પાલિકાના ૭૦ ટકા વિદ્યાર્થીઓ સ્કૂલની વસ્તુઓથી હજી વંચિત - Sandesh
  • Home
  • Mumbai
  • પાલિકાના ૭૦ ટકા વિદ્યાર્થીઓ સ્કૂલની વસ્તુઓથી હજી વંચિત

પાલિકાના ૭૦ ટકા વિદ્યાર્થીઓ સ્કૂલની વસ્તુઓથી હજી વંચિત

 | 3:11 am IST

। મુંબઈ ।

ત્રિમાસિક પરીક્ષા નજીક આવી છે, પણ મુંબઈ મહાપાલિકાના લગભગ ૭૦ ટકા વિદ્યાર્થીઓને યુનિફોર્મ સહિતની સ્કૂલની વસ્તુઓ મળી નથી. એથી હવે તમામ વસ્તુઓ પૂરી પાડવા માટે કોન્ટ્રાકટરોને ૩૦ સપ્ટેમ્બર સુધીની મુદ્દત વધારવામાં આવી છે. એમ કરવામાં નિષ્ફળ જતા કોન્ટ્રાકટરોને કાળી યાદીમાં મૂકવામાં આવશે.

દર વર્ષે પાલિકા સ્કૂલના વિદ્યાર્થીઓને યુનિફોર્મ, બૂટ, ટિફિન બોક્સ, દફ્તર, છત્રી, પુસ્તક જેવી ૨૭ વસ્તુઓ આપવામાં આવે છે. જૂનના બીજા અઠવાડિયામાં શૈક્ષણિક વર્ષ થતું હોવાથી એના અગાઉ વિદ્યાર્થીઓને વસ્તુઓ મળી જવાનું અપેક્ષિત હોય છે. પણ આ વર્ષે ૭૦ ટકા વિદ્યાર્થીઓને હજી સુધી યુનિફોર્મ નથી મળ્યા જ્યારે ૩૩ ટકાને દફ્તર, ૨૮ ટકાને બૂટ, ૨૫ ટકાને સેન્ડલ નથી મળ્યા.

મોટાભાગની વસ્તુઓની ખરીદી માટે ટેન્ડર પ્રક્રિયા હજી સુધી શરૂ ન થઈ હોવાની આંચકાજનક બાબત સામે આવી છે. એથી આ વસ્તુઓ આપવાની મુદ્દત ૧૫ ઓગસ્ટથી વધારીને ૫ સપ્ટેમ્બર સુધી વધારવામાં આવી હતી. પણ હવે આ મુદ્દત પણ વધારીને ૩૦ સપ્ટેમ્બર કરવામાં આવી છે. આ મુદ્દત સુધીમાં કોન્ટ્રાકટરો પુરવઠો આપવામાં નિષ્ફળ જશે તો તેમને કાળી યાદીમાં મૂકવામાં આવશે એવી ચેતવણી પાલિકાએ આપી છે.

ઉલ્લેખનીય છે કે સ્કૂલની વસ્તુની ખરીદી માટે માર્ચ મહિના સુધીમાં જ ટેન્ડર પ્રક્રિયા શરૂ કરવામાં આવે છે. પણ આ વર્ષે લોકસભાની ચૂંટણીની આચારસંહિતાને કારણે ટેન્ડર પ્રક્રિયા શરૂ નહોતી થઈ. ત્યાર પછી વરસાદને કારણે પૂરની સ્થિતિ સર્જાઈ હોવાથી આ તમામ કામો પ્રત્યે દુર્લક્ષ થયું હોવાનું કારણ પાલિકાના અધિકારીએ આપ્યું છે.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ સંદેશ ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો Sandeshની નવી મોબાઇલ એપ્લિકેશન

;