વેળાએ સ્થાનિકોએ વિરોધ કર્યો હતો. કેમ કે, આ પે એન્ડ યુઝ શૌચાલય તોડવાની મ્યુનિ.ની કોઇ મંજુરી હતી નહીં. જાહેર શૌચાલય તોડવાના નિયમો કડક છે.

સ્થાનિક ચારેય કોર્પોરેટરોની ભલામણ બાદ હેલ્થ એન્ડ સોલિડ વેસ્ટ મેનેજમેન્ટ કમિટીમાં ઠરાવ મંજુર કરવો પડે છે પછી બોર્ડની સામાન્ય સભામાં ઠરાવ મંજુર થાય પછી જાહેર શૌચાલય તોડી શકાય છે પણ આવી કોઇપણ પ્રક્રિયા કર્યા વિના જ બારોબાર પે એન્ડ યુઝ શૌચાલય તોડી પાડવામાં આવ્યું છે. બહુમાળી પે એન્ડ યુઝ શૌચાલયમાં ૨૫ ટોયલેટ હતા જ્યારે તેની કિંમત અંદાજે 50 લાખ જેટલી થાય છે. કોન્ટ્રાક્ટરે આ શૌચાલય તોડી પાડયું તો અંદરનો સામાન કે ટાંકી પણ હટાવી ન હતી. આ ઘટના બાદ વોર્ડ અને ઝોન સ્તરના અધિકારીઓ સ્થળ ઉપર પહોંચ્યા હતા પણ તેમણે કાર્યવાહીને બદલે કુડલીમાં ગોળ ભાંગી સેટિંગ કરી લીધું હોવાની ચર્ચા છે.

ત્યાં જ આ મામલે રામાપીર ટેકરાના સ્થાનિક એવા વકીલ નરેન્દ્રભાઇ એસ. પરમારનું કહેવું છે કે, સ્લમરિડેવલપમેન્ટના નામે ગરીબોનાં શૌચાલયો તોડી પાડવામાં આવી રહ્યા છે અને બિલ્ડર કમ કોન્ટ્રાક્ટર દ્વારા ગરીબોની સમસ્યાઓમાં વધારો કરવામાં આવી રહ્યો છે તો આ સાથે જ સ્થાનિક લોકોએ એવો પણ આક્ષેપ લગાવ્યો છે કે, બિલ્ડરનાં માણસો દ્વારા રામાપીર ટેકરાના રહીશો ડરાવી ધમકાવવામાં આવી રહ્યા છે. જોકે હવે સવાલ એ ઉદ્ભવી રહ્યાો છે કે પાંચ વર્ષ પહેલા શરૂ થયેલો રામાપીર ટેકરાના સ્લમરિડેવલપમેન્ટની સ્કિમ વિવાદમાં સપડાઇ ગઇ છે અને ત્યાંના સ્થાનિકો દ્વારા કોન્ટ્રાક્ટર પર ગંભીર આક્ષેપો લગાવવામાં આવ્યા છે.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ સંદેશ ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો Sandeshની નવી મોબાઇલ એપ્લિકેશન